તોંડમાન રાજા દ્વારા વેંક્ટાચળ પર્વત પર વેંક્ટેશ પ્રભુની મૂર્તિની સ્થાપના
શ્રીલક્ષ્મી કહે : હે પ્રભુ, ભક્તોની પવિત્ર કથા મને સંભળાવો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી પૂર્વે વેંકટાચળમાં વસુ નામે ભીલ મારો મહાન ભક્ત હતો. તેની પત્ની ચિત્રવતી તે પણ પતિવ્રતા હતી. રોજ ભગવાનને નૈવેદ્ય ધરીને ભોજન કરે. એક વખત પતિ-પત્ની બહાર કામે ગયા. તેનો પુત્ર વિરરૂદ નાનો તે ઘરમાં બપોરે ભૂખ લાગી એટલે ડાંગર શેકી ભુકો કરી ભગવાનને ધરી ખાતો હતો. ત્યાં તેના માતા-પિતા આવ્યા અને કહ્યું, પ્રભુને ધર્યા વિના કેમ ખાધું. એમ કહી લાકડી ઉગામી ત્યાં પ્રભુ પ્રગટ થઈને કહે, મારીશ નહીં તારા કરતા પણ તારો પુત્ર મહાન ભક્ત છે. તે પુત્ર વિરરૂદ બીજે જન્મે દક્ષિણ દેશનો તોંડમાન નામનો રાજા થયો. તે એકવાર વેંકટાચળ પર્વત પર ગયો. ત્યાં વરાહ ભગવાને દર્શન આપી કહ્યું, તું અહીં રાજધાની કરી તારા કુટુંબને વસાવ અને શ્રીનિવાસ ભગવાનનું મહામંદિર કરાવ. તોંડમાન રાજાએ મંદિર કરાવી. વેંકટેશ પ્રભુની સ્થાપના કરી.
એકવાર એક બ્રાહ્મણ પોતાની પત્નીને મંદિરે મૂકી રાજાને સોંપી કાશી તીર્થ કરવા ગયો. કાશી, બદ્રી, પ્રયાગ વગેરે તિર્થો કરી વેંકટાચળ મંદિરે રાજા પાસે આવ્યો. પોતાની પત્નીની માંગણી કરી. રાજાએ જોયું ત્યાં બ્રાહ્મણ પત્ની મરી ગયેલી. રાજાએ શ્રીનિવાસ પ્રભુ વેંકટેશને પ્રાર્થના કરી. હે પ્રભુ આ બ્રાહ્મણ પત્નીને સજીવન નહીં કરો તો બ્રાહ્મણ મને શાપ આપશે. તરત પ્રભુ પ્રગટ થઈને દર્શન આપી બ્રાહ્મણીને સજીવન કરી. તે શ્રીનિવાસ પ્રભુની પૂજા એક કુંભાર ભક્ત ભીમ નામે કરતો. તેથી તે મૃત્યુ સમીપે આવ્યો તે ભીમનો, તેની પત્નીનો મોક્ષ પ્રભુએ કર્યો.