માગશર સુદની મોક્ષદા એકાદશી - વૈશ્વાનર રાજાની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, માગશર સુદ મોક્ષદા એકાદશીનો વ્રતવિધિ કહું છું. સવારે સ્નાનવિધિ કરીેને સાત ધાન્યથી મંડળ પુરી વચ્ચે તાંબાનો ઘડો મૂકી નારિયેળ આસોપાલવ વગેરે પત્રો મૂકીને દામોદર ભગવાનનું ષોડ્શોપચારથી પૂજન કરી, આરતી કરી પ્રભુ પાસે સ્તુતિ કરવી. હે પ્રભુ મારાથી જાણે-અજાણે પાપ થઇ જાય તો ક્ષમા કરજો.
પૂર્વે ચંપાપુરીમાં વૈશ્વાનર રાજા મહા વૈષ્ણવ ભક્ત હતો. તેને સ્વપ્નમાં પિતૃઓને અતિ દુ:ખી જોયા. પિતૃઓએ કહ્યું, અમે અધોગતિમાં ગયા છીએ અમારો ઉદ્ધાર કરો. સવારે રાજાએ બ્રાહ્મણોને સ્વપ્નની વાત કરી. પિતૃઓ અધોગતિમાં કેમ ગયા ? ત્યારે જૈગીસવ્ય ઋષિ કહે : પૂર્વે તારા પિતૃએ દેવમંદિરની જીવિકાવૃતિ લઇ લેવાથી નરકમાં પડ્યા છે. ચાંડાલી સ્મશાનમાં ચિત્તાના અગ્નિ ઉપર માણસની ખોપરીમાં કૂતરાનું માંસ દારૂ સાથે રાંધતી હતી ત્યાં ઇન્દ્ર નીકળ્યો. એટલે ચાંડાલીએ જોડો ઢાંકી દીધો. ઇન્દ્રે પૂછ્યું કેમ ઢાંકે છે? આમાં પવિત્ર શું છે ? ચાંડાલી કહે : દેવ, બ્રાહ્મણ, ગાય તેની જીવિકાવ્રતને હરનારો તેની છાયા પડે તો મારું રાંધેલું અભડાઇ જાય. આમ બન્યું. તેથી હે રાજા હવે માગસર સુદ મોક્ષદા એકાદશીનું વ્રત વિધિ પ્રમાણે કરીને સાધુ-સાધ્વીને, અનાથ બાળકોને ભોજન કરાવીને દાન આપજે તેથી તે પિતૃઓનો વ્રતદાનના પુણ્ય પ્રતાપે મોક્ષ થશે. જૈગીસવ્ય ઋષિના કહેવા પ્રમાણે વૈશ્વાનર રાજાએ એકાદશીનું વ્રત કરીને સર્વેને ભોજન કરાવી દાન આપ્યા. પિતૃઓ પ્રસન્ન થઇ આશીર્વાદ આપી સ્વર્ગમાં ગયા. તે વૈશ્વાનર રાજા પણ પ્રભુભક્તિ કરી ધામમાં ગયો.