ભાગ · અધ્યાય ૨૫૦

જેઠ વદની અપરા એકાદશી - સલભા યોગિનીની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જેઠ વદ અપરા એકાદશીનો વ્રતવિધિ અને કથા કહું. બ્રહ્મમુહૂર્તમાં જાગી શ્રીહરિકૃષ્ણનું ધ્યાન કરવું. સ્નાન કરી શ્રીહરિકૃષ્ણ પુરુષોત્તમને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર અલંકારો ધારણ કરાવી ષોડ્શોપચારથી પૂજન કરી નૈવેધ ધરવું. મુખવાસ આપી આરતી કરીને પ્રભુ પાસે વ્રત પૂર્ણની પ્રાર્થના કરવી. પછી વાજિંત્રો સાથે ધૂન-કિર્તન ઉત્સવ કરવા. રાધા-રમણ, લક્ષ્મી, માણિકી, જયા, લલીતા, પાર્વતી, પ્રભા, ગોપીઓની રાસલીલાના, કૃષ્ણલીલાના, વિવાહના પદો ગાવા, કથા-વાર્તા કરી, જાગરણ કરવું તથા ગુરુના શરીરમાં પરબ્રહ્મનું શરીર છે એમ માની પૂજન કરવું. બારસને દિવસે ગુરુસંત વિપ્રોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું. અનેક પ્રકારના પાપો, ખોટી સાક્ષી, હત્યા વગેરે પાપોનો નાશ કરી ભુક્તિ, મુક્તિ આપનારુ અપરા એકાદશીનું વ્રત છે.

પૂર્વે સનક ઋષિની શિષ્યા સલભા ભાગવતી દીક્ષાવાળી યોગિની હતી. પુષ્કર તીર્થમાં વાસ કરતી. આત્મજ્ઞાનવાળી હતી. એક સમયે વનમાં ફરતા હિંસક પશુનું મૈથુન જોયું. વારંવાર જોવાથી રજોગુણ ભાવ વધતો ગયો. પાસે વૃક્ષ પર રહેલા વાંદરાની સાથે મૈથુન કર્યું. તેનાથી ગર્ભ રહ્યો. અતિશય પશ્ચાતાપ થયો. પોતાના ગુરુ સનક ઋષિ પાસે આવી પગે લાગી. સનક ઋષિ અંતદૃષ્ટિથી જાણી સલભાને કહ્યું : બેટા, તે બ્રહ્મચર્યનો લોપ કર્યો. પરંતુ ગુરુ પાસે નિષ્કપટભાવે વર્તવાથી પાપનો નાશ થશે અને શરીર શુદ્ધ થશે. સલભા કહે : ગર્ભપાતનું પાપ અને બાળ હત્યાનું પાપનું પ્રાયશ્ચિત મારે કેમ કરવું ? ત્યારે ગુરુ સનક ઋષિ કહે : જેઠ વદ અપરા એકાદશી નિર્જળા કરજે તેથી તારું પાપ નાશ પામશે. ગુરુનું વાક્ય સાંભળી અપરા એકાદશીનું વ્રત નિર્જળા કરી, આત્માને પરબ્રહ્મમાં જોડી ગર્ભમાં રહેલા ચેતનને લઇને બ્રહ્મરંધ્રમાં પ્રાણ કાઢી બ્રહ્મલોકમાં ગઇ. આ રીતે અપરા એકાદશી સર્વે પાપોનો નાશ કરનારી છે.