વીરભદ્ર દ્વારા દક્ષયજ્ઞનો ભંગ તેમજ દક્ષનો વધ
આ અધ્યાય 176–177 સંયુક્ત છે
તે સમયે ભૃગુ ઋષિ અને બ્રાહ્મણોને પરસ્પર શાપ થયા. શંકરને નહીં જાણનારા તમે મૂઢ ભક્તિથી રહિત થશો. શિવને ન જાણવાથી દરિદ્ર રહેશો. પછી નારદજીએ શંકર પાસે જઇ સતીનું સર્વે વૃત્તાંત કહ્યું. શંકર આત્મસ્વરૂપ હોવા છતાં અજ્ઞાનીઓને શિક્ષા કરવા ક્રોધ કરી, જટા પછાડી, વીરભદ્ર ઉત્પન્ન કરી કહ્યું, જા દક્ષના યજ્ઞનો ભંગ કર. વીરભદ્ર પગથી પર્વત ઉખેડતો દક્ષના યજ્ઞમાં આવી મંડપ ભાંગી નાખ્યો. ગણોએ દક્ષના સૈન્યનો નાશ કર્યો. તે સમયે દક્ષને અપશુકનો થવા લાગ્યા.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દક્ષ પ્રજાપતિએ બ્રહ્મા-વિષ્ણુને શરણે જઇ રક્ષણ કરવાનું કહ્યું. વિષ્ણુ કહે : જ્યાં અપૂજ્યની પૂજા થાય અને પૂજ્યનું અપમાન થાય ત્યાં દારિદ્ર મરણ અને ભય રહે છે. સતીના નાશથી સર્વેને દુ:ખ થયું. તે જ્ઞાનના અભિમાનથી શિવનું અપમાન કર્યું. શિવ નારાયણપરાયણ મહાભક્ત છે. ભક્તનો અપરાધ ભગવાન માફ નથી કરતા. જ્ઞાનનો આશ્રય કરી ઇશ્વરને, ભક્તિને તજી દે છે, તે મૂઢ કર્મમાં સદા ડૂબેલો રહે છે. ત્યાં દક્ષના યજ્ઞમાં યમ, કુબેર, વરુણ, ઇન્દ્રાદી દેવો, બ્રહ્મા, વિષ્ણુ વગેરે હતા ત્યાં વીરભદ્ર અને ગણો આવ્યા. દેવો અને ગણોનું ભયંકર યુદ્ધ થયું. તે સમયે વિષ્ણુએ ચક્ર વીરભદ્ર પર છોડ્યું. પણ શંકર કંઠમાં આવીને બેસી ગયા. તેથી ચક્ર પાછું વિષ્ણુના હાથમાં જતું રહ્યું. તે સમયે વીરભદ્રે વિષ્ણુને કહ્યું, ક્યાં ગયો દક્ષ જે જીભથી શિવની નિંદા કરે છે, તે જીભને ખેંચી લઉં. મોઢેથી શંકરનું આપમાન કર્યું છે. તે મોઢાને કાપી નાખું. જે માથું શંકરને નમ્યું નથી તે માથાને કાપી નાખું. એમ કહી તલવારથી વીરભદ્ર દક્ષનું માથું કાપવા ગયો પણ શસ્ત્રથી કપાયું નહીં. તેથી વીરભદ્રે હાથેથી દક્ષનું માથું ધડથી ઉખાડીને યજ્ઞના કુંડમાં હોમી દીધું. પછી વિષ્ણુ, બ્રહ્મા, શંકરને બોલાવી આવ્યા. બ્રહ્માએ શંકરને કહ્યું, આ સર્વેને સજીવન કરો. શંકરે અમૃત અને સંજીવની તથા મંત્રોથી સર્વેને સજીવન કર્યા. શંકરની આજ્ઞાથી વીરભદ્રે દક્ષનું મુખ બકરાનું કરીને પોતાનો ગણ બનાવ્યો. આ રીતે મહાન પુરુષોનો, સત્પુરુષોનો, ઇશ્વરોનો, દ્રોહ કરવાથી દુ:ખદ પરિણામ આવે છે. વિધુર શંકર હિમાલયમાં તપ કરવા ગયા. વીરભદ્ર કૈલાસનું રક્ષણ કરવા રહ્યો, દક્ષે કાશી જઇ તપ કર્યું, શંકરે પ્રસન્ન થઇ દક્ષના પાપ નાશ કર્યા.