અષાઢ વદની યોગિની એકાદશી - હેમમાલીની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અષાઢ કૃષ્ણ યોગિની એકાદશીની કથા કહું. બ્રહ્મમુહૂર્તમાં જાગી શ્રીહરિનું ધ્યાન કરી, સ્નાન કરી, પંચામૃતથી નૃસિંહ ભગવાનને સ્નાન કરાવી. ષોડ્શોપચારથી પૂજા કરી નૈવેધ ધરી, આરતી, દંડવત, નમસ્કાર કરી વ્રત પૂર્ણની પ્રાર્થના કરવી તથા અન્નજલ, ઘી, દૂધ-દહીં, માખણ વગેરેનું દાન કરવું.
પૂર્વે અલ્કાપુરીમાં કુબેર શિવની પૂજા કરતો. તેનો સેવક યક્ષ બગીચામાંથી ફૂલ લાવતો. એક વખત કુબેરે માન સરોવરમાંથી કમળો લઇ આવવા કહ્યું. હેમમાલી પત્નીને સાથે લઇને કમળફૂલ લેવા ગયો. ત્યાં સુંદર બગીચાના વૃક્ષ જોઇને, રમણીય પ્રદેશ જોઇને રજોગુણમાં આવી પત્ની સાથે ક્રિડા કરવા લાગ્યો. મધ્યાહ્ન થવાથી કુબેરે બીજા સેવકને ત્યાં મોકલ્યો. તે દંપતી કમળના પુષ્પો કુબેરને આપી માફી માગી પણ કુબેર કહે : તમે પૂજામાં મોડું કર્યું તે પણ કામક્રિડા કરીને. માટે દંડને પાત્ર છો. તમે દેવનું અપમાન કર્યું છે તેથી પૃથ્વી પર જન્મ ધારણ કરી સ્ત્રીનો વિયોગ થા અને કોઢના રોગવાળો થા. કુબેરના શાપથી હિમાલયમાં રખડતો ભટકતો અતિ દુ:ખી થયો. ત્યાં માર્કન્ડેય મુનિએ જોયો. પૂછ્યું કોના દ્રોહથી આવું કષ્ટ ભોગવશ. હેમમાલીએ પોતાનું વૃત્તાંત કહ્યું. માર્કન્ડેય ઋષિ કહે : અષાઢ વદ યોગિની એકાદશીએ ઉપવાસ કરી શ્રીકૃષ્ણનું પૂજન કરી વ્રત કરજે તે પુણ્યથી તારો અઢાર પ્રકારનો કોઢ નષ્ટ થશે. યક્ષે માર્કન્ડેય ઋષિના આશ્રમમાં જ તે વ્રત કરી ભગવાનની પૂજા કરી, ઋષિની પૂજા કરી દુ:ખ મુક્ત થયો. 88,000 ઋષિને જમાડવાનું ફળ તથા ભુક્તિ-મુક્તિ આપનારું યોગિની એકાદશીનું વ્રત છે.