જીવાત્માની મુક્તિના ઉપાયો
શ્વેતાયન વ્યાસ પોતાના શિષ્ય સુશીલને કહે : હાટક રાજાનો મોક્ષ થયો પછી સ્વર્ણાંગદ રાજા પણ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહાન ભક્ત થયો. પ્રભુએ મોક્ષના માર્ગ ઘણા બતાવ્યા છે. જ્ઞાનથી મુક્તિ થાય છે, કર્મના નાશની મુક્તિ થાય છે, વૈરાગ્યના વેગથી મુક્તિ થાય છે, તીર્થથી મુક્તિ થાય છે, સંતનો સંગ કરવાથી મુક્તિ થાય છે, ધર્મના આશ્રયથી, ગુરુના આશ્રયથી મુક્તિ થાય છે, નિષ્કામ કર્મથી મુક્તિ થાય, ત્યાગ, માર્ગ, સાધ્વી, ધર્મ, આશ્રય, સંન્યાસથી મુક્તિ થાય. કિર્તનથી મુક્તિ થાય, માતા-પિતાની સેવાથી મુક્તિ થાય, પતિની સેવાથી મુક્તિ થાય, સર્વે બ્રહ્માત્મ સર્વત્ર બ્રહ્મદૃષ્ટિથી મુક્તિ થાય, સર્વ સમર્પણથી મુક્તિ થાય, પરોપકાર કરવાથી મુક્તિ થાય, બીજાને સુખ આપવાથી મુક્તિ થાય, માગેલું આપવાથી, આત્મસંતોષથી મુક્તિ થાય, વાસના ક્ષયથી નિર્મળ બોધ ગ્રહણ કરવાથી મુક્તિ થાય, અહંમમત્વ રહિત કાર્ય કરવાથી મુક્તિ થાય, માયાના દુર્ગુણોથી દૂર રહે તો પણ મુક્તિ થાય. જીવાત્મા પોતે પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલી જાય તે જડ જેવો બંધાયેલો છે. પોતાના સ્વરૂપને ન ભૂલે તે મુક્ત. સદાવ્રત આપનારો, જ્ઞાન આપનારો, આત્મસુખ આપનારો, વિદ્યાદાન આપનારો, કન્યાદાન જીવનવૃત્તિ આપનારો તે પણ મુક્તિ પામે છે. નિષ્કામ ભાવે કરેલા સર્વેકર્મ મુક્તિ આપે છે.