ભાગ · અધ્યાય ૩૩૪

નારાયણ અને લક્ષ્મીના અનંત અવતારો ❖ તુલસી પ્રાગટ્ય

શ્રીલક્ષ્મી પૂછે : પ્રભુ, તુલસી ક્યાં જન્મ્યા ક્યાં દૈત્યની પત્ની થયા, પછીથી નારાયણ પતિને તપથી ક્યારે પ્રાપ્ત કર્યાં તે કથા વિસ્તારથી કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સાંભળો. વિષ્ણુનો અંશ મનુ દક્ષ સાવર્ણી હતા. તેની પાંચમી પેઢીએ વૃષધ્વજ રાજા શિવભક્ત થયો. તે કુટુંબથી પણ વધારે સ્નેહ શંકરમાં રાખતો, શંકરને પણ રાજા ઉપર એટલો જ સ્નેહ હતો. તે રાજા શંકર વિના લક્ષ્મીનારાયણ સરસ્વતિ સૂર્ય દેવોને કોઇને ન માનતો. ત્યારે સૂર્યે રાજાને શાપ આપ્યો કે, તારી રાજ્યાલક્ષ્મી નાશ પામો. રાજા રક્ષણ માટે શંકરને શરણે ગયો. શંકર ત્રિશૂલ લઇને સૂર્યને મારવા ગયા. સૂર્ય ભયથી બ્રહ્માને શરણે ગયા. બ્રહ્મા સૂર્યને સાથે લઇને વૈકુંઠ ગયા. નારાયણને નમસ્કાર કરી. સર્વે નિવેદન કર્યું. નારાયણે અભય વચન આપ્યું. ત્યાં શંકર ત્રિશૂલ હાથમાં લઇ આવ્યા. નારાયણને નમસ્કાર કરી બેઠા. નારાયણ કહે : કેમ આવ્યા ? શંકર કહે : મારા ભક્તને સૂર્યે શાપ આપ્યો. ભક્તવત્સલતાથી સૂર્યને મારવા હું ગયો. સૂર્ય બ્રહ્માને લઇને તમારે શરણે આવ્યો. તમારે શરણે ધ્યાનથી, મનથી, શરીરથી આવે તે જન્મ-મરણથી નિર્ભય થઇ જાય. પણ મારો ભક્ત રાજા વૃષધ્વજ તેની રાજ્ય સંપત્તિ નાશ થાય તેનું શું ?

નારાયણ શંકરને કહે : વૃષધ્વજ રાજા વૃદ્ધ થયો. તે મરી ગયો. તેનો પુત્ર હંસધ્વજ તે પણ વૃદ્ધ થયો તેનો પુત્ર ધર્મધ્વજ અને કુશધ્વજ છે તે વૈષ્ણવ ભક્ત છે. તે લક્ષ્મીનું પૂજન કરવાથી લક્ષ્મી પ્રસન્ન થશે અને આશિર્વાદ આપશે. ધનવાન પુત્રવાન થાવ. માટે હે શંભુ તમે અહીં વૈકુંઠમાં અર્ધી ઘડી બેઠા ત્યાં પૃથ્વી પર એકવીશ યુગ ચાલ્યા ગયા. પછી શંકર, બ્રહ્મા, સૂર્ય, સૌ પોતાના સ્થાનમાં ગયા. પછી કુશધ્વજ રાજાને ત્યાં લક્ષ્મી પ્રગટ થયા અને વેદવતી નામથી પ્રસિદ્ધ થયા. તે વેદવતીએ ગંધમાદમમાં તપ કર્યું. ત્યાં આકાશવાણી થઇ. તારા પતિ શ્રીહરિ થશે. તપમાં બેઠી થઇ ત્યાં આગળ વિપ્ર રાવણને જોયો. વેદવતીએ અતિથી સત્કાર કરી ફળજળ આપ્યા. ત્યાં રાવણ રજોગુણ ભાવથી વેદવતીનો સ્પર્શ કરવા ગયો ત્યાં વેદવતીએ તેને જડ જેવો બનાવી દીધો અને શાપ આપ્યો તું મારે માટે તારા કુટુંબ સાથે નાશ પામીશ. તે વેદવતી અદૃશ્ય થઇને પૃથ્વી પુત્ર જનક પુત્રી સીતાદેવી નામે પ્રસિદ્ધ થયા. જેને માટે રાવણ મરાયો. રાક્ષસોનો નાશ મારા વિના થતો નથી. તારા વિના તામસીઓનો વિનાશ કારણ બીજું નથી. રાવણ જ્યારે સીતાને હરવા આવ્યો ત્યારે અગ્નિએ સીતાને પોતામાં સમાવીને છાંયારૂપ રાવણ લઇ ગયો. પછી રામ લંકાનો નાશ કરી આવ્યા. સીતાની પરીક્ષા કરી, ત્યારે અગ્નિએ રામને સીતા સોંપ્યા.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એવી રીતે તારા-મારા અવતારો ઘણા થયા તેને તું જાણતી નથી હું જાણું છું. સત્યુગમાં લક્ષ્મી વેદવતી નામે થયા. ત્રેતાયુગમાં રામ પત્ની સીતા થયા. દ્વાપરયુગમાં તેની છાંયા દ્રૌપદી થયા અને કળીયુગમાં માણિકી દેવી, નારાયણપરાયણ પુરુષોત્તમ નારાયણની અશ્વી ભાવે સેવા કરી. તે લક્ષ્મી બીજે રૂપે ધર્મધ્વજ રાજાને ત્યાં પદ્મિની નામે પ્રગટ થયાં અને તુલસી નામે પ્રસિદ્ધ થયા. તે બદ્રિકાશ્રમમાં તપ કરવા ગયા. બ્રહ્મા પ્રસન્ન થયા અને કહ્યું, પુત્રી શું કામે તપ કરે છે. શું ઈચ્છા છે? તુલસી કહે : હું કૃષ્ણપત્ની શાપથી પૃથ્વી પર આવી છું. કૃષ્ણને જ પતિ કરવા છે. બ્રહ્મા કહે : શાપથી સુદામા પાર્ષદ શંખચૂડ થયો છે તેને પહેલા પતિભાવે પામીને પછી તુલસી વૃક્ષરૂપે થઇને કૃષ્ણને પામીશ. એમ કહીને તુલસીને મંત્ર આપ્યો. “ૐ રાધાકૃષ્ણાય નમ:”. બ્રહ્મા અદૃશ્ય થયા. તુલસી મંત્ર, જપ કરવા લાગી. ત્યાં શ્રીકૃષ્ણ ભગવાને દર્શન આપી કહ્યું, પહેલાં તું સુદામા પાર્ષદની પત્ની થઇશ પછી મને પામીશ.