ભાગ · અધ્યાય ૨૮૫

રુકમાંગદ રાજાને એકાદશીનો મહિમા

શ્રીનારાયણ કહે : પૂર્વે સૌરાષ્ટ્રમાં રુકમાંગદ રાજા વૈષ્ણવ, ધાર્મિકભક્ત હતો. તે રાજા એકાદશીને આગલે દિવસે નગરમાં ઢોલ પીટાવી જાહેર કરતો કાલે એકાદશી હોવાથી સર્વે વ્રત કરી હરિભક્તિ કરજો. કોઇ આજ્ઞાનું પાલન નહીં કરે તેને નગર બહાર કાઢવો અથવા વધ કરવો. કુટુંબના કોઇપણ હોય તેણે એકાદશીનું વ્રત કરવું. તેના રાજ્યમાં મરે તે ગરૂડ પર બેસીને શ્રીહરિના ધામમાં જતા યમપૂરી માર્ગ બંધ થયો. નારદજી યમરાજ પાસે આવ્યા. કહે : યમપુરીમાં કેમ શૂન્ય છે ? યમરાજાએ રુકમાગદરાજાનું વૃતાંત કહ્યું. યમરાજ નારદ અને ચિત્રગુપ્તને લઇને બ્રહ્મા પાસે ગયા. મારે આ સત્તા નથી સાચવવી. સાવ નવરા થઇ ગયા. કાંઈક ઉપાય કરો. જેથી જમપુરીમાં જીવ આવે. આવું કામ પૂર્વે કોઇ રાજાએ કર્યું નથી. બ્રહ્મા કહે : યમરાજ શ્રીહરિનું ભજન કરે તે તો ઘણું સારું કહેવાય. સર્વે ઇશ્વરો, દેવો, શ્રીહરિનું ભજન ભક્તિ કરે, શ્રેષ્ટ પદને પામ્યા છે. હું શ્રીહરિની ભક્તિથી વ્રતની ના પાડુ તો શ્રીહરિ મારું પદ બીજાને આપી દે માટે થતું હોય તેમ થવા દો.