ભાગ · અધ્યાય ૪૨૪

વિપ્રપત્ની કલહા બીજે જન્મે રાક્ષસી થઇ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે કરવીરપુરમાં ધર્મદત્ત વિપ્ર ધર્મકર્મવાળો મહાન ભાગવત ભકત હતો. વ્રતને દિવસે આખો દિવસ ભજન કરતો. એકવાર વહેલી સવારે પ્રભુનો જપ કરતા મંદિરે પૂજન કરવા જતો હતો. ત્યાં રસ્તામાં એક નગ્ન રાક્ષસી મળી અને ખાઉં ખાઉં કરતી વિપ્ર સામે આવી. ધર્મદત્ત પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યો. હે રાધાપતિ રમાપતિ, જયાપતિ, લલિતાપતિ, પ્રભાપતિ, પાર્વતીપતિ, દયાપતિ, મંજુલાપતિ, ચંપાપતિ, શાંતાપતિ, હંસાપતિ, માણિકીપતિ, મુક્તાપતિ રક્ષણ કરો. એમ પ્રાર્થના કરી રાક્ષસીને કહે જો મને અડીશ તો રામના, કૃષ્ણના, દુર્ગાના, કાળના સમ છે. ત્યાં તો ભગવદ્ ભક્તના દર્શનથી અને પ્રભુ નામ સાંભળવાથી તે રાક્ષસીની બુદ્ધિ સાત્વિક થઈ અને પૂર્વ જન્મની સ્મૃતિ થઈ. પૂર્વે હું વિપ્ર પત્ની કલહા હતી. પતિની સેવા ન કરવાને બદલે પતિ પાસે સેવા કરાવતી. અનેકવાર દુ:ખ આપતી. એકવાર ક્રોધથી વિપ્રે મને માર્યું પાડોશી આવ્યા અને કહ્યું આને કાઢી મેલ્ય. બીજા લગ્ન કર. વિપ્રે બીજા લગ્ન કર્યાં. મેં ઝેર પીધું મરીને યમપુરીમાં ગઇ.

ત્યાં યમદૂતોએ ખૂબ મારી મારીને અધમૂઈ કરી. પછી વળવાંગળીનો જન્મ પામી પછી ગધેડી, બિલાડી, ભુંડણીના જન્મને પામી. અત્યારે પ્રેત રાક્ષસી થઈ ને ભટકું છું. માટે હે દેવ, હે વિપ્ર, હે ભક્તરાજ મારો ઉદ્ધાર કરો. મેં પતિની સેવા કરી નથી. તેથી આવા દુ:ખોને કારણે જન્મો લેવા પડ્યા છે. તેથી મારો ઉદ્ધાર કરો. ધર્મદત્તે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ” એ મંત્ર આપી તુલસીજળ તેની પર છાંટ્યું. ત્યાં તો પ્રેતના દેહથી રહિત થઈ. દિવ્ય કન્યાનું રૂપ ધારણ કર્યું અને વિમાન લઇને આવેલા બે પાર્ષદો સાથે આકાશ માર્ગે ગઈ. ધર્મદત્તે બન્ને કૃષ્ણ પાર્ષદોને નમસ્કાર કર્યાં. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સંતપુરુષોની કૃપાથી સર્વે પાપ નષ્ટ થાય છે. સંતની કૃપા તે ધન છે સુખ છે સ્વર્ગ છે પુણ્ય છે અને મોક્ષ છે. જે સ્ત્રી પતિની સેવા નથી કરતી, જે જનોને સંતની સેવા નથી મળતી તેનું સર્વે નષ્ટ થયેલું છે.