ભગવાનનાં ધામમાં સમય-દિવસની ગણતરી ❖ લોમશ ઋષિનું દિવ્ય જીવન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ઇન્દ્રદ્યુમ્ન રાજાએ સવારે જાગી સ્નાન કરી ગુરુ લોમશઋષિને પગે લાગી કહ્યું, તમે મોક્ષ આપનારાં સદ્ગુરુ છો પણ માયાથી પર છો.તેથી પ્રશ્ન કરું છું કે, ભગવાનના ધામમાં સમય સેવા અને દિવસની ગણત્રી કઇ રીતે છે. લોમશઋષિ કહે, બ્રહ્મધામમાં પુરૂષોત્તમનારાયણની મૂર્તિમાંથી જ્યારે શ્વેત પ્રકાશ નીકળે ત્યારે દિવસ થાય છે. મૂર્તિમાંથી લાલ પ્રકાશ નીકળે ત્યારે સંધ્યા થાય છે અને મૂર્તિમાંથી શ્યામ પ્રકાશ નીકળે ત્યારે રાત્રિની કલ્પના કરવામાં આવે છે. મૂર્તિમાં લીન સ્થિતિ તે નિંદ્રા, હાસ્ય સેવા તે જાગ્રત અવસ્થા. ગોલોક અને વૈકુંઠ ધામમાં પણ નારાયણના તેજના કિરણોથી જ વ્યવહાર છે.
રાજા કહે : ગુરુ, તે પ્રભુ પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે માતાના ગર્ભમાં આવે છે કે નથી આવતા તથા તે પ્રભુનું શરીર સર્વના જેવુ જ કેમ હોય છે ? લોમશ ઋષિ કહે, જ્યારે પ્રભુ પ્રગટ થવાના હોય ત્યારે વાયુને આજ્ઞા કરે છે કે માતાને ગર્ભવાળા બનાવજે. જ્યારે પ્રસવ થવાનો હોય ત્યારે વાયુ અદૃશ્ય થાય અને પ્રભુ બાળક બની માતાની ગોદમાં આવે છે, તે પ્રભુની ગતિને કોઇ જ જાણી શકતું નથી. એ જ રીતે મુક્તની સ્થિતિ છે. એ જ રીતે હે રાજા નિત્ય તૃપ્તિવાળો હું મારું ખાવું, પીવું, રહેવુ સર્વ ક્રિયા દેખવા માત્ર ભક્તની ભાવના માટે છે. મારી સર્વ ક્રિયા દિવ્ય છે.
ઇન્દ્રદ્યુમ્ન કહે : ગુરુ તમે આશ્રમ કેમ બાંધ્યો નથી ? તમારી આયુષ્ય કેટલી છે ? લોમશ ઋષિ કહે, ત્રણ લાખ પાસઠ હજાર કલ્પો ગયા અને તેટલા જ કલ્પો બાકી છે. પછી પ્રભુના ધામમાં જઇશ. સો બ્રહ્મા તો ચાલ્યા ગયા તે મેં જોયા અને મને મહાકાળ દેખાય છે. તેથી આશ્રમ બાંધ્યો નથી. ઇન્દ્રદ્યુમ્ન કહે, ગુરુ તમે આટલી આયુષ્ય કેમ મેળવી ? લોમશ ઋષિ કહે, પૂર્વે હું દરિદ્ર શુદ્ર હતો. ભુખ્યો-તરસ્યો, નર-નારાયણ ભગવાનની પૂજા કરતો. એકવાર ઠંડીથી મૃત્યુ થયું. વિપ્રને ત્યાં જન્મ થયો. પૂર્વ જન્મનું જ્ઞાન હતું. તેથી કંઇ ન બોલતો. વૈરાગ્યથી નારાયણનું ભજન કરતો. પ્રભુ પ્રસન્ન થઇ કહે, માંગ. મે કહ્યું, જન્મ મરણથી રહિત કરો.
નારાયણ કહે : મૃત્યુલોકમાં કોઇ અમર નથી પણ એક કલ્પ થશે એટલે તારો એક રોમ ઓછો થશે. એમ કહી પ્રભુ અદૃશ્ય થયા. ત્યારથી હું અશ્વપટ સરોવર કુંકુમવાપી ક્ષેત્રમાં વાસ કરૂ છું. પછી ઇન્દ્રદ્યુમ્ન રાજા સાથે આવેલા માર્કન્ડેયઋષિ, બકઋષિ, ગૃધઋષિ, કચ્છપઋષિ વગેરે ઋષિ પાસે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લઇ સદાને માટે જપ કરી ચિરંજીવી થયા. કચ્છપઋષિ કચ્છ દેશમાં નારાયણ સરોવરમાં વાસ કરે છે. ધુક્રઋષિ હાટકેશ્વર તીર્થ નાગમતી નદી કાંઠે વાસ કરે છે. ગૃધઋષિ ગીરનારમાં દત્તાત્રેયના તપસ્થાનમાં વાસ કરે છે. બકઋષિ સોમનાથ ક્ષેત્રમાં રહે છે. માર્કન્ડેય ઋષિ તુલશીશ્યામ ગીરમાં વાસ કરે છે. અમે સર્વ ઋષિઓ કાર્તિકમાં ગિરનારની પ્રદક્ષિણામાં પાંચ દિવસ વાસ કરીને ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ધ્યાન કરતાં. મૂર્તિમાં લીન થયા ત્યાં મુક્તો વિમાન લાવ્યા. તેમાં બેસી ઇન્દ્રદ્યુમ્ન રાજા બ્રહ્મલોકમાં ગયો. નારાયણ કહે : લક્ષ્મી, આ ઋષિ અને ઇન્દ્રદ્યુમ્નની કથા કોઇ વાંચશે, સાંભળશે તે સર્વે અક્ષરધામમાં પ્રભુની સેવા પ્રાપ્ત કરશે.