પરમાત્મા વિશે પતિવ્રતાની ભક્તિનું જ્ઞાન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પરમાત્માને વિશે જે પતિવ્રતાની ભક્તિ કરવી તે શ્રીકૃષ્ણે શંકરને કહી, શંકરે નારદને કહી, તે ભક્તિ હું કહું છું. જે સ્ત્રી શ્રીહરિને પતિભાવે ભજે છે તે પોતાની એકવીસ પેઢીને તારે છે. જે સ્ત્રી શ્રીહરિને ભજે છે તેના માતા-પિતા, ભાઇ, પતિ, કુટુંબ સર્વે ધન્યવાદને પાત્ર છે. અનેક જન્મમાં કરેલા પાપો પતિવ્રતાના પ્રભાવથી નષ્ટ થાય છે. શંકર કહે, પાર્વતી તને જેવો મારામાં સ્નેહ છે તેવો જ મને શ્રીકૃષ્ણમાં સ્નેહ છે. સર્વે દેહધારીઓનો રક્ષક, પોષક, પાલન, એક પતિ પરમેશ્વર જ છે. તરસ્યા જેમ એક પાણીને સંભાળે ઠંડીથી ધ્રુજતા એક અગ્નિને સંભાળે દૂર રહેલો જેમ એક ઘર સંભાળે. ચાતક જેમ મેઘને ઈચ્છે. ઋષિઓ જેમ મનમાં શ્રીહરિને સંભાળે. હંસ જેમ માન સરોવરમાં જાય. બ્રહ્મને જાણનારા બ્રહ્મવિદ્યાની ઈચ્છા રાખે. તેમ હું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને સંભારું છું. ભક્તિની ઈચ્છા એક ભક્ત રાખે. વ્યસની વ્યસનમાં ચોંટે, અજ્ઞાની શરીરમાં આસક્ત રહે. ભમરા જેમ પુષ્પને ઈચ્છે, પક્ષી જેમ સૂર્યને સંભારે, તેમ હું શ્રીહરિને સંભારું છું.
હે સતી, શ્રીહરિની ભક્તિ વિના સર્વ નાશવંત છે. ઈન્દ્રાદી દેવો સ્વર્ગમાં અમૃત પીવા છતાં ભક્તિ વિના દુ:ખી છે. માટે સર્વેના પતિ એવા ભગવાનને પ્રાપ્ત કરીને જરાય દુ:ખ નથી રહેતું તેથી સતી, સાધ્વી, પતિવ્રતા કૃષ્ણપતિને પામે છે. જેમ માયારૂપી વસ્ત્રની પોટલીમાં પાણી રહેતું નથી તેમ ભક્તિ વિનાના મનુષ્યોને ઉપદેશ પણ ઝેર જેવો લાગે છે. સર્પને પાયેલું દૂધ જેમ ઝેર બને છે. જગત આખું કર્મથી બંધાયેલું છે તે કર્મ જો ભગવાન લેખે કરવા માંડે તો ભવપારના બંધનથી છુટી જાય છે જેથી માયામય એવા કર્મો બંધન નથી કરતા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકરે પાર્વતી ને કહ્યું - હે સતી, નરનારી જે આ રીતે નવધા ભક્તિથી શ્રીહરિમાં સ્નેહ કરે છે. તેવા ભક્તોને જગતના કોઇપણ પદાર્થ, સંપત્તિ, વસ્તુ, દેહ, કુટુંબ, સંસારમાં પ્રીતિ થતી જ નથી. એવા ભક્તો દેહ મુકી પરમધામમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણના શાશ્વત સુખને ભોગવે છે.