યમુનામાં સૂર્ય આરાધનાથી સાંબની કોઢના રોગથી મુક્તિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દ્વારકામાં પત્નીઓ સાથે વાસ કરતા શ્રીકૃષ્ણ પાસે નારદજી આવ્યા. શ્રીકૃષ્ણે સ્વાગત કર્યું. નારદજી કહે, એક રહસ્યની વાત કરવી છે. મેં સ્વર્ગમાં સાંભળ્યું. સાંબ અતિ રૂપાળો યુવાન છે. તેને જોઇને શ્રીકૃષ્ણની હજારો પત્નીઓ મોહ પામે છે. આ વાત સ્વર્ગમાં થાય છે. માટે યશ-કીર્તિ તે સ્વર્ગ છે અને અપકીર્તિ તે નરક છે. તેથી સાંબને અને તમારી પત્નીઓને સભામાં બોલાવો. નારદનું વચન સાંભળી શ્રીકૃષ્ણે પત્નીઓને બોલાવી તથા સાંબને બોલાવી પાસે બેસાડ્યો. સર્વે પત્નીઓ રૂપવાળા સાંબને જોઇને ક્ષોભ પામી. નારદ શ્રીકૃષ્ણને નમસ્કાર કરી ચાલ્યા ગયા. શ્રીકૃષ્ણ અવળુ મુખ કરી ગયા. વિચારવા લાગ્યા. સારા રૂપવાળા યુવાનને જોઇને નારીનું ચિત્ત આકર્ષાય છે. એક ચક્રથી રથ ચાલતો નથી નર વિના નારીને રસ નથી, નારી વિના નરને રસ નથી. સર્વે પત્નીઓ સાંબને જોઇને મોહ પામી. તેથી શ્રીકૃષ્ણે સાંબને કહ્યું, તારે પ્રાયશ્ચિત કરવું પડે એમ કહીને સાંબને શાપ આપ્યો જા વિરૂપ થા. સાંબ કોઢવાળો કુરૂપ થયો.
સાંબને જોઇને નારદ કહે : તારે રોજ સવારે સૂર્યદર્શન કરવું. તે સૂર્યનારાયણ તારો રોગ નાશ કરશે અને મથુરા જઇને કૃષ્ણગંગાતીર્થમાં સ્નાન કરી છ માસ સુધી સવારે અને બપોરે સૂર્ય આરાધના કરજે. સાંબ શ્રીકૃષ્ણની આજ્ઞાથી મથુરા જઇ યમુનામાં ષટ્સૂર્યની આરાધના કરતો. એવા સમયમાં સૂર્ય પ્રસન્ન થઇને સાંબને શરીરે સ્પર્શ કરી કોઢનો રોગ નાશ કર્યો. સાંબ સૂર્ય જેવો શોભવા લાગ્યો. નાના મોટા પાપો જાણતા-અજાણતા થતા પાપો સર્વે તિર્થો કરવાથી ધોવાય છે. દેવના અપરાધો ન કરવા. દેવના મંદિરમાં જોડા પહેરી ન જવું. દેવને અંધારામાં ન જગાડવા. મંદિરમાં ગ્રામ્યવાર્તા ન કરવી. મધ, માંસ ન ખાવા પીવા. આ સર્વે શરીરથી થતા અપરાધો કહ્યા તથા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, તૃષ્ણા વગેરે મનના દોષ છે. તથા માતા-પિતા, ગુરુજનો, સાધુ, વિપ્ર, દેવ, તીર્થ, સાધ્વી, પતિવ્રતા વગેરેની નિંદા કરવી, તે વાણીના દોષ છે. તે સર્વે દોષની નિવૃત્તિ તીર્થસ્નાનથી, તીર્થયાત્રાથી, પંચગવ્યથી, ઉપવાસથી, ચાંદ્રાયણથી, બ્રહ્મકુર્ચ વ્રતથી, તપથી થાય છે.