શંકર દ્વારા નારદને નિત્યપૂજા વિધિ - જ્ઞાન ઉપદેશ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નારદ શંકરને નિત્ય વિધિ પૂછતા હતા. શંકર કહે : બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠીને ગુરુનું ભાલમાં ચિંતવન કરવું, બ્રહ્મરંધ્રમાં શ્રીહરિનું ધ્યાન કરવું, હૃદયમાં કૃષ્ણની પૂજા કરવી. ગુરુ મંત્ર આપે છે, ગુરુ વિધિ બતાવે છે, ગુરુ જ્ઞાન આપે છે, તેથી ગુરુ સમાન કોઇ નથી. પછી સ્નાનવિધિ કરવા સમયે સર્વે તીર્થો, નદીઓ, સંતો, ભક્તો, બ્રહ્મ પત્નીઓને સંભારી સ્નાન કરવું. પછી પવિત્ર આસન પર બેસી શ્રીહરિની પ્રતિમા- શાલિગ્રામને ષોડ્શોપચારથી પૂજા કરવી. શ્રીહરિને આસન આપવું. વસ્ત્ર આભૂષણ, આચમન, પુષ્પહાર, ચંદન, ધૂપ-દીપ, નૈવૈદ્ય ધરી મુખવાસ આપવો. આરતી, પ્રદક્ષિણા, દંડવત્, સ્તુતિ, નમસ્કાર, ક્ષમાયાચના, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય ચોસ્ય વગેરે ભગવાનને અર્પણ કરીને ગ્રહણ કરવું. તે વૈષ્ણવ ભક્ત કહેવાય છે. જીવ હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય રાખવું, દાનગ્રહણ ન કરવું, પ્રાપ્ત સંપત્તિમાં સંતોષ, દિવસે ઉદ્યમ કરવો. સાંજે મંદિરે જઇ ધૂન-કિર્તન કરવા. સર્વેમાં પરબ્રહ્મ પરમાત્મા હરિકૃષ્ણ રહ્યા છે એમ માની કોઇનો દ્રોહ ન કરવો. જડચેતન બધામાં પ્રભુ રહ્યા છે. એમ માનવું.
જડ પદાર્થો ચેતન માટે છે. તે જો સન્માર્ગે વાપરે તો મોક્ષ માટે થાય છે. માયા ત્રણ ગુણવાળી છે તેને જાણે તો બંધન ન થાય. જ્ઞાનથી કર્મ નાશ થાય. વૈરાગ્યથી બંધન ન થાય. ધર્મથી આગળ ગતિ થાય, ભક્તિથી શ્રીહરિની પ્રસન્નતા થાય. પૃથ્વીમાં જેટલી વસ્તુ પદાર્થ, ધન, સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા તે વાસના ને તૃષ્ણા જન્મો ધારણ કરાવે છે. જો સર્વે ઈચ્છા મટી ગઇ, તો શું ઘર શું ગૃહિણી કોણ સંતાન ? કોણ કુટુંબ ? આવું જ્ઞાન યોગીઓને થાય છે. તેથી તેને જગતમાં બંધન થતું નથી. આવું જ્ઞાન ન થાય તો સર્વે કર્તાહર્તા પ્રભુ જ છે ! બીજ વાવે ખેડુ, પાણી પાય બેડું, રક્ષણ કરે તૈયાર કરે ખેડુ, ખાય સર્વે. તેજ રીતે સર્વના કર્તા ખેડુ શ્રીહરિકૃષ્ણ છે. સર્વે પ્રભુનું છે એમ માને તો બંધન ન થાય. તે પ્રભુ સર્વે કરે છે, હું કાંઇ કરતો નથી એમ માની શ્રીહરિની ભક્તિ ઉપાસના કરવી.