કાશ્મીરનો વસુ રાજા અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરી પરમધામમાં ગયો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કાશ્મીરનો વસુ રાજા અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહાન ભક્ત હતો. તે પ્રત્યક્ષ પ્રભુ પાસેથી મંત્ર ગ્રહણ કરી. તુલસી કંઠી પહેરી. તુલસીની માળા રાખી નિત્ય અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતો. તે એકવાર બદ્રિકાશ્રમ યાત્રા કરવા ગયો. ત્યાં તેને પૂર્વ જન્મનું જ્ઞાન થવાથી તપમાં બેસી ગયો. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર મહાતત્વ, પ્રકૃતિ, વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ, શ્રૌત્ર, ત્વક, ચક્ષુ, રસના, ધાણ, પાન, અપાન, વ્યાન, ઉદાન, સમાન આ ચોવીસ માયાના તત્ત્વોથી પોતાના આત્માને જુદો માની તેમાં પરમાત્મા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતો ધ્યાન કરતો હતો. ત્યાં તેના શરીરમાંથી કાળો પાપરૂપ પુરૂષ નીકળ્યો.
વસુરાજાએ પૂછ્યું, તું કોણ છો ? તેણે કહ્યું, હું તારા પૂર્વજન્મનું પાપ બ્રહ્મહત્યા છું. તે પૂર્વજન્મમાં મૃગરૂપ ઋષિનો શિકાર કર્યો. તે ઋષિ મરણ પામ્યા ન હતા. તેણે શાપ આપ્યો તે બ્રહ્મહત્યારૂપ પાપ હું તારા શરીરમાં હતો. તે આ જન્મમાં ભક્તિથી અને તપથી તારા પાપ બળી ગયા પછી પ્રભુના પાર્ષદો વિમાન લઇને આવ્યા. તેમાં બેસી વસુરાજા અનાદિશ્રીકૃષ્ણનારાયણના પરમધામમાં ગયો.