બ્રહ્માજી દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા - જગન્નાથ ભગવાનનો સર્વને આશિર્વાદ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્મા સત્યલોકથી વિમાનમાં આવ્યા. મંદિર, મંડપ, યજ્ઞશાળા, રથ વગેરેની શોભા જોઇ પ્રસન્ન થયા. પછી બ્રહ્માએ કૃષ્ણના રથની પૂજા કરી પછી બલભદ્ર પછી સુભદ્રાના રથની પૂજા કરી. પછી સ્તુતિ કરી. આસને બેઠા પછી બ્રહ્માની આજ્ઞાથી સર્વ દેવો ઋષિમુનિઓ વૈદિકો બ્રાહ્મણો સર્વે બેઠા. તે સમયે ચૌદલોકના વાસી અબીલ, ગુલાલ, પુષ્પો, કંકુ, ચોખાથી પ્રભુની રથની પૂજા કરવા. હું પ્રથમ, હું પહેલા એમ કહી દર્શન કરવા દોડતા હતા. ભારદ્વાજ મુનિએ યજ્ઞ શરૂ કર્યો. ઈન્દ્રદ્યુમ્ન રાજાએ સર્વ દેવોની પૂજા કરી. મહામંદિરને વિધિપૂર્વક વેદમંત્રોથી ધજા ચડાવી. પછી બ્રહ્માએ વિપ્રો પાસે પ્રભુની મૂર્તિ લઇને મંદિરમાં સિંહાસનમાં પધરાવી. ત્યાં આકાશમાંથી પુષ્ટવૃષ્ટિ થઈ. સર્વે જયઘોષ કરવા લાગ્યા. હે જગન્નાથ, સુભદ્રા, બલભદ્ર તમે જય પામો. પછી બ્રહ્માએ તીર્થજલથી પ્રભુની મૂર્તિઓને અભિષેક કર્યો. સુવર્ણ સળીથી નેત્રને આંજળ કર્યું. વૈદિક મંત્રથી સર્વ અંગ ન્યાસ કર્યો. વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી આરતી ઉતારી. સ્તુતિ, પ્રાર્થના કરી કે, હે પ્રભુ તમે આ મૂર્તિમાં વાસ કરો. તમારી આજ્ઞાથી અહીં તમારી પ્રતિષ્ઠા કરી છે. મારા અહીં વાસ કરવાથી સર્વ દેવો આદિ વાસ કરશે. પછી બ્રહ્માએ નૈવેદ્ય છપ્પન ભોગ ભગવાનને ધરીને સર્વને મહાપ્રસાદ આપ્યો. વૈશાખ સુદ આઠમે પ્રતિષ્ઠા કરી. સર્વને ભેટ દાન આપ્યા. તે દિવસે જે જપ, તપ, દાન, સ્નાન વ્રત, પુણ્ય કરે તે અક્ષય થાય છે અને મારા ધામમાં નિવાસ કરે છે.
તે દિવસે સાંજે સર્વને શ્રીકૃષ્ણની મૂર્તિમાં નૃસિંહ ભગવાનના દર્શન થયા. થોડીવાર પછી મત્સ્ય અને કૃચ્છ પ્રભુના દર્શન થયા. એક ક્ષણ પછી વરાહ, હંસ, હયગ્રીવ, કપીલ, હરિ, વાસુદેવના દર્શન થયા. પછી પૃથુ દત્તાત્રેય, વૃષભ, વામન, યજ્ઞ, નારાયણ, રામ, કુમાર, સનકાદિકો, નારદ, રાજરાજ, વ્યાસ, બુદ્ધ, સર્વના દર્શન થયા પછી સર્વ અદૃશ્ય થઇ શ્રીકૃષ્ણનારાયણમાં લીન થયા. પછી લક્ષ્મીનારાયણ નરનારાયણના દર્શન થયા. સર્વએ જાણ્યું. સર્વે અવતારો પુરુષોત્તમના છે. પછી બ્રહ્માએ ઈન્દ્રદ્યુમ્ન રાજાને કહ્યું કે, તારા હજારો જન્મની ભક્તિનું ફળ તને આજે મળી ગયું. ત્યારે જગન્નાથ ભગવાનની મૂર્તિ હસતા થકા બોલી કે, હે રાજા તારા અતિ ભક્તિભાવથી હું પ્રસન્ન થયેલો છું કે, તને વરદાન આપું છું. તને સદા મારામાં ભક્તિ રહેશે. હે રાજા, તે કરોડો રૂપિયાથી આ મહામંદિર કર્યું છે. તે પડી જશે. તો પણ હું આનો ત્યાગ નહીં કરું. સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી આ મૂર્તિમાં વાસ કરીશ. દર ઉત્સવમાં મારી મૂર્તિને અભિષેક સ્નાન, પૂજા, નૈવેદ્ય-ઉત્સવ કરશે. તથા વર્ષના સર્વ અવતારોના ઉત્સવ કરશે. તે અશ્વમેઘ યજ્ઞના ફળને પામશે અને અંતે મારા ધામને પામશે. જગન્નાથ ભગવાન શ્રીહરિએ પછી બ્રહ્માને કહ્યું, તમે સત્યલોકમાં જાવ. દેવોને કહ્યું, તમે સ્વર્ગમાં જાવ. ઈન્દ્રધુમ્ન રાજાને કહ્યું, તું મારી સેવામાં અહીં રહેજે. એમ કહી શ્રીહરિ મૂર્તિમાં લીન થયા. પછી રાજા પ્રભુની સેવામાં રહ્યો.
જેઠ સુદ એકાદશીએ માર્કન્ડેય મુનિ ત્યાં આવી સમુદ્રમાં સ્નાન કરી શંકર પાર્વતીનું પૂજન કરી. જગન્નાથ મંદિરે આવી. પુરુષોત્તમ, નારાયણ, બલભદ્ર, સુભદ્રાના દર્શન કરી ત્રણ પ્રદક્ષિણા કરી. આચમન કરી ત્રણ પ્રાણાયામ કરી. પૂર્વે મુખે સ્તુતિ કરી કે, પૂર્વે દિશામાં ગોવિંદ ભગવાન મારું રક્ષણ કરો. દક્ષિણ દિશામાં સંકર્ષણ ભગવાન મારું રક્ષણ કરો. પશ્ચિમ દિશામાં પ્રદ્યુમ્ન ભગવાન મારું રક્ષણ કરો. ઉત્તમ દિશામાં ઋષિકેશ ભગવાન મારું રક્ષણ કરો. અગ્નિ દિશામાં નૃસિંહ ભગવાન મારું રક્ષણ કરો. નૈઋત્ય દિશામાં મધુસુદન મારું રક્ષણ કરો. વાયવ્ય દિશામાં શ્રીધર મારી રક્ષા કરો. ઈશાનમાં ગદાધર મારી રક્ષા કરો. આકાશમાં વામન પ્રભુ મારું રક્ષણ કરો. પૃથ્વી પર વરાહ ભગવાન મારું રક્ષણ કરો. સ્વામિનારાયણ ભગવાન સર્વત્ર મારું રક્ષણ કરો. એકાદશીએ નારાયણની પૂજા કરવી. જેઠ સુદ દસમીએ નિલ માધવની પૂજા કરવી. તેરશે પ્રધુમ્નની પૂજા કરવી. ચૌદશે નૃસિંહ ભગવાનની પૂજા કરવી. પૂનમે સર્વે દેવોની પૂજા કરવી. સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપનારા ગૌદાન કરનારાને સર્વ સંકલ્પ પૂર્ણ થાય છે અને અંતે મોક્ષમાં જાય છે.