ભાગ · અધ્યાય ૧૪૧

નૃસિંહ પ્રભુનું ભક્ત પ્રહલાદને વરદાન

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નૃસિંહપ્રભુએ પ્રહલાદની પરીક્ષા કરવા માટે પૂછ્યું. બોલ બ્રહ્માંડ રાજ્ય જોઇએ છીએ કે વૈરાટ વિષ્ણુપદ દઉં. પ્રહલાદ કહે, પ્રભુ મારે તો શાશ્વત એવું તમારું ધામ અને મુક્તિ વિના બીજું કાંઇ જોઇતું નથી. પ્રભુ તમારી કૃપાથી પ્રકૃતિપુરુષ પર્યંત સર્વે નાશવંત છે એવું નારદજીએ સમજાવ્યું છે. તેથી જો આપવું હોય તો તમારી નવધા ભક્તિ તથા તમારા સંતોની સેવા આપો. પ્રભુ અતિ રાજી થઇ કહે : પ્રહલાદ જે ભક્ત મારી પાસે નથી માંગતો તેને હું વણમાંગ્યુ બધુ આપું છું. જે મારી પાસે આશાથી ભક્તિ કરે છે તેને હું મારાથી દૂર રાખું છું. આવો મારો સ્વભાવ છે. તેથી હે ભક્ત હું તને પાતાલનું રાજ્ય આપું છું. તે સર્વે વસ્તુ પદાર્થ મને અર્પણ કરી ઉપયોગમાં લઇશ તો તને બંધન નહીં થાય.