પરબ્રહ્મનું જ્ઞાન, સેવા-ભક્તિનાં પ્રકાર અને મહિમા
એકવાર સતી શંકરને કહે : આ તમારા કૈલાસમાં બરફના પર્વત વિના બીજું કાંઇ દેખાતું જ નથી. મારી બીજી બહેનો છે તેને કેવા સરસ ભવનો છે. સંસારમાં પહેલું દુ:ખ રહેવા ઘર નહીં, બીજું દુ:ખ ખાવા અનાજ નહીં, ત્રીજું દુ:ખ ધન સંપત્તિ નહીં, ચોથું દુ:ખ સંતાન નહીં, પાંચમું દુજાણું નહીં, છઠ્ઠું રોગ, સાતમું મલિનતા, આઠમું દુ:ખ આ પોઠિયો, સિંહ, સર્પો બાધ્યા કરે. તે તમને યોગીને તો દુ:ખ દેખાતા નથી. પણ મને દેખાય છે. પછી શંકરે સતીને રાજી રાખવા, બગીચા, વૃક્ષો, ભવનો નિર્માણ કરી સતીનો સંકલ્પ પૂર્ણ કર્યો. મહાદેવ શંકરથી સુખ પ્રાપ્ત કરી એકવાર સતીએ વૈરાગ્યવૃતિથી પૂછ્યું, હે મહાદેવ તમે પરબ્રહ્મમાં ધ્યાનમગ્નથી તાદાત્મ્યપણાને પામેલા છો. તેથી હું મારા અહોભાગ્ય માનું છું. તમારા જેવા પતિ મળ્યા તેથી તમારાથી પરબ્રહ્મનું જ્ઞાન-વિજ્ઞાન જાણવા ઈચ્છુ છું. જે સાંભળીને જગતના જીવો પ્રભુના દાસ થયા.
શંકર કહે, પૂર્વે હું નરનારાયણના આશ્રમે જઇને વૈષ્ણવ થયેલો છું. તે પરબ્રહ્મની આરાધના, ઉપાસના, ભક્તિ કરવી તેને જ પ્રભુનું વિજ્ઞાન કહેલું છે. નારાયણ બીજા સાધનોથી તરત પ્રાપ્ત થતાં નથી, પણ તેની નવધા ભક્તિ, શ્રવણ, કિર્તન, સ્મરણ, ચરણસેવા, દાસપણું, સ્નેહથી, પૂજા, વંદન, સખા, સખીભાવ, આત્મનિવેદન આ નવ પ્રકારે શ્રીહરિની ભક્તિ કરવી, શ્રીહરિની કથા શ્રવણ કરી હૃદયમાં તે મૂર્તિના લીલા ચરિત્રોનું સ્મરણ કરવું. તે શ્રીહરિ ધામમાં રહ્યા છે. વ્યાપક સ્વરૂપે સર્વ સ્થાનમાં રહ્યા છે. અનન્યપણે અવતારોમાં, ઇશ્વરોમાં, દેવોમાં, સર્વમાં તથા અંતર્યામીપણે જીવ પ્રાણી માત્રમાં રહ્યા છે. તે પરબ્રહ્મ શ્રીહરિની ષોડ્શોપચારથી પૂજા કરવી. પંચામૃતથી સ્નાન, વસ્ત્ર, આભૂષણો ધરાવવા, અબિલ-ગુલાલ, કંકુ, અત્તર, ચંદનથી પૂજા કરવી. તુલસી, પુષ્પના હાર, ધૂપ, દીપ, નૈવેદ્ય, મુખવાસ ધરાવવું. આરતી ઉતારવી, દંડવત્, પ્રદક્ષિણા, સ્તુતિ, નમસ્કાર કરી ક્ષમા પ્રાર્થના કરવી.
આ શ્રીહરિની ભક્તિ તે ભુક્તિ-મુક્તિ અપાવનારી છે. તથા તે વિના બીજા ભક્તિના સેવાના ઘણા પ્રકારો છે. મંદિરમાં જઇ વાળવું, પાણી ભરવું, સ્વચ્છ રાખવું. આ સર્વે સેવાને ભક્તિ કહેલી છે તે સેવા શ્રીહરિમાં પ્રિતી કરાવી જ્ઞાન આપનારી થાય છે. તથા ભક્તિ મુખ્ય બે પ્રકારની થાય છે. સકામ ભાવનાથી જે ભક્તિ થાય છે તે સગુણ ભક્તિ કહેવાય છે. નિષ્કામ ભાવનાથી કેવળ ભગવાનને રાજી કરવા માટે ભક્તિ સેવા થાય તે નિર્ગુણ ભક્તિ છે. તે નિર્ગુણ ભક્તિ પણ સ્વભાવથી અને આજ્ઞાથી બે પ્રકારે થાય છે. તેમાં પણ બે પ્રકારે એક પરાભક્તિ બીજી અપરાભક્તિ, શરણાગત સાધનરૂપે અપરાભક્તિ કહેલ છે. પરિપકવ નિષ્ટાવાળી સાધ્યભક્તિ પરાભક્તિ કહેલી છે. આ રીતે પરાભક્તિ કરતાં શ્રીહરિનું સ્મરણ કરતાં દેહને તજીને પરમપદ પમાય છે. હે સતી પૂર્વ મેં 60 હજાર વર્ષ તપ કર્યું. શ્રીહરિએ મનોહર કિશોર સ્વરૂપે દર્શન આપી કહ્યું : શંભુ શું ઈચ્છે છે ? મેં કહ્યું, પ્રભુ તમને અર્પણ કર્યા વિના કોઇ વસ્તુ ગ્રહણ ન કરું, એવું આત્મનિવેદીપણું આપો.