યમદેવ, ધર્મદેવ અને ચિત્રગુપ્તનું કાર્ય
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સૂર્યે યમદેવને બ્રહ્માને સોંપ્યા. શ્રીહરિએ દક્ષિણ દિશામાં યમપુરી નિર્માણ કરી યમદેવને ત્યાં રાખ્યા. પાપીઓને દંડ આપવા ભયંકર વિકરાળ રૂપે દેખાય અને પુણ્યવાળાને સૌમ્ય સુખ આપનારા દેખાય છે. સો ગાઉના મહેલમાં સિંહાસન પર બેઠેલા ધર્મદેવને ચિત્રગુપ્ત લેખકો સર્વે મનુષ્યોના પાપ-પુણ્યના ખાતા બતાવે છે. તે યમરાજા પાપીઓને દૂતો દ્વારા દંડ આપે છે. સૌરીપુર, સુરેન્દ્રપુર, ગાંધર્વનગર, શૈલપુર, હુરપુર, કૌંચનગર, ચિત્રપુર, બહવાપન્નગર, આક્રંદપુર, સુતપ્તનગર, શૈદ્રપુર, પયોવૃષ્ટ, શીતપુર, બહુભય, ધર્મપુર યામ્યપુર આ અઢાર નગર યમપુરી જતા આવે છે. પાપી જીવને યમદૂતો યમપુરીમાં લઇ જઇ તેનું પાપનું ખાતું સંભળાવી દશમે દિવસે પ્રેતરૂપે કુટુંબ પાસે આવી બે દિવસ પિંડ ગ્રહણ કરીને વાયુ માર્ગે યમદૂતો તેને યમપુરીમાં અઢાર નગર અત્યંત દુ:ખથી ભરેલા વર્ણન ન કરી શકાય તેવા ત્યાં થઇને લઇ જાય છે. ત્યારે તેની પાછળ કુટુંબીઓ જે દાન-પુણ્ય કરે છે તે પાપી પ્રેતને રાહતરૂપ બને છે.