દીવોદાસ રાજા દ્વારા “કાશીવિશ્વનાથ મહાદેવ”ની પ્રતિષ્ઠા
આ અધ્યાય 81–87 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, મંદરાચળ પર્વતે તપ કર્યું. શંકર પ્રસન્ન થયા. મંદરાચળે માંગ્યું - તમો અહીં વાસ કરો. જેથી હું મહાન તીર્થ થાઉં. દેવઋષિ-મુનિઓ સંતો મારે ત્યાં આવે તેના ચરણથી હું પવિત્ર થાઉં. શંકરે કહ્યું તથાસ્તુ. તે શંકરની સાથે સર્વે દેવોએ મંદરાચળ પર્વત પર વાસ કર્યો. ત્યારે કાશીમાં દીવોદાસ રાજાએ વિષ્ણુ ભગવાનની ભક્તિ પ્રવર્તાવી. બધી પ્રજાને કહ્યું ધર્મનું પાલન કરી ભગવાનની ભક્તિ કરજો. જે કોઇ ભગવાનની ભક્તિ નહીં કરે તેને રાજ્યની બહાર કાઢી મૂકવામાં આવશે. દીવોદાસ રાજાની સામે કોઇ દેવો મનુષ્યો શસ્ત્રથી કે શાસ્ત્રથી લડવા તૈયાર ન હતા. ધર્મથી, કર્મથી, ભક્તિથી, જ્ઞાનથી, જપ, તપ, નિયમ, યજ્ઞ, સત્કાર્યોથી દીવોદાસની એટલી પ્રસિદ્ધિ થઇ કે કોઇ દેવ એની પાસે જઇ શકતા નહીં. દેવોએ બૃહસ્પતિને કહ્યું કે, દેવ કરતા મનુષ્યની યશકીર્તિ વધવી ન જોઇએ. બૃહસ્પતિએ શંકર પાસે જઇ નિવેદન કર્યું. શંકરે અગ્નિ, વરુણ, સૂર્ય, ચંદ્ર વગેરે અનેક દેવોને કાશીમાં મોકલ્યા. તે દેવોએ કહ્યું અમને કાશીમાં વાસ આપો. દીવોદાસ કહે : શ્રીહરિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણની કૃપાથી હું સર્વેરૂપે થઇને પ્રજાને સુખ આપી શકું તેમ છું, મારે કોઇ દેવની જરૂર નથી.
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, પરબ્રહ્મનો પરમ ભક્ત પૃથુરાજા સમાન રાજા દીવોદાસના રાજ્યમાં કોઇ રોગથી કોઇ અકાળે મરણ થતું જ નહીં. સાક્ષાત યમદેવ તેના રાજ્યમાં આવી ન શકતા તે યમદૂતો આવી જ ન શકે. શંકર મંદારાચલમાં વિચારે છે કે, હવે મારે કાશીમાં કેમ જવું, સુખ-શાંતિ આપે તે કાશી. બ્રહ્મા, વિષ્ણુ, શંકરનો જ્યાં વાસ તે કાશી. સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી જ્યાં વાસ કરે તે કાશી. દીવોદાસના રાજ્યમાં ભૂત- પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની, રોગ, વિઘ્ન, ગ્રહ, કોઇ દુષ્ટ તત્ત્વો પ્રવેશતા જ ન હતા. શંકર વિચારે જો અધર્મ પ્રવેશ થાય તો પ્રજા અધર્મી થાય. તો સૌ દેવો પોતપોતાના કામ કરવા જઇ શકે. એમ વિચારી શંકરે યોગિનીઓને કાશીમાં મોકલી. તે યોગિનીઓ અનેક દેવીઓના રૂપ લઇ કાશીમાં પ્રવેશ કર્યો.
શ્રીનારાયણ કહે : કોઇ તપસ્વીની ભિક્ષુકી સંન્યાસીની ચોસઠ યોગિની જે ચોસઠ કળા કામ કહેવાય તેવા સ્વરૂપો ધારણ કરી ત્યાં રહી. બધે ચારે બાજુ ભગવાનની ભક્તિ અને ધર્મનું પાલન બસ બીજી વાત નથી. બાર સૂર્ય પણ તેના રાજ્યમાં રહી શ્રીહરિની ભક્તિ કરતા. તે યોગિનીઓને ક્યાંય પણ અધર્મ કરવાનો દોષ બતાવવાનો પ્રસંગ દેખાયો જ નહીં. નટી, નર્તકી, ગણિકા, ધાત્રી, વાહીત્રી અનેક કામમાં રહેલી તેને ક્યાંય પણ દુર્ગુણ ન જોયો.
શ્રીનારાયણ કહે : પછી શંકરે બ્રહ્માને કાશીમાં રાજા દીવોદાસ પાસે મોકલ્યા. બ્રહ્મા વૃદ્ધ વિપ્રનું રૂપ લઇ કાશીમાં રાજા પાસે ગયા. કહ્યું તારા રાજ્યમાં ત્રણ તીર્થ છે. ગંગા નદી, પવિત્ર પૃથ્વી અને પરબહ્મની ભક્તિ. તારા રાજ્યમાં એક યજ્ઞ કરવાની ખામી છે. તે યજ્ઞથી ભગવાન રાજી થાય. સાધુ વિપ્રને ભોજન આપીને દાન-દક્ષિણા આપી તેના આશીર્વાદ મેળવવા દીવોદાસ રાજાએ બ્રહ્માને યજ્ઞ કરવાની રજા આપી. બ્રહ્માએ ગંગા નદીના કાંઠે દશાશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો. રોજ ઘી, જવ, તલ, ડાંગર વગેરેથી હોમ કરી સાત્વિક યજ્ઞમાં બધા દેવોનું પૂજન થતું. તે દીવોદાસ ભક્તિ સત્સંગથી સત્યલોકમાં વૈરાટના ધામમાં, વિષ્ણુના ધામમાં જતા હતા. તે યજ્ઞ જેઠ સુદ-1 પડવાને દિવસે પૂરો થયો. તે દિવસે જે કાશીમાં ગંગામાં સ્નાન કરી જપ, તપ, દાન, હોમ, પિતૃતર્પણ, સ્વાધ્યાય કરે તેને અક્ષયફળ થાય છે. પછી બ્રહ્માએ કાશીમાં જ વાસ કર્યો. પણ દીવોદાસ રાજા કે તેની પ્રજા ભગવાન શ્રીહરિની ભક્તિમાંથી સત્સંગમાંથી ચલાયમાન ન થયા. શંકર મંદરાચળમાં વિચારે જેને જેને કાશીમાં મોકલું છું તે કોઇ પાછા આવતા જ નથી. એમ વિચારી શંકરે બેતાલીશ ગણોને સિદ્ધિ સહિત કાશીમાં મોકલ્યા.
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, શંકરે મોકલેલા બેતાલીશ ગણો કાશીમાં આવી પોતાના નામથી શંકરની સ્થાપના કરી દીવોદાસ રાજાની આજ્ઞામાં રહ્યા. ગણો કહે : અહીં કાશીમાં કૈલાશ અને વૈકુંઠ બંન્ને છે. કાશી ત્યજીને ક્યાંય પણ જવું નથી. શ્વેતાયન વ્યાસ કહે : હે લક્ષ્મી, જે બધું દાન કરી કાશીમાં કુટુંબ સહિત વાસ કરે છે તેનો મોક્ષ થાય છે. અથવા અંત સમયે પણ કાશીમાં મરણ થવાથી મોક્ષ થાય છે. શંકરે પાર્વતીને કહ્યું ગણોને મોકલ્યા તે પણ આવ્યા નહીં. હવે ગણેશને મોકલીએ. શંકરે ગણેશને બોલાવી કહ્યું : હે પુત્ર, તું તારી બુદ્ધિથી દીવોદાસને કાશીમાંથી કાઢીને કાશીને સ્વાધિન કર. ગણેશ જ્યોતિષવેતા બ્રાહ્મણ બની કાશીમાં આવ્યા અને બધાની હસ્તરેખા જોઇને ફળ કહેવા માંડ્યા તથા બધાના સ્વપ્નની વાત કહેવા માંડ્યા. તને આજે આવું અપશુકનવાળું સ્વપ્ન થયું. સ્વપ્નમાં તેને શુભ- અશુભ બતાવી સવારે તેને ઘેર જઇને કહે : તને આવું સ્વપ્ન થયું. સૂર્ય પશ્ચિમમાં ઊગશે. આકાશમાંથી પથરા પડશે. ધૂમકેતુ આકાશમાં દેખાશે. રાજ્યનો નાશ થશે. દેશનો નાશ થશે. તથા સ્વપ્નમાં મહેલ પરથી ધજા પડી માટે રાજાને માથે, પ્રજાને માથે વિઘ્ન છે. સમુદ્ર રેલાશે, પૂરને બોળી દેશે વગેરે અનેક વાતો જ્યોતિષ- બ્રાહ્મણ ગણેશે કરીને કાશીના શ્રીમંતો ખેડૂઓ વગેરેના મન ઉંચક કરી દીધા.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગણેશ કાશીમાં બધાને આ રીતે વિશ્વાસમાં લાવીને રાણીઓના અંત:પુરમાં ગયા. સર્વે રાણીઓની ભાગ્યરેખા જોઇ કહે : તારે આટલા પુત્ર- પુત્રીઓ છે. સગર્ભા રાણીને કહે : તારે કન્યા આવશે. બીજીને કહે : તું રાજાની માનીતી છે. ત્રીજીને કહે : તારે પુત્ર થશે તેને રાજા અર્ધુ રાજ્ય આપશે. રાણીઓ કહે : આ વૃદ્ધ વિપ્ર સાચું કહે છે. જે જે કહ્યું તે બધું સાચું છે. દીવોદાસની પટરાણી લીલાવતી રાજાને કહે એક વિપ્ર જ્યોતિષી કહે તે પ્રમાણે જ સર્વે થાય છે. સાંભળી રાજાએ વિપ્રને બોલાવ્યો. ગણેશે આવી આશીર્વાદ આપ્યા. તારા મહેલમાં શિવનો વાસ થાય. તારો વૈકુંઠમાં વાસ થાય. દીવોદાસ કહે : આશીર્વાદ આપો છો કે શાપ. શંકર કાશીમાં આવે અને હું મરીને વૈકુંઠમાં જાઉં આવો તમારો ગૂઢાર્થ છે. ગણેશ રાજાનું સર્વજ્ઞપણું જાણી આશ્ચર્ય પામ્યા. પછી રાજાએ ગણેશને કહ્યું પ્રજામાં ભાવિ સારું નથી એવી વાત આવી છે તો તમે શું કહો છો. ગણેશ કહે : હે રાજા, તું સર્વ દેવોને પૂજ્ય છો. સર્વ દેવોની શક્તિ તારામાં છે. સરસ્વતી તારા મુખમાં છે. લક્ષ્મી તારા હાથમાં છે. નારાયણ તારા હૃદયમાં છે માટે રહસ્ય કહું છું. સત્ય છે, કડવું છે. આજથી અઢારમે દિવસે બ્રાહ્મણ આવશે. તારા મનની વાત કહેશે. હું જાઉં છું. પછી ગણેશે પોતાના ગણાધી પતિનાયક લંબોદર વગેરે છપ્પન નામ ધારણ કરી કાશીમાં વાસ કર્યો.
શ્રીનારાયણ કહે : શંકર મૂંઝાયા, શોક કરવા લાગ્યા. કાશીમાંથી સર્વે દેવો-દેવીઓ, યોગિની, ગણો, ગણેશ કોઇ પાછાં આવતા જ નથી. વિષ્ણુ કહે : હું જાઉં. શંકર કહે : આ બધાથી ન થયું તે તમારાથી શું થશે. વિષ્ણુ કહે : પ્રયત્ન કરવો તે પ્રાણીનો ધર્મ છે. ફળ આપવું તે શ્રીહરિના હાથમાં છે. શ્રીહરિ કૃપાથી અસાધ્ય હોય તે સાધ્ય બને છે. વિષ્ણુ- લક્ષ્મી ગરૂડ સાથે ગયા. ગંગામાં સ્નાન કરી સર્વે તીર્થ કરી સંન્યાસીનું રૂપ લીધું. લક્ષ્મીજી સંન્યાસીની થયા. ગરૂડ શિષ્ય થયો. સંન્યાસી વિષ્ણુએ પ્રજામાં નાસ્તિક ધર્મ ફેલાવ્યો. સ્નાન કરવાથી સુક્ષ્મ જંતુનો નાશ થાય છે. યજ્ઞ કરવાથી હિંસા થાય છે. દીવો કરવાથી જંતુ નાશ પામે છે. ધર્મ નથી, અધર્મ નથી, પાપ-પુણ્ય નથી, સ્વર્ગ-નરક નથી, ઉપવાસ કરી કર્મોનો નાશ કરવાથી આ આત્મા પરમાત્મા થાય છે. દાન-પુણ્ય ન કરવા, સત્કાર્યો ન કરવા. સર્વે પુણ્ય કાર્યો કરવાથી સ્વર્ગ મળે છે એમ કહે છે પણ સ્વર્ગ દેખાતું તો નથી.
આ રીતે પ્રજામાં અવળો ઉપદેશ આપીને પ્રજામાંથી ધર્મનો નાશ કર્યો. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્કાર્યો, યજ્ઞ, દાન-પુણ્ય વગેરે ધર્મકર્મનો નાશ કર્યો. પ્રજામાં પાપના કાર્યો થવા લાગ્યા. સત્કાર્યોનો નાશ થવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઇ. તેથી પ્રજાના પાપથી રાજાનું સામર્થ્ય લીન થયું. પછી અઢારમેં દિવસે વિપ્ર રૂપે આવી કહ્યું બે માસે તારું રાજ્ય નાશ પામશે. હે રાજા તારા જેવો કોઇ રાજા પૃથ્વી પર થયો નથી. તું પરમ વૈષ્ણવ ભક્ત છે. તે સર્વે દેવોને વાસ આપ્યો છે. પરંતુ એક શંકરને તે દૂર રાખ્યા છે તે એક અપરાધ મહાન છે. તેથી કાશીવિશ્વનાથના નામથી એક લિંગની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી, પછી સાતમે દિવસે વિમાન આવશે તેમાં બેસીને શ્રીહરિના ધામમાં જઇશ. દીવોદાસ રાજાએ પણ વિપ્રરૂપે આવેલા વિષ્ણુને દાન આપી પરમભાવથી નમસ્કાર કર્યા. પછી શંકરના લિંગની કાશીવિશ્વનાથ નામથી પ્રતિષ્ઠા કરવા રાજ્ય કાર્યોમાંથી વ્રત્તિ તોડીને “ૐ નમો ભગવતે વાસુદેવાય” તે જપ કરવા લાગ્યો. ગંગાને સામે કાંઠે મંડપ કરાવીને ત્યાં પંડિતોને, કારભારીઓને, રાણીઓ અને પાંચસો પુત્રોને બોલાવીને કહ્યું આજથી સાતમે દિવસે મારું મરણ થશે. તો મારા રાજ્યમાં મારો ભક્તકુમાર સમરંજ્યને હું ગાદી પર બેસાડીને અભિષેક કરું છું અને કાશી વિશ્વનાથનું મોટું મંદિર કરાવજો. હું આજથી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળીશ. તે સમયે શંકર પોતાના ગણ-મંડલ પરિવાર સહિત પધાર્યા. વિષ્ણુ પોતે કથા વાંચતા હતા. શંકર સહિત પાઠમાં બેઠા. દેવો અને પ્રજાજનો શ્રોતા હતા. ઋષિઓ જપ કરતા હતા. કથા, ધર્મ, યજ્ઞ મહાન થયો. સાતમે દિવસે પૂર્ણાહુતિમાં સ્વયં અગ્નિ ત્યાં આરતી ઉતારવા આવ્યા. ત્યાં મંદિર તૈયાર થયું. તેમાં શંકરના લિંગની કાશી વિશ્વનાથ નામથી પ્રતિષ્ઠા કરી. યજ્ઞની પૂર્ણાહુતિમાં સર્વેને યજ્ઞનો પ્રસાદ જમાડ્યો.
ત્યાં સંધ્યા સમયે તેજસ્વી વિમાન આવ્યું. તેમાંથી લક્ષ્મીનારાયણે બધાને દિવ્ય મનોહર દર્શન આપ્યા. દીવોદાસને કહ્યું ચાલ તૈયાર થા. દીવોદાસ તરત જ પ્રભુને પગે લાગી સ્તુતિ કરી બોલ્યા, હે પ્રભુ, મારી પ્રજાએ પણ તમારી ભક્તિ કરી છે. તેને પણ સાથે વિમાનમાં બેસાડીને ધામમાં લઇ જાઓ. શ્રીહરિએ કહ્યું, દીવોદાસ કાશીમાં ઘોષણા કરી દે જેને ધામમાં આવવું હોય તે તૈયાર થાય. ત્યારે લાખો ભક્તો રાજા દીવોદાસની સાથે ધામમાં જવા વિમાનમાં બેસી ગયા. તે સમયે આકાશમાં વિમાન એવડું મોટું દેખાતું હતું કે સૂર્ય ચંદ્ર પણ તેની પાસે ફૂલ જેવા દેખાતા હતા. પછી શંકર, ગણ, દેવો સાથે વાસ કરતા હતા. શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, એ પ્રમાણે દીવોદાસ ભક્તરાજા આત્મનિવેદિ ભક્તિ કરી પ્રજાને કરાવીને પરમપદને પામ્યો. આ દીવોદાસની કથા જે કહેશે, સાંભળશે તે પણ અનેક જીવોનો ઉદ્ધાર કરનારો થશે અને દીવોદાસની સમાન આ લોકમાં વૈકુંઠની સમાન સુખ ભોગવશે.