ભાગ · અધ્યાય ૧૦

મોટાઇ મેળવવા બ્રહ્માએ કપટ કર્યુ

બ્રહ્મા અને વિષ્ણુના અસ્ત્રો-શસ્ત્રોને શાંત કરનારા તેજને જોઇ બન્ને દેવો વિસ્મય પામ્યા. તે તેજમાંથી આકાશવાણી થઇ. જે આ તેજનો નીચે અથવા ઉપર અંતને પામે તે મોટો. વિષ્ણુ ગરૂડ પર બેસીને નીચે ગયા. સો વર્ષ ચાલ્યા, થાક્યા, પાછા હતા ત્યાં આવીને બેસી ગયા. બ્રહ્મા હંસ ઉપર બેસીને ઉપર ગયા, સો વર્ષ ચાલ્યા, અંત ન પામ્યા, થાક્યા, બેઠા, ચિંતામગ્ન થયા. શ્રીહરિ કહે : આ બન્ને દેવો બાળક જેવા છે. જેનો આદિ અંત નથી તેનો અંત લેવા બેઠા. તે સમયે ઉપરથી કેતકી પુષ્પ આવતું હતું. તેને બ્રહ્માએ પૂછ્યું, તું ક્યાંથી આવે છે ? કેતકીએ કહ્યું : ભગવાનની પૂજામાં હતું, ત્યાંથી આવું છું. સો યુગ થયા પણ હજી ક્યારે અંત આવશે.

બ્રહ્માએ કહ્યું : તું મારું કામ કર, મારી સાક્ષીમાં રહેજે. કેતકી કહે : ભલે સારું. બન્ને આવ્યા વિષ્ણુ પાસે, બ્રહ્માએ વિષ્ણુને કહ્યું, હું તેજનો અંત લાવ્યો છું. આ પુષ્પ સાક્ષી છે. કેતકીએ ખોટી સાક્ષી પુરી. વિષ્ણુએ બ્રહ્માને મોટા માની પૂજા કરી. ત્યાં તેજમાંથી સંકર્ષણરૂપ સદાશિવ પ્રગટ થયા અને બોલ્યા, પરબ્રહ્મના લલાટમાંથી હું પ્રગટ થયો છું આ તેજ તે પરબ્રહ્મનું એક કિરણ છે. તે સર્વત્ર વ્યાપક છે. બ્રહ્માંડમાં સુષુમ્ણા માર્ગે રહેલો છે. તેનો કોઇ પાર પામે તેમ નથી. બ્રહ્મા સદાશિવના પગે પડ્યા માફી માંગી.