વરાહ અવતાર પ્રાગટ્ય
લક્ષ્મીએ પૂછ્યું : હે હરિકૃષ્ણ, પ્રભુએ વરાહ અવતાર ક્યારે ધારણ કર્યો ? શ્રીનારાયણ કહે : વિષ્ણુએ હયગ્રીવને માર્યો. દિતીને શોક બહુ થયો. કશ્યપને કહે : મને બે બળવાન પુત્રો આપો જે વિષ્ણુને મારીને ત્રિલોકને વશ કરે. દિતીએ સો વર્ષ તપ કર્યું. પચાસ વર્ષ કંદમૂળ ખાધા, પચીસ વર્ષ પાણી પીધું, પચીસ વર્ષ નિરાહાર રહી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ વરદાન માંગવાનું કહ્યું. દિતીએ કહ્યું, વિષ્ણુ જેવા બે પુત્રો આપો. બ્રહ્મા કહે : વિષ્ણુ જેવો બીજો કોઇ છે જ નહીં, તું બેસ હું હમણાં આવું છું. એમ કહી બ્રહ્મા વૈકુંઠમાં ગયા. વિષ્ણુને વાત કરી. વિષ્ણુ કહે : પૂર્વે જય-વિજયને સનકાદિકના શાપ થયેલા છે. તે બંને મારા દ્વારપાળને દિતીને ત્યાં જન્મ ધારણ કરવાનું કહું છું. તમે દિતીને વરદાન આપો. તે નિમિત્તે મારે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનું થાય અને ભક્તો મારા લીલા ચરિત્રોના ગાન કરી, કથા શ્રવણ કરી ભક્તિ કરે. પૂર્વે શ્રીહરિની પ્રેરણાથી બ્રહ્માના માનસપુત્રો સનક-સનંદન, સનત, સુજાત, સનાતન આ ચાર સાધુ પાંચ વર્ષના બાળક બની વૈકુંઠમાં વિષ્ણુના દર્શને આવ્યા. દ્વારપાળ જય-વિજયે રોક્યા, લાકડી મારી અપમાન કર્યું. વસ્ત્ર વિના અંદર ક્યાં જાવ છો. સનકાદિકોએ શાપ આપ્યો. તમે પ્રભુના દરવાજે રહેવા લાયક નથી જાવ પૃથ્વી પર મનુષ્ય જન્મ ધારણ કરો. ત્યાં લક્ષ્મીનારાયણ આવ્યા. સનકાદિકને પગે લાગીને કહ્યું. તમારા જેવા સાધુનો મારા હાથ દ્રોહ કરે તો હાથને કાપી નાખું. તમે શાપ દંડ આપ્યો તે સારું કર્યું. તે ત્રણ જન્મ સુધી દૈત્ય ભાવે મારું ભજન કરી પાછા વૈકુંઠ આવશે. તે બંને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા.