ભાગ · અધ્યાય ૩૧૬

પુરુષોત્તમ માસની વદ નોમની તિથીની પૂજનવિધિ - શ્રીરામના પૂર્વેના અવતાર રામાદિત્ય અને નરાદિત્યનું પ્રાગટ્ય

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે કલ્પમાં ધુમેરૂ ઇન્દ્ર પોતાની આયુષ્ય પૂરી થઇ પછી તે બીજા કલ્પમાં શતમખ નામે રાજા થયો. તેની પત્ની દ્યુવર્ણા પતિવ્રતા હતી. રાજા-રાણી બંને દેવ, ગાય, વિપ્ર, સાધુ-સાધ્વી, અતિથિના પૂજક અને ભક્તિપરાયણ હતા. તે રોજ યજ્ઞ કરતો તેમાં સર્વે સંતો, વિપ્રો આવતા. દેવો, દેવીઓ આવતા. તે યજ્ઞના દર્શને સાવિત્રી, ગાયત્રી, લક્ષ્મી, પાર્વતી, ઈન્દ્રાણી, સ્વાહા, સ્વધા, અરુંધતિ વગેરે દેવીઓ આવતી તથા ભક્તિદેવી, માણિકી, પ્રભા, ચંપા, દયા, રમા, હેમી, મુક્તા, ગોદાવરી, જયંતિ, શાંતિ, શાંતા, પ્રેમપાત્રા, દિવાળી, નંદી, ઉજી, રત્ના, દમયંતી, ચતુરાદેવી, કાંત, રેવા, સવિતા, મૂળી, યોગિની, કસ્તૂરી, મંગલા, હંસારુચી, મંજુલા, નિર્મળા, અમૃતા, રળિયાત, જટી, પાની, પુતલી, વનિતા, મીઠી, પુષ્પા, મનુ, કૃષ્ણા, દાસી, કાંતા, સરસ્વતી, પદ્મા, શારદા તે સર્વે દેવીઓને રાજા-રાણી માનતા, પૂજતા. એક વખત રાજા-રાણી પોતાનું રાજ્ય સાકેતનગરી પ્રધાનને સોંપીને બદ્રિનારાયણની યાત્રા કરવા ગયા. ત્યાં ગંગામાં સ્નાન કરીને સાધુ, વિપ્રોને દાન કરીને, તિર્થોના નિયમોનું પાલન કરી, તપવ્રત કરી, નરનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા રોજ પૂજા, આરતી, કિર્તન, સ્તુતિ કરતા હતા. નરનારાયણ ભગવાને પ્રસન્ન થઇ દર્શન આપી આશિર્વાદ આપ્યા કે, રાજા પુત્રવાળો થા, રાણીપુત્રી વાળી થા. રાજારાણી પ્રસન્ન થયાં ત્યાં અધિક માસનું નગારું સાંભળ્યું. પુરુષોત્તમ માસની વદ નવમીનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરી વિભૂતિ સમૃદ્ધિ સર્વે સંકલ્પ પૂર્ણ કરો.

નગારાનું વાક્ય સાંભળી રાજારાણીએ નરનારાયણનું ધ્યાન કર્યું. ત્યાં તેજસ્વી જટાવાળા રાજભવનને યોગ્ય વૈકુંઠવાસી બે કુમારોને જોઇને સંકલ્પ થયો. આવા પુત્રો મારે થાય તો સારું. નરનારાયણ કહે : તમારો સંકલ્પ પૂર્ણ થશે. રાજા-રાણીએ સુવર્ણની શ્રીહરિની મૂર્તિ બનાવી. ગંગામાં નવડાવી, પંચામૃતથી સ્નાન કરાવી, ષોડ્શોપચારથી પૂજા કરી, વસ્ત્ર અલંકારો ધારણ કરાવીને, નૈવેદ્ય, મિષ્ટાન્ન ધરી, આરતી કરી, પ્રદક્ષિણા, દંડવત્, સ્તુતિ, પ્રાર્થના, સાધુ, વિપ્રો, અતિથિઓને ભોજન કરાવી દાન-દક્ષિણા આપી, તીર્થ વિધિ કરી, પોતાના રાજ્યમાં આવ્યા. ત્યાં મંડપ કરાવીને યજ્ઞ કર્યો. તથા શ્રીહરિની મૂર્તિને હિંડોળામાં ઝૂલાવી, કીર્તન, ભક્તિ કરતા હતા તથા મંડપમાં મંડળ પૂરી ઉદ્યાપન કરી. બીજી પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બનાવી. પૂજન કરતા હતા તથા દિન, અનાથ, સબળા, દરિદ્ર, ભિક્ષુક વગેરેને ભોજન આપી દાન આપતા હતા. ત્યાં તો મંડપમાં બપોરે તેજસ્વી જટાવાળા દિવ્ય, શંખ, ચંક્ર, ગદા, પદ્મને ધારણ કરતા પીળા પિતાંબરધારી બે કુમારો રામાદિત્ય, નરાદિત્ય પ્રગટ થયા. આ રામનો પહેલો અવતાર હતો.

રામચંદ્ર ભગવાને માતા-પિતાને પ્રણામ કરી કહ્યું, તમારી ભક્તિથી યજ્ઞ, વ્રત, તપથી પ્રસન્ન થયો છું. વરદાન માગો, વરદાન વાક્ય સાંભળી રાજા-રાણી અતિ રાજી થઇ બોલ્યા. ઊભા રહો ઊભા રહો, તમે ચાલ્યા જાવ નહીં, તમારું લાલન-પાલન કરી જમાડવા છે, ત્યાં બંને દિવ્ય કુમારો બાલ સ્વરૂપે થયા, દ્યુવર્ણા રાણીએ સ્તનપાન કરાવ્યું. રાજા અતિ આનંદમાં આવી પુરુષોત્તમ એવા રામાદિત્ય, નરાદિત્યને રમાડવા લાગ્યો. ત્યાં તો સર્વે ઇશ્વરો, દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. નારદ વગેરે ઋષિ-મુનિઓ આવ્યા અને અધિક માસની વદ નવમીએ, મધ્યાહ્ને રામ અને નરને જોઇને દર્શન કરી અતિ આનંદ પામ્યા. પછી શતમખ રાજાએ સર્વેને ભોજન કરાવી ગાયોના દાન આપ્યા. પુરુષોત્તમ માસની વદ નવમીનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણ પૂજન કરશે તે બળવાન પુત્ર તથા સર્વે સંપત્તિને પામશે અને વૈકુંઠને પામશે. આ અધ્યાયની જે કથા કહેશે, સાંભળશે તે સર્વે ઈષ્ટ પ્રાપ્ત કરી અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરશે.