ભાગ · અધ્યાય ૪૪૧

ગૃહસ્થોને ભક્તિ માર્ગદર્શન - ગીરનાર, નારાયણધરે વિષ્ણુ અને દેવી-દેવતાઓનો વૃક્ષવેલીરૂપે વાસ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જે સ્ત્રીઓને પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ છે તે ભુક્તિને મુક્તિ અપાવે છે. સ્ત્રીભાવયુક્ત સર્વાંગે સંપૂર્ણ, નેત્ર, શરીરના રોગથી રહિત, બહેરી, મૂંગી ન હોય, ચંચળ ન હોય, એવી કન્યા સાથે લગ્ન કરવા. તેને ગૃહિણી કહેવાય છે. તેવી પતિવ્રતા સાધ્વી સ્ત્રીઓએ સ્નાનથી પવિત્ર રહી શ્રીકૃષ્ણનારાયણની પૂજા કરવી તથા લક્ષ્મીરૂપ તુલસીની પૂજા કરવી. પંચયજ્ઞ કરવા. તે ગૃહસ્થ ધર્મથી પ્રભુ પ્રસન્ન રહે છે. બ્રાહ્મલગ્ન, દેવલગ્ન, પ્રજાપત્ય અને આવર્શ લગ્ન તે ઉત્તમ કહેલા છે. પ્રાતિભ, ગાધર્વ તે મધ્યમ લગ્ન કહેલા છે. આશુર, રાક્ષસ, ઘાતક, પિશાચ લગ્ન તે અધમ કહેલા છે. આ દશ લગ્ન કહેલા છે. ઔરસ, ક્ષેત્રજ, દત્તક, તીમગઢ, અપવિધિ કાનીન, સહોઢજ, ક્રીત, પૂનર્ભવ આ દશ પ્રકારના પુત્રો કહેલા છે. તે સર્વે કુટુંબને કૃષ્ણભક્તિ અને સદ્ગુરુની સેવા તે મોક્ષ અપાવે છે.

પૂર્વે પૈજવન શુદ્રને ઘેર ગાલવ ઋષિ આવ્યા. શુદ્ર પગે લાગ્યો. ઋષિએ આશિર્વાદ આપી ગૃહસ્થધર્મનો ઉપદેશ અને ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું. ગમે તે જાતિ હોય પણ સંતસેવા, પ્રભુ ભજનથી તરી જાય છે. પિંગલા સ્નેહધર્મથી તરી ગઇ. ગોપીઓ પ્રેમભક્તિથી તરી ગઇ. જયા, લલિતા, માણકી, પ્રભા, પાર્વતી એ અનાદિશ્રીકૃષ્ણનારાયણને પતિભાવે ગ્રહણ કર્યા. વૃંદા, તુલસી, પ્રેમથી પત્નીભાવે પામ્યા. તેથી પ્રભુને પામવા સ્નેહભક્તિ કરાવી. પૂર્વે સર્વે પિતૃઓ ભોજન માટે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા શ્રીહરિ પાસે ગયા અને પિતૃઓને તૃપ્તિ કેમ થાય એમ પૂછ્યું. ત્યારે શ્રીહરિ કહે, હું પીપળાના વૃક્ષરૂપે રૈવતાચળમાં અવતાર ધારણ કરું છું. તે પીપળાને જે પાણી પાસે તેથી પિતૃઓ તૃપ્તિ પામશે એમ કહી પ્રભુએ રૈવતાચળમાં નારાયણ ધરે સ્વર્ણરેખા નદી પાસે પીપળારૂપે થયા ત્યારે દેવીઓ સર્વે દેવો દર્શન કરવા આવ્યા. પણ પ્રભુ દેખાણા નહીં ત્યારે દેવોએ બૃહસ્પતિને કહ્યું, પ્રભુ ક્યાં છે ?

ત્યારે બૃહસ્પતિ કહે, પ્રભુ વૃક્ષરૂપે થયા છે. તમો પણ વૃક્ષરૂપે થાવ. તો પ્રભુ દેખાય તે સર્વે દેવો વૃક્ષરૂપે ગીરનારમાં થયા તેમાં લક્ષ્મી તુલસી થયા. પાર્વતી બિલીપત્ર થયા. બ્રહ્મા વડલા થયા. સાવિત્રી તલ થયા. ઈન્દ્ર જવ થયા. ઈશ્વરો આંબારૂપે થયા. ગાંધર્વો ચંદન વૃક્ષ થયા, યક્ષો સોપારી વૃક્ષ થયા, નાગ-નાગરવેલ પાન થયા. અગ્નિ આંજળી થયા. વરૂણ ખજુર થયા, રુદ્રો બોરડી થયા. સાત ઋષિઓ એલાયચી વૃક્ષ થયા. મ્લેછો જાંબુડા થયા. સૂર્ય આકડો થયા, ચંદ્ર ખાખરો થયા, મંગલ ખરે, શુક્રાચાર્ય ઉબરો થયા, શનિ ખીજડો, રાહુ-કેતુ દાભડો થયા. એ રીતે ભગવાન વિષ્ણુ સાથે સર્વે દેવદેવીઓ વૃક્ષના રૂપ ધારણ કરી ગિરનારમાં વાસ કર્યા. જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી પીપળારૂપે રહેલા ભગવાનથી ઋષિઓને તૃપ્તિ આપી જનોના કલ્યાણ કરશે. આ રીતે ગાલવ ઋષિએ પ્રભુના પીપળાના અવતારની કથા ભગવદ ભક્ત વૈષ્ણવોને કહી. તેણે આપેલા ભોજનને જમીને ચાલતા થયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એ રીતે સ્થાવરજંગમ સર્વે સૃષ્ટિમાં મારો વાસ છે.