પુરુષોત્તમ માસની સુદ બારસની તિથીની પૂજનવિધિ - સાવિત્રીદેવીએ જગતમાતાનું બિરૂદ બ્રહ્માને પ્રાપ્ત કરીને મેળવ્યું
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરેલા શ્રીકૃષ્ણ અને રાધાજી ગોલોકમાં હતા. તે સમયે શ્રીકૃષ્ણ ઈચ્છાથી રાધાજીથી એક કન્યા પ્રગટ થઇ. રાધાજી જ્યારે શ્રીકૃષ્ણની સેવામાં હતા. ત્યારે કન્યા સાવિત્રી સમાધીમાં રહેતી. એક વખત સમાધીમાં શરીરમાં રહેલા મૂલાધાર, સ્વાધિષ્ટાન, મણિપુર, અનાહૃત, વિશુદ્ધ, આજ્ઞાચક્ર વગેરે છ ચક્રોને ભેદી બ્રહ્મરંધ્રમાં થઇ અનંત ઇશ્વરોની સૃષ્ટિમાં જઇને પિતામહ બ્રહ્માના સ્વરૂપમાં લીન થઇ. કન્યા સાવિત્રિએ સમાધીમાંથી જાગીને રાધાજીને વૃતાંત કહ્યું. રાધાજી કહે : તું મારી સમાન બ્રહ્મ શક્તિવાળી છો, અને તને બ્રહ્માને માટે જ ઉત્પન્ન કરી છે. અનાદિકાળથી બ્રહ્માદિક ઇશ્વરો માટે નવી નવી બ્રહ્મ શક્તિઓ, મહામાયા સ્વરૂપે પ્રગટ થતી જ રહે છે. તેથી તે બ્રહ્માને પ્રાપ્ત કરવા, જગતની માતા થવા માટે આરાધના તપ કર્યાં. ત્યાં બ્રહ્માંડમાં ફરતું નગારું બોલ્યું : કૃપાવચન સાંભળો. પુરુષોત્તમ માસના એક દિવસના વ્રતથી પુરુષોત્તમ નારાયણ અનંતગણુ ફળ આપશે. પાણી પીને, દૂધ પીને, દહીં-ઘી પીને, તલ-ફળાહાર કરીને, શાક-કંદમૂળ ખાઇને, પત્ર-પુષ્પ ખાઇને, એકટાણું, નકત ભોજન વાયુ કરીને આ બારશનું હરિવાસરનું આ એક દિવસનું વ્રત કરી સ્વર્ગ ઇશ્વરોના લોક સત્યલોક વૈરાજ પુરુષનું ધામ પ્રાપ્ત કરો તથા અવ્યાકૃત, અમૃત, કૈલાશ, વૈકુંઠ, ગોલોક તથા બ્રહ્મપુર ધામને પ્રાપ્ત કરો તથા મહામાયાના ધામો સૂર્ય-ચંદ્ર નક્ષત્રોના સ્થાનો ઇન્દ્ર, વરુણ, યમ-કુબેર વગેરેના સ્થાનો પ્રાપ્ત કરો તથા આલોકમાં સાર્વભૌમ રાજ્ય સંપત્તિ મેળવો. આ બારસ હરિવાસરનું વ્રત કરશે તે સર્વે ઈચ્છિત પામશે.
પુરુષોત્તમ નારાયણનું આવું કૃપાવાક્ય નગારાથી સાંભળીને સાવિત્રી કહે : મેં સમાધીમાં બ્રહ્માને જોયા. તેને પતિભાવે પામવા માટે મને વ્રતનો વિધિ કહો. નગારું કહે : સાવિત્રી દેવી - તમે સુવર્ણની લક્ષ્મીનારાયણની મૂર્તિ કરી, પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર- આભૂષણો ધારણ કરાવી, ષોડ્ષોપચારે પૂજન કરી, નૈવેદ્ય, મુખવાસ ધરી, ધૂપદીપ, આરતિ, સ્તુતિ કરી, પ્રદક્ષિણા, નમસ્કાર કરી, પ્રાર્થના કરજો. હે લક્ષ્મીનારાયણ અમારી પૂજામાં કાંઇ ભૂલ થઇ હોય તો ક્ષમા કરજો અને અમારા મનોરથ પૂર્ણ કરજો. સાવિત્રીદેવીએ વિધિ પ્રમાણે વ્રત પૂજન કરી, સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવી, દાન આપ્યા. રાત્રિએ જાગરણ કરી, ધૂન-કીર્તનો, નૃત્ય ઉત્સવ કર્યાં, ત્યાં લક્ષ્મીનારાયણ પ્રગટ થઇને બોલ્યા, હે કલ્યાણી તારા મનમાં શું ઈચ્છા છે ? સાવિત્રીદેવી લક્ષ્મીનારાયણના દિવ્ય દર્શન કરી. સ્તુતિ કરવા લાગ્યા. હે લક્ષ્મીપતિ, હે માણિકીપતિ, હે રાધિકાકાન્ત, હે કમલાકાંત, હે પ્રભા પાર્વતીપતિ, જગતપિતા બ્રહ્માને હું પતિભાવે પામું. લક્ષ્મીનારાયણ કહે : તારો મનોરથ પૂર્ણ થશે. સવારે હિંડોળામાં શ્રીકૃષ્ણનારાયણને ઝૂલાવ્યા ત્યાં પુરુષોત્તમ નારાયણ આવ્યા અને સાવિત્રીદેવીને કહ્યું, દેવી અર્ધ્ય, પુષ્પ, ફળ, જળ આપી વ્રત પૂરું કરી વિસર્જન કરો. સાવિત્રીદેવીએ જ્યાં વિસર્જન કર્યું ત્યાં પુરુષોત્તમ નારાયણ અદૃશ્ય થયા અને બ્રહ્મા દેખાયા. બ્રહ્માએ સાવિત્રીને પત્ની ભાવે ગ્રહણ કર્યાં. પછી સાવિત્રીદેવીએ સુવર્ણની મૂર્તિ, પત્નીવ્રત નામના દ્વિજ ગુરુને દાનમાં આપી. એ રીતે પુરુષોત્તમ માસની બારસનું વ્રત કરીને સાવિત્રીદેવી જગતમાતાનું બિરુદ બ્રહ્માને પ્રાપ્ત કરીને મેળવ્યું.