ચૈત્ર સુદની કામદા એકાદશી - ગાંધર્વ દંપતીની કથા
શ્રીલક્ષ્મી કહે : હે પ્રભુ, તમારા વિના ઉદ્ધાર કરનારો કોઇ નથી. સાધુ વિના કોઇ પાપ બાળી શકે નહીં. વ્રત તપ વિના પાપનો નાશ થાય નહીં. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્ર સુદ કામદા એકાદશીનો વ્રતવિધિ કહું છું. સવારમાં જાગી શ્રીહરિનું ધ્યાન કરી, સ્નાન કરી, પંચામૃતથી રમા સહિત વિષ્ણુને સ્નાન કરાવી ષોડ્શોપચારથી પૂજન આરતી કરી નૈવેદ્ય, સાથવો, મિષ્ટાન્ન વગેરે ધરી મુખવાસ આપવો. સાત ધાન્યોથી મંડપ પૂરી વચ્ચે તાંબાનો ઘડો, નારિયેળ, પાંદડા મૂકી શ્રીહરિનું લક્ષ્મી સહિત પૂજન કરવું. વસ્ત્ર અલંકારો ધારણ કરાવી દંડવત્ પ્રદક્ષિણા નમસ્કાર સ્તુતિ કરી ક્ષમા માંગવી. પૂર્વે નાગપુરમાં પુંડ્ર રાજાને ત્યાં ગાંધર્વ દંપતી લલિત-લલીતા વાસ કરતા હતા. એક સમયે રાજાની સભામાં ગાંધર્વ લલિત ગાવણું કરતો હતો. પરંતુ પોતાનું મન ઘેર પત્નીમાં હોવાથી ગાવણામાં ભૂલ પડી. સભા હસવા લાગી. રાજાએ શાપ આપ્યો. જા વનમાં રાક્ષસ થઇ જા. લલિત રાક્ષસપણાને પામી વનમાં ભટકવા લાગ્યો. પત્ની લલીતાને ખબર પડી તે પતિની સાથે પતિની સેવામાં સાથે વનમાં રહી. વનવાસીઓને સાધુનું ઘણું દુ:ખ થયું. ત્યાં શાતા તપ ઋષિના આશ્રમે આવ્યા. લલીતાએ ઋષિને પગે લાગી પોતાના પતિનું વૃત્તાંત કહ્યું, પ્રાર્થના કરી મારા પતિનો રાક્ષસ યોનિમાંથી ઉદ્ધાર કરો. ઋષિએ કહ્યું, ચૈત્ર સુદ કામદા એકાદશી નિર્જળા કરી શ્રીહરિનું પૂજન કરી ભક્તિ કરીને જપ કરી જાગરણ કરજે તેથી તારો પતિ તે વ્રતના પુણ્યથી રાક્ષસ યોનીથી મુક્ત થશે. લલીતાએ આશ્રમમાં જ ગુરુની પાસે કામદા એકાદશીનું વ્રત કરી પુણ્ય પતિને આપ્યું. તરત જ તે રાક્ષસપણાથી મુક્ત થયો. આ રીતે દંપતી સ્વર્ગ સમાન સુખ પામ્યા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી અનેક પાપોને નાશ કરનારું સુખ-શાંતિ અને મોક્ષ આપનારું એકાદશીનું વ્રત છે. આ કથા કોઇ વાંચશે, સાંભળશે તેને પણ યજ્ઞનું ફળ થશે.