રાધા-કૃષ્ણના ગોલોકધામનું વર્ણન
આ અધ્યાય 120–122 સંયુક્ત છે
શંકર કહે : હે પાર્વતી, હવે તમને ગોલોક ધામનું વર્ણન કહું. પચાસ કરોડ યોજનનો ગોળો દશ કરોડ યોજન ઊચો સો પર્વતવાળો એક પર્વત ઉપર દશ હજાર યોજનનું રાસમંડળ છે. તેવડું જ વૃંદાવન તેમાં બત્રીશ વનો છે. ત્યાં ગોપ-ગોપીઓ, ગાયો, જરા મૃત્યુથી રહિત થઇ ચૈતન્યમય મુક્ત સ્વરૂપે શ્રીકૃષ્ણ અને રાધાની સેવામાં રહેલા છે. ચારે બાજુ વીરજા નદી રહેલી છે. ચૈતન્યમય હિરા-મોતી રત્નોની ખાણો, દિવ્ય વનોમાં ભગવાન શ્રીકૃષ્ણ અનેક દાસ-દાસીઓ, પાર્ષદો, ભક્તો, મુક્તો, ગોપીઓ સાથે રાસ-રમણ કરે છે. તથા સર્વે ભક્તો અબીલ-ગુલાલ, કંકુ, કેસર-ચંદન, વસ્ત્ર અલંકારો, આભૂષણોથી પૂજા કરી શ્રીકૃષ્ણ ભગવાનનું દિવ્ય સુખ લ્યે છે. આ મહા ગોલોક શ્રીકૃષ્ણનો કહ્યો.
હવે નિજ ગોલોક રાધિકાનો છે તે કહું છું. તે રાધાજીને તેના ભક્તો-ગોપીઓ સખી ભાવે સેવા ભજન ભક્તિ કરે છે. પાર્ષદો સો વર્ષની કન્યા બાર વર્ષની એવા દિવ્ય સ્વરૂપો ધારણ કરીને શ્યામાજી-રાધાજીની સેવા ભક્તિ કરે છે. ત્યાંના સર્વે મહેલો, વનો, બગીચાઓ, વૃક્ષો સર્વે દિવ્ય છે. ત્યાં અનંતમુક્તો રાધા-કૃષ્ણનો વેષ ધારણ કરી નૃત્ય ગીત કરે છે. વાજિંત્ર વગાડી પ્રભુની પ્રેમમય ભક્તિ કરી રાધા-કૃષ્ણને રાજી કરે છે. તે નિજગોલોકમાં પણ સોળગઢમાં સોળ પાર્ષદો, વૃષભાનુ વગેરે મહાભક્તો રહેલા છે.
શંકર કહે : પાર્વતી, તે ગોલોક ધામમાં સુવર્ણના રત્ન સિંહાસનમાં બેઠેલા રાધા- કૃષ્ણના દર્શન કરવા સરસ્વતી મહામાયા રૂપ મહાલક્ષ્મી તે સર્વે રથમાં બેસી દર્શન કરવા આવે છે. સ્વયં શ્રીહરિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે શ્રીકૃષ્ણ સ્વરૂપે અનંત ભક્તો-મુક્તો ગોપ-ગોપીઓને દિવ્ય સુખ આપે છે. તે ગોલોક ધામના સુખ પણ માયાના ત્રણ ગુણથી રહિત દિવ્ય છે.