રાજા વિધુમ અને રાણી મૃગાવતી ચ્રકતીર્થમાં સ્નાન કરી સત્યલોકને પામ્યા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે સત્યલોકમાં બ્રહ્માની સભામાં ઈશ્વરો, દેવો સનકાદિકો, ઋષિ-મુનિઓ વગેરે બેઠા હતા. ગાંધર્વો ગાતા હતા. અપ્સરાઓ નૃત્ય કરતી હતી. તે સમયે અલંબુસા અપ્સરાને જોઇને વિધુમયસુ મોહ પામ્યો. તેથી ગાવામાં નૃત્યમાં ભંગ થવાથી બ્રહ્માએ શાપ આપ્યો. તારા ચંચળ સ્વભાવથી તું પૃથ્વી પર મનુષ્ય જન્મ ધારણ કર. આ અલંબુસા તારી પત્ની થશે. ત્યારે વસુઓ બ્રહ્માને પગે લાગી શાપમુક્તિ માટે પ્રાર્થના કરી. બ્રહ્મા કહે, કૌશાલીમાં તું સતાનિક રાજાનો પુત્ર થઈશ. પછી અલંબુસામાં પુત્ર જન્માવી તેને ગાદીએ બેસાડી દક્ષિણ સમુદ્રના ચક્ર તીર્થમાં તમે બન્ને સ્નાન કરશો. ત્યારે શાપમુક્ત થશો. તે વિધુમ અયોધ્યાનો રાજા થયો. અલંબુસા તેની પત્ની મૃગાવતી થઈ. બન્ને કૃષ્ણભક્તિ પરાયણ હતા. તે રાજા ગુરુદેવ સંત સેવા કરતો. તેની પતિવ્રતા પત્ની પણ પતિની સેવા પ્રભુ માનીને કરતી. એકવાર રાજા-રાણી નદીમાં ન્હાતા હતા. ત્યાં વિકરાળ પક્ષી ચાંચમાં રાણીને પકડી વનમાં મૂકી ઉડી ગયો. રાણી પ્રભુને પતિને સંભારી રોવા લાગી. જમદગ્નિ પુત્ર કારૂણી ત્યાં આવ્યો. રાણીને પિતાના આશ્રમમાં લાવ્યો. આશ્રય આપ્યો ત્યાં રાણીને બાળકનો જન્મ થયો. મોટો થયો.
એકવાર એક જંગલીએ જમદગ્નિના આશ્રમે આવી નાગનો ખેલ બતાવ્યો. રાણીએ રાજી થઈ સુવર્ણકંકણ આપ્યું. જંગલી રાજા પાસે વેંચવા ગયો. રાજા કંકણને ઓળખી રાણી પાસે આવ્યો. જમદગ્નિ ઋષિ પાસે આવી સર્વે વૃતાંત કહ્યું. ઋષિઓએ કહ્યું, તારી પત્નીની ભક્તિથી તમો બન્ને ફરી સ્વર્ગને પામશો. પછી રાજા-રાણી બન્ને ચક્રતીર્થમાં સ્નાન કરી શ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરી અંતે સત્યલોકને પામ્યા એવી રીતે પતિવ્રતા સ્ત્રીનું રક્ષણ ભગવાન પોતે કરે છે.