હરિભક્તિની રીત તેમજ નરકના 86 કુંડોમાં પાપીઓને દંડ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શ્રીહરિની ભક્તિનો મહિમા યમરાજ પાસેથી સાંભળીને સાવિત્રીએ પૂછ્યું, કઇ વિધિથી શ્રીહરિને ભજવા ? યમરાજ કહે : સવારમાં જાગી શ્રીહરિનું સ્મરણ કરવું. હૃદયમાં મૂર્તિનું ધ્યાન કરવું. સ્નાનક્રિયામાં, બાહ્ય અંતરમાં જમવામાં, ફરવામાં, સર્વેક્રિયામાં શ્રીહરિનું સ્મરણ કરવું. પરાભક્તિથી ઇન્દ્રિયો અંત:કરણને શ્રીહરિમાં જોડવા. જીભથી કિર્તન કરવા. કાનેથી કથા સાંભળવી. નેત્રથી દર્શન, નાસિકાથી શ્રીહરિને ધરાવેલા પુષ્પ, ધૂપ, દીપના ગંધ ગ્રહણ કરવા. ત્વચાથી શ્રીહરિનો સ્પર્શ, હાથથી સેવા, પગથી મંદિરે જઇ પ્રદક્ષિણા સેવા, શ્રીહરિનો નિશ્ચય અને મનન, ચિંતન કરવું. સ્વાર્થ માટે પરાર્થ માટે કાંઇ નહીં કેવળ શ્રીહરિને માટે જ સર્વે કાર્યો કરવાથી શ્રીહરિના ધામમાં ગતિ થાય છે. યમરાજ પાસેથી શ્રીહરિની પરાભક્તિની વાત સાંભળી સાવિત્રીએ યમરાજની સ્તુતિ કરી. હે ધર્મના અંશ, શાંતિ કરનારા, પાપીને શુદ્ધ કરવા દંડ આપનારા, સર્વેની આયુકાળને જાણનારા, જેવું કર્મ તેવું દંડ આપનારા, સૂર્યપુત્ર તમને નમસ્કાર. પછી યમરાજે સાવિત્રીને શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. પછી અશુભ કર્મ કરનારા પાપીઓને ભોગવવાના નરકના કુંડો 86, યમપુરીમાં રહેલા છે તે કહેવા લાગ્યા.
વહિનકુંડ, તપ્તકુંડ, ક્ષયકુંડ, વિટકુંડ, મૂત્રકુંડ, શલેસ્મકુંડ, ગર, દાહ, વસા, શુક્ર, અશુક્ર, અશ્રુ, મલ, વિર્ય, રજ:, કર્ણ, ઉગ્ર, નખ, મજ્જા, માંસ, અસ્થિ, લોમ, કલેશ, તામ્ર, તિક્ષ્ણ, કંટક, વિષ, ધર્મ, તપ્ત, સુરા, વૃશ્ચિક, તપ્તતૈલ, દંત, કૃમિ, પુય, સર્પ, દંશ, મશડ, વજ્ર, દ્રંષ્ટ્ર, શર, શુલ, ખણા, ગોધા, નક્ર, કાક, ધૃષ્ટ્રિ, ચૂર્ણ, બંધ, તૃપ્ત, પાષણ, તપ્તગ્રાવા, લાલ, અસી, ચક્ર, વજ્ર, કુર્મ, જ્વાલા, ભષ્મ, પુતિ, તપ્તસૂમી, અસીપત્ર, ક્ષુરધાર, કૃકલાશ, જગદંશ, ચીપીટક, કુંભીપાક, કાલસૂત્ર, અધ:કંદાર, પાંશુ, પાશ, પશુપતિ, કીલક, ઉલ્કામુખ, અંધ, કુપ, જલાબંધ, દેહચૂર્ણ, દલન, શોષણ, સર્પ, જવાલા, ક્ષ્વેડધુમ્ર, નાગપાશ, દ્વૈધીભાવ, લાવણ, ભૃગુપાત, વૈતરણી, ચર્મો-કિર્તન, ભ્રષ્ટ, કટાહ.
હે સાવિત્રી, પાપીઓને દંડ આપવાને માટે આ નરક જેવા દુ:ખના કુંડો છે. યમદૂતો, શુલ, પાસ, તોમર, દંડ વગેરે આયુધો લઇને અનેક વિકરાળરૂપે પાપીઓને દંડ આપે છે. વાણીથી કુટુંબને દુ:ખ આપે છે, તેને અગ્નિ કુંડમાં નાખે છે. પછી પશુના ત્રણ જન્મ પામે. ઘેર આવેલા અતિથી આશ્રિતને નિરાશ કરે છે તેને તપ્ત કુંડમાં નાખે છે. પછી મરૂ દેશમાં સાત જન્મ પક્ષી થાય. શ્રાદ્ધ દિવસે વ્રતમાં વસ્ત્રમાં રહેલા જંતુનો નાશ કરે છે તેને ક્ષાર કુંડમાં નાખે છે. સાત જન્મ ધોબણ થાય. બીજાયે આપેલી જીવિકાને લઇ લ્યે છે. તેને મળ- મૂત્રના કુંડમાં નાખે છે પછી સાત જન્મ ગરોળી થાય છે. એકલો મિષ્ટાન્ન ખાનારો શ્લેસ્મકુંડમાં પડે છે. માતા, પિતા, પત્ની, પુત્ર, ગુરુ અનાથ વગેરેનું પોષણ નથી કરતો તેને હજાર વર્ષ સુધી ક્ષ્વેક કુંડમાં નાખે છે. અતિથિને ક્રૂર ભાવે જોનારાના જલ પિંડદાન પિતૃગ્રહણ કરતા નથી તેને મલકુંડમાં નાખે છે. માતા-પિતા, ગુરુ પૂજ્યને તાડન કરનારાને લોહીના કુંડમાં લોહી પીવરાવે છે પછી શુદ્ર જન્મ પામે.
ભગવાન પાસે ગાતા, નૃત્ય કરતા હોય તેની મશ્કરી કરનારા અશ્રુકુંડમાં પડે છે, પછી ચાંડાલ થાય છે. સર્વેની મશ્કરી કરનારો ગાત્ર મલકુંડમાં પડે છે. પછી ગધેડા, શિયાળના જન્મને પામે છે. કન્યા વિક્રય કરનારાને માંસ કુંડમાં નાખે છે. પછી સાત જન્મ કૂતરાંના થાય. પૂર્ણિમાએ ગર્ભણી પ્રસવ ટાણે ગમન કરનારો તામ્રકુંડમાં પડે છે. રજસ્વલાનું અન્ન ખાનારો લોહી કુંડમાં પડે છે. પછી ધોબી, મોચી થાય. જે સ્નાન કર્યા વિના અપવિત્ર હાથે દેવ સેવા કરે તે ધર્મકુંડમાં પડે પછી સાત જન્મ નિર્ધન રહે. પતિનો તિરસ્કાર કરનાર કાંટાવાળી કુંડમાં પડે પછી ઘોડી થાય. ઝેર આપનારો, ખાનારો ઝેરના કુંડમાં પડે પછી કોઢનો રોગી થાય. લોઢાથી લાકડીથી ખીલા સળિયાથી જે પશુને મારે છે તેને કુંત કુંડમાં નાખે છે પછી જલોધરનો રોગી થાય છે. અભક્ષ્ય ભક્ષણ કરનારો કૃમિ કુંડમાં પડે છે પછી મ્લેચ્છ જન્મ પામે છે. પાપનું ખન્ન ખાનારો થુય કુંડમાં પડે છે. સર્પને મારનારો સર્પના કુંડમાં પડે છે, પછી સર્પ થાય છે. જીવ-જંતુને મારનારો હિંસક દંશ કુંડમાં પડે છે. પછી જીવ-જંતુના જન્મને પામે છે. માખોને મારી મધ લેનારો સાગર કુંડમાં પડીને માખી થાય છે. વગર વાંકે દંડ આપનારાને વજ્ર કંટકમાં નાખે છે. ધર્મ વિનાના વિપ્રને શરકુંડમાં નાખે છે. માછલા મારનારને નરક કુંડમાં નાખે છે. બીજાના દોષ જોનારો કાક કુંડમાં પડે છે. દેવનું દ્રવ્ય, સોનું, તાંબુ, લોઢું ચોરનારો વજ્રકુંડમાં પડે છે. ગાય મૂર્તિની ચોરી કરનારા ગરમ પથ્થરના કુંડમાં પડે છે. વેશ્યાનું અન્ન ખાનારો લાલકુંડમાં પડે છે. મ્લેચ્છની મિત્રતા કરનારો મષી કુંડમાં પડીને બકરો, સર્પ અને તાલવૃક્ષ થાય છે. અનાજ, પાગરણ, પૂજાની સામગ્રીની ચોરી કરનારો ચૂર્ણકુંડમાં પડે છે પછી વંશહીન, દરિદ્ર થાય છે. હિંસાના આયુધો, શસ્ત્રો બનાવનાર ચક્રકુંડમાં પડે છે.
ઘી-તેલને ચોરનાર જ્વાલા કુંડમાં પડે છે પછી માછલો, ઊદર, બિલાડો થાય. ભૂમીચોર તપીકુંડમાં પડે છે. નરઘાતી, બ્રહ્મઘાતી, અસીપત્ર વનમાં પડે પછી વિકલાંગ જન્મ થાય. પછી ભૂંડ, કૂતરો, શિયાળ, નારડો, વાઘ થાય. ગામને અગ્નિ લગાડનારો ક્ષુરધારમાં પડે. પછી કોઢનો રોગી થાય. મિથ્યાકલંક આપનારો નિંદક સુચી કુંડમાં પડીને વીંછી, સર્પ થાય. ઘર ભાંગનાર બળદ, ઘેટો, બકરો થાય. ગાય, હાથી, અશ્વને મારનાર ગજદંશમાં પડે. ગાય, વિપ્ર, સાધુ, સ્ત્રી, પુત્ર, મિત્રની હત્યા કરનારો કુંભીપાકમાં પડે પછી ગીધ, ભૂંડ, કાગડા, સર્પના જન્મને પામે પછી મનુષ્ય જન્મમાં ક્ષયરોગી, વંશહીન, નપુંસક, પત્ની વિનાનો થાય. શ્રીહરિકૃષ્ણ નારાયણ, ભુમાપુરૂષ, વાસુદેવનારાયણ, બ્રહ્મા, વિષ્ણુ, શંકરમાં ભેદબુદ્ધિ કરનારો બ્રહ્મહત્યા સમાન દોષવાળો ગણાય છે. અક્ષર, રાધીકા, લક્ષ્મી, શ્રી, રમા, પાર્વતી, પ્રભા, માણિકી, જયા લલીતામાં ભેદબુદ્ધિ કરનારો બ્રહ્મહત્યા સમાન દોષવાળો થાય. ગુરુ, ઇષ્ટદેવ, માતા-પિતા અને મૂર્તિમાં ભેદબુદ્ધિ કરનારો બ્રહ્મહત્યા સમાન દોષવાળો ગણાય છે.
પિતૃદેવ, ગુરુપૂજાની નિંદા કરનારને બ્રહ્મહત્યા, શિવ-પાર્વતી, લક્ષ્મીનારાયણની નિંદા કરનારો બ્રહ્મહત્યા દેવની પૂજા નહીં કરનાર, ગાય, બળદને મારનાર, ગોચરને હરનાર બ્રહ્મહત્યા સમાન, પોતાનો પતિ અને ભગવાનને ભેદ દૃષ્ટિથી જોનારી, વાણીથી પતિનું અપમાન કરનારી ગૌહત્યા સમાન ગણાય છે. ગુરુ પત્ની, રાણી, માતા, અપર માતા, બહેન, પુત્રી, પુત્રવધૂ, સાસુ, સગર્ભા પત્ની, ભાભી, મામી, માસી, ફઇ, ભત્રીજી, ભાણેજ, શિષ્ય, પત્ની એ આદિ સ્ત્રીઓને વિષે ગમન કરે તો બ્રહ્મહત્યા સમાન પાપ થાય છે. તે કુંભી પાકમાં પડે છે. શ્રીહરિની સેવાભક્તિ વિના કર્મનો નાશ થતો નથી. જે સ્ત્રી પતિને લાકડીથી મારે છે તે કાલસૂત્ર નરકમાં પડી સાત જન્મ વિધવા થાય. જે બ્રાહ્મણી સર્વભક્ષી થાય તેના સાત જન્મ થાય, કાગડી, ભૂંડણી, કુકડી, શિયાળવી, કબૂતરી, વાનરી, પછી ચાંડાલી થાય. હાથમાં તુલસીપત્ર લઇ પ્રતિજ્ઞા કરી પાલન ન કરે તથા સાધુ-સાધ્વી, વિપ્ર અગ્નિદેવને દક્ષિણા આપવાની પ્રતિજ્ઞા કરી ન આપે તો જ્વાલા કુંડમાં પડે. ખોટી સાક્ષી પુરનારો મુંગો, બહેરો થાય. મિત્રદ્રોહી નોળિયો થાય. કૃતઘ્ની, નપુંસક થાય. વિશ્વાસઘાતી વાઘ થાય. યમરાજ કહે : સાવિત્રી કરોડો અબજો પ્રકારના પાપ મનુષ્ય શરીરથી વાણીથી કરે છે, કરાવે છે, તેના ફળ રૂપે નરકના કુંડોમાં દુ:ખ ભોગવીને ચોરાસી લાખ જાતના દેહ ધારણ કરે તો પણ દુ:ખનો અંત આવતો નથી. તે સર્વે દુ:ખના નાશનો ઉપાય શ્રીહરિકૃષ્ણનારાયણનું શરણ સેવા ભક્તિ તે જન્મ, મરણ, જરા, વ્યાધિ, રોગ, શોક, સંતાપને હરનારી છે. ભક્તિરૂપી વૃક્ષના અંકુરરૂપી હાથ કર્મ વૃક્ષને કાપી નાખે છે અને ચાર પ્રકારની મુક્તિને પામે છે.
શ્રીહરિના સેવકો, શ્રીહરિના વ્રત કરનારા ભક્તો સ્વપ્નમાં પણ યમદૂતોને જોતા નથી. ધર્મ માર્ગે રહેલા, મંદિરે જનારા એવા ગૃહસ્થ હરિભક્ત પાસે યમદૂતો આવતા નથી. ચિત્રગુપ્ત એવા ભક્તને પુષ્પાંજલિ આપી કહે, મારા લોકને સત્યલોકને ઉલ્લંઘીને ધામમાં જાવ. જો સંત-પુરુષ, યમપુરીમાં ઊભા રહે તો તેના દર્શન સ્પર્શથી યમપુરીના જીવોના પાપ નાશ થાય અને પવિત્ર થઇ પંચભૂતના શરીર વિના સૂક્ષ્મ શરીરથી જ ઉર્ધ્વગતિ પામે છે. યમપુરીમાં રહેલા જીવો સૂક્ષ્મ દેહે પાપકર્મને ભોગવે છે તે સૂક્ષ્મ દેહનો અંત આવતો નથી. દૂતો સૂક્ષ્મ દેહને બાળે છે, પાણીમાં ભીંજવે છે, કાપે છે, કટકા કરે છે, લોઢાથી પાષાણથી ટીપે છે તો પણ તેનો નાશ થતો નથી. યમપુરીમાં જરાય સુખ નથી. કૃષ્ણધામમાં જરાય દુ:ખ નથી. તેથી હે સાવિત્રી, ભગવાનને ભજ અને તારા પતિના સૂક્ષ્મ દેહને લઇને જા.