પુરુષોત્તમ માસની વદ ચોથની તિથીની પૂજનવિધિ - પીયુષ રાજા ચંદ્ર થયો અને તેની સત્યાવીશ રાણીઓ નક્ષત્રો થઇ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માના પૂર્વ કલ્પમાં સમીતપીયુષ રાજા ધર્મિષ્ટ ભગવદ્ ભક્ત હતો. તેને સત્યાવીશ પત્નીઓ હતી. સર્વે પતિવ્રતા પરાયણ હતી. પતિ સેવા કરીને દેવપૂજા, ધ્યાન, જપ, પિતૃકર્મ કરીને હજારો દાસી હોવા છતાં વિષ્ણુસેવા જાતે કરતી. પ્રભુને માટે જાતે રસોઇ કરવી, પાણી ભરવું વગેરે અનેક સેવા કરતી. જેણે રાજ્ય સંપત્તિ સર્વસ્વ પ્રભુને અર્પણ કર્યું હોય તેને આ શરીરથી ન થાય એવું કંઇ પણ નથી. અનિત્ય શરીરથી નિત્યઆત્માને માટે પુણ્ય મેળવવું. જેથી ભક્તિ અને મુક્તિ બંને મળે. જ્યાં સુધી શરીર સારું હોય, ઇન્દ્રિયો પોતાના વશમાં હોય, પેટમાં પાચન થતું હોય ત્યાં સુધીમાં આત્માનો કાર્ય મોક્ષ મેળવી લેવો. જ્યારે નેત્રથી નહીં દેખાય ત્યારે શ્રીહરિના દર્શન નહીં થાય. જ્યારે કાને નહીં સંભળાય. ત્યારે શ્રીહરિની કથા નહીં સંભળાય. જ્યારે શરીર પરતંત્ર થશે ત્યારે શરીરથી શ્રીહરિની કાંઇ પણ સેવા નહીં થાય. આવી રીતે તે રાજાની રાણીઓ વિચાર કરીને શ્રીહરિ પુરુષોત્તમની સેવાભક્તિ કરતી હતી. તે જ પ્રમાણે રાજા પણ પ્રભુભક્તિ કરતો.
એક સમયે તે સર્વે રાણીઓએ આસો વદ આઠમનો ઉપવાસ કરીને કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણ અને શ્રી પુરુષોત્તમની મૂર્તિ બનાવી પૂજન કરી આરતી કરી. ત્યાં શ્રીકૃષ્ણનારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. રાણીઓ દિવ્ય, અલૌકિક દર્શન કરી આશ્ચર્ય પામી. પછી રાણીઓ તરત જ વસ્ત્ર-આભૂષણો લાવી પ્રભુને ધારણ કરાવ્યા. સોનાનો મુકુટ, કુંડળ, તિલક, ચાંદલો, કર્યો. સોનાના બાજુબંધ, કડાં, પોચી, વેઢ, વીંટીઓ ધારણ કરાવ્યા. સોનાના હાર, કંદોરો તોડા વગેરે ધારણ કરાવી આરતી ઉતારી તથા મિષ્ટાન્ન, દૂધપાક જમાડીને સર્વે રાણીઓએ પુરુષોત્તમ નારાયણને અનેક ભેટ સામગ્રી આપી રાજી કરતા હતા. એ રીતે સર્વે રાણીઓની સેવા અંગીકાર કરી પુરુષોત્તમ નારાયણ આશિર્વાદ આપી અદૃશ્ય થયા. રાણીઓએ રાજાને દર્શનની વાત કરી, રાજા પ્રસન્ન થયો અને પત્નીઓ સાથે સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખતો થઇ. ત્યાં નગારું સંભળાયું. નર-નારીઓ સાંભળો. પુરુષોત્તમ માસની વદ ચોથનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશે તેની પુરુષોત્તમ નારાયણ સર્વે મનોકામના પૂર્ણ કરશે. જે જનો આ વ્રત્ત કરી દાન આપશે તે સકામ હશે તો સ્વર્ગને પામશે, નિષ્કામ હશે તો બ્રહ્મલોકને પામશે, તથા આ લોકમાં સંપત્તિ, પતિ-પત્ની, પુત્ર વગેરે જે ઈચ્છશે તે પામશે.
પુરુષોત્તમ નારાયણનું કૃપાવાક્ય નગારાથી સાંભળીને સમીતપીયુષ રાજા તથા રાણીઓ, દાસીઓએ નગારાની પૂજા કરી. પુરુષોત્તમ માસની વદ ચોથનું વ્રત કરી પૂજન કરી, આરતી કરી, નૈવેદ્ય ભોજન કરાવી. રાત્રે જાગરણ કરી ગીત, વાજિંત્ર સહિત નૃત્ય કરતા હતા. સવારે શ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી, સાધુ, બ્રાહ્મણોને જમાડીને હીરા, રત્નો, મણિના દાન આપતો હતો. તે સમયે પુરુષોત્તમ નારાયણે વિપ્રનું રૂપ લઇ રાજા પાસે યાચના કરી. રાજા-રાણીઓએ સત્પાત્ર જાણીને રત્નોની માળા આપી નમસ્કાર કર્યાં. વિપ્ર કહે : રાજન વરદાન માંગ. રાજા કહે : ચંદ્રનું રાજ્ય આપો અને આ સર્વે મારી રાણીઓ મારી પત્નીઓ થાય. વિપ્રરૂપે રહેલા પુરુષોત્તમ નારાયણ કહે : તથાસ્તુ. એમ કહી અદૃશ્ય થયા. તે રાજા પુરુષોત્તમ માસની વદ ચોથનું વ્રત કરી ચંદ્ર થયો અને રાણીઓ તે દક્ષરાજાની પુત્રીઓ થઇ. તે સર્વે પુત્રીઓ ચંદ્રમાંને આપીને સત્તાવીશ નક્ષત્રો રૂપે આકાશમાં ચંદ્રની સાથે રહી. એ રીતે જે જનો પુરુષોત્તમ માસનું વદ ચોથનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશે તે ઈચ્છિત સર્વે પામશે. આ અધ્યાયની જે કથા કહેશે તથા સાંભળશે તે પણ ભક્તિ-મુક્તિ પામશે.