સુઘન ભક્તે એકાદશીના જાગરણનું ફળ આપીને બ્રહ્મરાક્ષસને મોક્ષગતિ આપી
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મથુરામાં નાગતીર્થ, ઘંટાતીર્થ, વિઘ્નરાજતીર્થ, સોમસરસ્વતી તીર્થમાં સ્નાન, દાન કરવાથી કોટીગણું ફળ થાય છે. પૂર્વે સુઘન નામે મારો ભક્ત હતો તે સંપત્તિવાળો હતો. મારી પૂજા કરી સાધુ-સાધ્વીને ભોજન કરાવી દાન આપતો. યમુનામાં ત્રણ વાર સ્નાન કરતો. એકવાર કાર્તિક સુદ એકાદશીનું વ્રત કરી જાગરણ કરવા મંદિરમાં જતો હતો ત્યાં એક બ્રહ્મરાક્ષસ સુઘન ભક્તને પકડીને બોલ્યો, હું રાક્ષસ જંગલમાં રહું છું. ઘણા દિવસ થયા ભૂખ્યો છું. આજ મને તું ભોજન માટે મળ્યો. વણિક ભક્ત કહે : હું તને મારું મહાભોજન આપીશ પણ અત્યારે મને મંદિરમાં જાગરણ કરવા જવા દે. સવારે હું તારી પાસે આવી જઇશ. આ વિષ્ણુનું વ્રત પૂર્ણ કરવા દે. રાક્ષસ કહે : તું ખોટું બોલે છે. મૃત્યુના મુખમાંથી બચ્યો તે પાછો મૃત્યુમુખમાં જાય છે. વણિક ભક્ત કહે : જગત સત્યને આધારે રહેલું છે. સત્યને આધારે જીવે છે. જો તારી ભૂખ સત્ય હશે તો સત્ય ભક્ષ્ય આવી જશે. ભૂખ-તરસમાં બ્રહ્માએ જેને માટે જે નિર્માણ કરેલ છે, તે મિથ્યા થતું નથી. તારા માટે હું નિર્માણ થયેલો હોઇશ, તો તને પ્રાપ્ત થઇશ. અંતર્યામી પરમાત્મા તારામાં રહ્યા છે, તે મારામાં રહ્યા છે. જો હું ન આવું તો સર્વે પાપનો ભાગીદાર થાઉં.
વણિક ભક્તના વચન સાંભળી રાક્ષસ કહે : જા તરત આવજે. સુઘન ભક્ત મંદિરમાં જઇ નૃત્યકીર્તન કરી, જાગરણ કરી સવારે યમુનામાં નાહી, દંડવત્ કરી, રાક્ષસ પાસે જતો હતો. ત્યાં રસ્તામાં દિવ્ય અલૌકિક કૃષ્ણનારાયણના ચતુર્ભુજરૂપે દર્શન કરી કહે : ભગવાન તમને નમસ્કાર. ભક્તને મોક્ષ આપનારા, દિવ્ય દર્શન આપનારા તમને નમસ્કાર. ભગવાને પૂછ્યું વણિક ઉતાવળો ક્યાં જાય છે ? સુઘન કહે : રાક્ષસ પાસે. ભગવાને કહ્યું ન જતો, જીવતો હોઇશ તો ધર્મપાલન થશે. મરી જઇશ તો મોક્ષસાધન નહીં થાય. તો પણ પ્રભુને નમન કરી રાક્ષસ પાસે ગયો, અને કહ્યું મારું ભક્ષણ કર. હું સત્ય ધર્મનું રક્ષણ કરી તારી પાસે આવ્યો છું. હવે તને જેમ રુચે તેમ કર. રાક્ષસ આશ્ચર્ય પામી કહે : હું તારી પર રાજી થયો છું, તું જીતી ગયો છો. તે સત્યનું પાલન કર્યું છે. મારી ભૂખ નષ્ટ થઇ છે. પણ જાગરણનું ભજનનું પુણ્ય મને આપ. જેથી હું રાક્ષસ યોનિમાંથી મુક્તિ મેળવું.
વણિક ભક્ત કહે : તું જાગરણનું કેવું ફળ છે તે તું જાણે છે. એક ઘડી જાગરણ કરે તો ઇન્દ્રપદ મળે. બે ઘડી જાગરણ કરે તો બ્રહ્માપદ, અર્ધરાત્રિ જાગરણ કરે તો વૈરાજપદ, સવાર સુધી જાગરણ કરે તો બ્રહ્મલોકમાં જાય. અર્ધ ઘડી જાગરણ કરે તો સામ્રાજ્ય મળે, જાગરણ કરી નૃત્ય કરે તો ગોલોકમાં જાય. બોલ તને કેટલું પુણ્ય આપું. રાક્ષસ કહે : બધું જાગરણનું પુણ્ય આપ જેથી મારો મોક્ષ થાય. વણિક કહે : તારું પૂર્વ વૃતાંત કહે : પછી પુણ્ય આપું. રાક્ષસ કહે : હું અગ્નિદત્ત નામે બ્રાહ્મણ હતો. કર્મકાંડ કરતો હતો. મેં મકાન કરવા માટે ચોરી કરી તો પણ મકાન ન થયું, પછી મારું મરણ થયું. વાસના રહેવાથી બ્રહ્મરાક્ષસ થયો છું. તેથી મિત્રભાવે દયા કરીને મારી ઉપર ઉપકાર કરી મારો ઉધ્ધાર કર. એક એકાદશીના જાગરણનું પુણ્ય મને આપીને મારી મુક્તિ કર. વારંવાર રાક્ષસની પ્રાર્થના સાંભળી સુઘનભક્તે પાણી લઇને સંકલ્પ કરી પુણ્ય આપ્યું. ત્યાં તરત રાક્ષસનું શરીર પડી ગયું. દિવ્ય દશ વર્ષનો પાર્ષદ ચતુર્ભુજ થઇને શોભવા લાગ્યો. વિષ્ણુ, પાર્ષદો સાથે વૈકુંઠમાં લઇ જવા આવ્યા. સુઘનભક્ત ભગવાનને પગે લાગીને કહે, ધન્ય પ્રભુ મને દર્શન દીધા. હવે મને પણ ધામમાં લઇ જાવ. વિષ્ણુ કહે : ચાલ તને પણ લઇ જાઉં. સુઘનભક્ત કુટુંબને કહે : જેને ધામમાં આવવું હોય તે વિમાનમાં બેસી જાવ. દયાળુ ભગવાન સર્વેને વૈકુંઠમાં લઇ ગયા. ત્યાં સુઘનતીર્થ થયેલું છે. ત્યાં કાર્તિક સુદ એકાદશીએ સ્નાન, દાન કરવાથી રાજસૂય યજ્ઞનું ફળ થાય છે.