ભાગ · અધ્યાય ૨૫૧

જેઠ સુદની નિર્જળા એકાદશી - બ્રહ્માના માનસપુત્ર અગ્નિની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જેઠ સુદ નિર્જળા એકાદશીની કથા કહું. સવારે વહેલા ઊઠીને શ્રીહરિનું ધ્યાન કરી, સ્નાન કરી, પદ્મા સહિત ત્રિકમ ભગવાનની ષોડ્શોપચારથી પૂજા કરી, નૈવેધ ધરી, આરતી ઉતારી, દંડવત નમસ્કાર કરવા તથા સાધુ વિપ્રોને યથા દાન આપવા.

પૂર્વે બ્રહ્માના માનસપુત્ર અગ્નિ સર્વભક્ષી હોવા છતાં તૃપ્ત જ થયો નહીં. બ્રહ્માને કહ્યું, મારો જઠરાગ્નિ શાંત કરો. ત્યારે બ્રહ્મા કહે, યજમાન શ્રદ્ધા ભક્તિથી હોમહવન કરશે તેટલી તૃપ્તિ થશે તો પણ અગ્નિ શાંત ન પામ્યો ત્યારે બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન પાસે પ્રાર્થના કરી. નરનારાયણ ભગવાન કહે : જેઠ માસની બંને એકાદશી નિર્જળા કરવાથી તારો જઠરાગ્નિ શાંત થશે. પછી અગ્નિએ જેઠ માસની અપરા અને નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી શાંત થયો અને હવિષ્યાન્નથી તૃપ્તિ પામ્યો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જેઠ સુદ નિર્જળા એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે.