ભાગ · અધ્યાય ૨૩૮

માગશર વદ પક્ષની એકાદશી - મરૂધન્વા રાજાની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકાદશીના વ્રતમાં દૂધ, પાણી, ફળ, મૂળ, પત્ર, શાક તથા ઔષધ, ગુરુવાક્ય, વિપ્રવાક્ય, પરવશ્યતા આ અગિયાર પ્રકારો વ્રતનો નાશ કરતા નથી. મોક્ષની ઈચ્છાવાળાએ ઉપવાસ કરીને દૂધ, ફરાળ કરીને એકટાણું કરીને નકતભોજન સૂર્યાસ્ત પછી જમવું તે કરીને આખો દિવસ ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછા વાળીને ભગવાનની મૂર્તિમાં, ભક્તિમાં, સેવામાં રાખવા. એકાદશીએ નદી, તળાવમાં સ્નાન ઉત્તમ છે. વાયવ્યમાં સ્નાન મધ્ય છે, કૂવામાં સ્નાન કનિષ્ક છે.

પૂર્વે બ્રહ્માના ત્રીજા કલ્પમાં મરૂદેશનો રાજા મરૂધન્વા હતો. ન્યાય-નીતિથી રહિત અધર્મી હતો, તેથી પ્રજામાં પણ દોષ-દુર્ગુણો પ્રવર્તી ગયા. પ્રજા સત્કર્મથી રહિત થઇ તેથી સાત વર્ષ સુધી વૃષ્ટિ ન થઇ. દુષ્કાળ પડ્યા. રાજા પ્રજા અતિ પીડા પામ્યા ત્યારે સર્વેએ શ્રીહરિની ધૂન-કિર્તન, પ્રાર્થના, સ્તુતિ કરી, હે પ્રભુ અમારો ઉદ્ધાર કરો. ત્યારે આકાશવાણી થઇ - હે રાજન, આવતી માગશર કૃષ્ણ પક્ષની એકાદશી વ્રત વિધિપૂર્વક કરી દાન કરજે સર્વે સારું થશે. રાજાએ, રાણીએ, કુંવરે, પ્રજાએ સર્વે એ માગશર વદ એકાદશીનો નિર્જળા ઉપવાસ કરી શ્રીહરિનું ષોડ્શોપચારથી પૂજન કરી અનેક પ્રકારના દાન આપ્યા. તે એકાદશીને પુણ્યના પ્રતાપે રાજા પ્રજા સર્વે સુખી થયા. પછી રાજા સ્વર્ગમાં ગયો ત્યાં ઘણા યુગ સુધી રહીને પૃથ્વી પર આવી શ્રીહરિની ભક્તિ કરી વૈકુંઠમાં ગયો.