ભાગ · અધ્યાય ૪૩૩

બ્રાહ્મણની કૃપાથી પતિદ્રોહી કૂતરી પણ બીજા જન્મે શ્રેષ્ટ અપ્સરા ઉર્વશી થઇ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કાશ્મિરના સત્યશિવ બ્રાહ્મણને માલિની નામે પત્ની હતી. તે પતિને વશ કરવા મંત્ર-તંત્રવાળી સ્ત્રી પાસે ગઈ. તેણે પતિને વશ કરવા મંત્રેલી ભસ્મ ઔષધી આપી તથા “નમ: કામાક્ષી દૈત્યૈ પતિ વશ કરું સ્વાહા” આ મંત્ર આપ્યો. બ્રાહ્મણીએ ખાવા-પીવામાં ઔષધી આપી. બ્રાહ્મણ માંદો પડ્યો. પરાધીન થયો એટલે પત્નીને વશ થયો પણ પતિની સેવા નહીં કરવાથી માલિની યમપુરીમાં ગઇ. ત્યાં અનેક દુ:ખો ભોગવી કૂતરીના જન્મને પામી. એકવાર વિષ્ણુભક્ત, બ્રાહ્મણ પ્રભુ પૂજા કરી આવતો હતો ત્યાં તેના હાથમાં રહેલું તુલસી જળ, પ્રસાદી કૂતરી માથે પડ્યું. તે પ્રતાપે પાપનો નાશ થયો. પૂર્વનું ભાન થયું. બ્રાહ્મણને પૂર્વ વૃતાંત કહ્યું.

પ્રભુભક્ત બ્રાહ્મણે તેને ધર્મ ઉપદેશ આપ્યો. પતિ ઠૂંઠો, લંગડો, કાણો, બહેરો, ગાંડો. રોગી, વ્યસની ગમે તેવો તો પણ પતિને ઈશ્વર જાણીને સેવા કરનારી, નારી સ્વર્ગને પામે છે. ખાવા-પીવા વગેરે સર્વે સેવામાં પતિને પ્રસન્ન કરનારી નારી ઉપર કૃષ્ણનારાયણ પ્રસન્ન થાય છે. કુબ્જા-કૃષ્ણ પ્રસંગથી રાધાતુલ્ય થઈ. શબરી રામયોગે મુક્તા બની. જટાયુને રામનો યોગ થયો. અરુંધતિ ગાયના આશ્રયથી પવિત્ર થયા. દેવની કૂતરી સરમા સુરભિ સેવાથી મુક્તા બની. વૃંદા, તુલસી, કૃષ્ણ યોગે પૂજ્ય થયા. અજ્ઞાની જડ પણ પ્રભુના સંબંધથી ચેતન થાય છે. સંતપુરાણી બ્રહ્મયોગે દિવ્ય અને પૂજ્ય થયા. વિપ્રનો બ્રહ્મોપદેશ સાંભળી કૂતરીને અતિ પ્રશ્ચાતાપ થયો. પછી વિપ્રે શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપી કૂતરીનો દેહ તજાવ્યો. ને નરનારાયણ ભગવાનની માનસી કન્યા ઉર્વશી થઈ અને સ્વર્ગમાં અપ્સરાઓમાં શ્રેષ્ટ સ્થાન પામી વૈષ્ણવી ભક્ત બની નારાયણની આજ્ઞાથી સ્વર્ગમાં ઈન્દ્ર પાસે રહી શ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરતી.