ગુરુ દત્તાત્રેયે અલર્ક રાજાને ગુણ-ક્રિયાનું જ્ઞાન આપ્યું
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અલર્ક રાજાએ ગુરુ દત્તાત્રેયને પૂછ્યું કે હે પ્રભુ, યોગીના લક્ષણ કેવા હોય ? ક્રિયા કેવી હોય ? બ્રહ્મના માર્ગે કેમ ચાલતા હોય ? તેને ઓળખવા કઈ રીતે ? ગુરુ દત્તાત્રેય ભગવાન કહે, હે રાજા યોગી પુરુષો મર્યાદાથી પર રહ્યા છે. માન- અપમાનમાં સમાન રહ્યા છે. જે રાગદ્વેષ મનુષ્યોને ઉદ્વેગ કરાવીને દુ:ખ કરે છે યોગીને ઝેર અમૃતસમાન દેખાય છે. યોગી જરૂર પૂરતો વ્યવહાર કરી સતત શ્રીહરિના નામનું ભજન કરે છે. યોગી એ પ્રસિદ્ધિને નથી ઈચ્છતા. પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ પામે છે. ફળફૂલ, કંદમૂળ, ભાજી જે મળે તે શ્રીહરિ ને અર્પણ કરી ગ્રહણ કરે છે. વાણી કર્મને, મનને જે દંડ આપે તે ત્રિદંડીયોગી કહેલો છે. જપ કરતા કરતા જ્યારે મૂર્તિમાં લીન થાય તે યોગી સૂર્યચંદ્રના કિરણને પકડીને સૂર્યચંદ્ર ને અગ્નિ જેવો તેજસ્વી થાય છે. રાફડાની કળી જેમ માટીના કણને ભેગા કરી જેમ રાફડો બનાવે છે તેમ યોગી યોગને ધીમે ધીમે સાધે છે. મૃગ બાળકના શિંગ જેમ ધીમે ધીમે મોટા થાય છે, તેમ યોગી પણ યોગને વધારતો જાય છે. ખારું હોય કે ખાટું, તીખું હોય કે કડવું જાણવા છતાં બોલતો નથી. યોગી ભોજનના રસાસ્વાદને જીતી લ્યે છે. એ જ રીતે સર્વે ઈન્દ્રિયોના આહારને જીતી લ્યે છે.
હાથથી મંદિરની, સાધુની, દેવની, ગુરુની, સત્પુરુષની જ સેવા કરે છે તે યોગી કહેલો છે. કથા, કિર્તન, ભક્તિ સમુહમાં કેવળ ભગવત્ પ્રસન્નતાર્થે કરે છે. સર્વે કામમાં પરમાત્માને જ જુવે છે. પુરમાં, સીમમાં, નગરમાં, ખેતરમાં સર્વજગ્યાએ સમાન ભાવથી વિચરે છે. શરીરથી પર આત્મનિષ્ટારૂપે રહેતો યોગી ક્યારેક હસે છે. ક્યારેક રૂદન કરે છે. ક્યારેક અંતરવૃત્તિથી રહે છે. ક્યારેક બાહરવૃત્તિમાં રહે છે. ક્યારેક શરીર પર ધૂળ નાખે છે. મુખમાં પાણો મૂકે છે. ક્યારેક દિગંબર અવસ્થામાં રહે છે. કાદવમાં, ધૂળમાં આળોટે છે. આત્મારામ એવા યોગીની કોઇ ક્રિયા જાણી શકતું નથી. આ સનકાદિક યોગીઓ ઋષભ, સુકદેવ, નાથ, અવધુત, હંસ, પરમહંસ, સાધુઓ, સાધ્વીઓ, સતીઓ, વૈષ્ણવો આવા અનેક પ્રકારના યોગીપુરુષો બ્રહ્મ સ્થિતિમાં રહી પરબ્રહ્માના આનંદને ભોગવે છે. હે રાજા, યોગીઓ મૃત્યુના ચિહ્નોની જાણ થતા સ્વતંત્ર શરીરનો ત્યાગ કરી ચિદાકાશમાં, તેજમાં, પરમધામમાં, પરબ્રહ્મની પાસે પહોંચી શાશ્વત સુખનો આનંદ ભોગવે છે.