ભાગ · અધ્યાય ૫૧

મનુ-શતરૂપા કથા ❖ મૃત્યુ સમીપના ચિહ્નોનું વર્ણન

શ્રીનારાયણ કહે : દ્વાપરને અંતે મૈથુન સૃષ્ટિવાળી પ્રજા થઇ. બ્રહ્માના ધ્યાનથી મનુ અને શતરૂપા પતિ-પત્ની થયા. તેના પ્રિયવ્રત અને ઉત્તાનપાદ બે પુત્રો થયા. આકૃતિ અને પ્રસુતિ બે કન્યા થઇ. તે મૈથુની પ્રજા હતી. પ્રસુતિ દક્ષને આપી. આકૃતિ રુચિઋષિને આપી. આકૃતિમાં યજ્ઞો અને દક્ષિણા થયા. પ્રસુતિમાં ચોવીસ કન્યાઓ થઇ. તે સર્વે દક્ષ કન્યાઓ બ્રહ્મવાદીની યોગિની હતી. તેર ધર્મને આપી, અગિયાર ઋષિઓને આપી. તે મૈથુની સૃષ્ટિ થયા પછી બ્રહ્માએ શંકરને કહ્યું કે, હવે તમે રૂદ્ર તામસી સૃષ્ટિનું સર્જન કરતા નહીં એટલે શંકર આજીવન પર્યંત ઉર્ધ્વરેખા બ્રહ્મચારી રહીને પૃથ્વીનો પ્રલય થાય ત્યાં સુધી પરબ્રહ્મના ધ્યાનમાં બ્રહ્માનંદમાં મગ્ન રહે છે. જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, તપ, સત્ય, ક્ષમા, ધીરજ, સર્જન, આત્મજ્ઞાન, સંહારનો અધિકાર, આ દશ ઐશ્વર્યો શંકરમાં સદા વસે છે. શંકરની પ્રસન્નતાથી મનુષ્ય ત્રિદંડી બને છે. મૌન રહેવું અથવા ભગવાનનાં સંબંધ વિનાનું ન બોલવું તે વાણી દંડ, ભગવાનના અવતારોના દિવ્ય અને મનુષ્ય ચરિત્ર વિના બીજું મનન ન કરવું તે મન દંડ, ભગવાન ગુરુ સત્પુરુષ વિના જગતના કોઇ કામ શરીરથી ન કરવા તે શરીર દંડ. આ ત્રીદંડી સંન્યાસી જગતમાં ક્યાંય પણ બંધન પામતો નથી. તે મુક્ત બની પૃથ્વી પર વિચરે છે. તેને પોતાનું જીવન પુરું થાય ત્યારે ચિહ્નો પરથી ખબર પડે છે અને પરબ્રહ્મમાં વૃત્તિને સ્થિર કરે છે.

સૂર્યને કિરણ વિનાનો અને અગ્નિને કિરણવાળો જુએ તે વર્ષથી વધારે નથી જીવતો. પોતાના સ્વપ્નમાં, મળમૂત્રમાં સોનુ-ચાંદી દેખાય તો દશ માસ સુધી જીવે. ધૂળ કે કાદવમાં પોતાના પગલાં ન દેખાય તો સાત માસ જીવે. કાગડો, હોલો, ગીધ, માંસ ખાનારા પક્ષી માથા પર ઉડે તો છ માસ જીવે. કાગડાઓ પોતાની છાંયાને પકડે અથવા છાંયાં વિકૃત દેખાય તો ચાર-પાંચ માસ જીવે. દક્ષિણ દિશામાં વાદળા વિના વીજળી તથા ઇન્દ્રધનુષ જુએ તો બે ત્રણ માસ જીવે. પાણીમાં કાં અરીસામાં પોતાનું પ્રતિબિંબ ન જોઇ શકે અથવા માથા વિનાનું જુવે તે 1 માસ જીવે. પોતાના શરીરમાં શબની ગંધ આવે તો પંદર દિવસ જીવે. સ્નાન કરીને પાણી તરત સુકાઇ જાય તો દશ દિવસ જીવે. સ્વપ્નમાં રીંછ, બકરો, વાનર જોડેલો રથ દક્ષિણ દિશામાં જતો જુએ તો મૃત્યુ સમીપે, સ્વપ્નમાં પોતાને કાદવમાં પડતો જુએ તો મૃત્યુ સમીપે. સ્વપ્નમાં નદીમાં અંગારા, ભસ્મ, કેશ, સર્પોને જુએ તો દશ દિવસ જીવે. વારંવાર શ્વાસ ઉપડે, દીવાની ગંધ ન આવે, દિવસે તારાઓ દેખાય, એક નેત્ર સ્ત્રવે, કાન, નાક નમી જાય, નખ કાળા થઇ જાય, તે મૃત્યુ સમીપે. ઊટ, ગધેડા જોડેલો રથ દક્ષિણ દિશામાં જાય, કાનેથી ન સંભળાય, આંખેથી ન દેખાય, મુત્ર ગરમ પડે, સ્વપ્નમાં અગ્નિ પ્રવેશ, સ્વપ્નમાં શ્વેત, કાળો પોતાને જુએ તેનું મૃત્યુ સમીપે. સ્વપ્નમાં લાલવસ્ત્ર પહેરેલ અથવા નગ્ન સ્ત્રીને જુએ અથવા પોતાને આલિંગન કરે તો તે એક દિવસ જીવે. આવા મૃત્યુ ચિહ્નો જાણીને ભગવાન ને ભક્તોએ સર્વેમાંથી વૃત્તિ તોડીને ભગવાનનું ભજન કરવું. યાત્રા પ્રવાસમાં નીકળવાના સમયે કાળો સર્પ દેખાય તો કાં મરણ થાય કાં મૃત્યુ સમાન દુ:ખ આવે. આગળ ધોબી પાછળ વાણંદ મધ્યમાં ચાલવું નહીં. સિંહાસનેથી રાજા પડી જાય, મૂર્તિ રૂદન કરે, ધૂમકેતુ તારો દેખાય તો દેશમાં આપત્તિ આવે અને કેટલાક રાજા-પ્રજાજનો નાશ પામે તેથી સર્વે આપત્કાળમાં શ્રીહરિનું સ્મરણ કરવું, તો દુ:ખ મુક્ત થવાય.