કેવા પાપથી પ્રેત થાય ? - પ્રેતનો ઉદ્ધાર કઇ રીતે થાય ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગોક્ષુરમાં વાસ કરતા ગોકર્ણને પોપટે ફરી સંભાર્યું કે, મને મથુરામાં લઇ જાવ. ગોકર્ણ કુટુંબને, પોપટને લઇ મથુરા યાત્રા કરવા ગયો. ત્યાં બ્રહ્મભોજન કરાવ્યું, ત્યાં પોપટ દેહ મૂકી સ્વર્ગમાં ગયો. ગોકર્ણે ત્યાં શુકેશ્વર મહાદેવ પધરાવ્યા. ઘેર આવતા રસ્તામાં પુષ્કર તીર્થના દર્શન કર્યાં. ત્યાં પાંચ પ્રેત જોયા. પૂછ્યું તમે કોણ છો ? પ્રેત કહે : અમે પક્ષપાત કરનારા, બીજાને નહીં આપીને એકલા ખાનારા, ભીક્ષાનું અન્ન જમનારા, બીજાને દાન આપતા નહીં, આપતા હોય તેને ના પાડતા, ખોટા લેખ લખતા તેથી પ્રેત થયા છીએ. મદ્ય, માંસના ખાનારા, દેવ, બ્રાહ્મણ, ગુરુનું દ્રવ્ય હરનારા પ્રેત થાય છે. અનેક પ્રકારની વાસનાવાળા પ્રેત થાય છે. ગાય, વિપ્ર, સ્ત્રી, બાળકની હત્યા કરનારા પ્રેત થાય છે. કન્યા વિક્રય કરનારા, ગુરુના દ્વેષી, નાસ્તિક, મલીન આહાર કરનારા પ્રેત થાય છે. તેથી દ્વેષ ન કરવો. પુણ્ય કરવું. પુણ્યશાળી મનુષ્યો સાથે મૈત્રી કરવી. દુ:ખી ઉપર દયા કરવી. બીજાને સુખી જોઇને આનંદ પામવો. પાપીઓ પાસે વાસ ન કરવો.
ચાંદ્રાયણાદિ વ્રતો કરનારા, દેવનું પૂજન કરનારા, સાધુ-વિપ્રનું પૂજન કરનારા, શ્રદ્ધાથી અન્ન જળવસ્ત્રનું દાન કરનારા, શ્રાદ્ધ કરનારા, પરોપકાર કરનારા, પ્રેત થતા નથી. માતા-પિતા, ગુરુ, વડીલો, વૃદ્ધ, પતિ, પત્ની, ગાય, અનાથ, અતિથિની સેવા કરી આશિર્વાદ મેળવનારા પ્રેત થતા નથી. મથુરામાં, યમુનામાં, ભાદરવા સુદ બારસે સ્નાન કરી વામન પૂજન કરી, સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવી, વસ્ત્ર, જોડા, છત્ર વગેરે દાન આપવાથી પ્રેતનો ઉદ્ધાર થાય છે. તે ગોકર્ણે એક દિવસનું સ્નાન પૂજનનું ફળ પ્રેતોને આપવાથી તેનો ઉદ્ધાર થયો અને સ્વર્ગમાં ગયા.