શ્રાવણ સુદની પવિત્રા એકાદશી - ચંદ્રપૌત્ર પુરૂરવા રાજાની કથા
લક્ષ્મી કહે : ધ્વજ, ધનુષ્ય, મત્સ્ય, સ્વસ્તિક ચિહ્નને ધારણ કરનારા પ્રભાપતિ, પાર્વતી પતિ, માણીકી પતિ સર્વે સુખ આપનારા હે સ્વામી શ્રાવણ સુદ એકાદશીનું નામ તથા વ્રત વિધિ કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શ્રાવણ સુદ એકાદશી તે પુત્રદા નામની એકાદશી છે. સ્નાન કરી લક્ષ્મીનારાયણની પૂજા ષોડ્શોપચારથી કરી ફળફૂલ, નૈવેધ ધરી, મુખવાસ આપી, આરતી, દંડવત, પ્રણામ, સ્તુતિ, નમસ્કાર કરી, ક્ષમા માગી, વ્રત પૂર્ણ માટે પ્રાર્થના કરવી. આખો દિવસ શ્રીહરિના વાજિંત્રો સહિત ધૂન-કિર્તન ઉત્સવ કરવા. કથાવાર્તા નવધા ભક્તિ કરવી. બારસને દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરી સાધુ-સાધ્વી, બ્રાહ્મણો, અનાથ બાળકો, અતિથીને ભોજન કરાવવા તથા દાન આપવા, ભણેલા સુપાત્ર ભક્તિવાળા વિદ્વાનને લક્ષ્મીનારાયણ સંહિતાનું દાન કરવું. તો આયુષ્ય, સંપત્તિ, યશ, ધન, ધાન્ય, પત્ની, પુત્ર, ખેતર, વાડી વગેરે સર્વેની પ્રાપ્તિ થાય છે.
પૂર્વે ચંદ્રપૌત્ર પુરુરવા રાજા નર્મદા કાંઠે શ્રીપુરનું રાજ્ય કરતો હતો. ધર્મથી પ્રજાનું પાલન કરતો. તેના ગુણ સાંભળી ઉર્વશી અપ્સરા તેની પાસે આવી પત્ની થઇને રહી. ઘણો સમય થયો પણ રાજાને પુત્ર નહીં થવાથી વિચારવા લાગ્યો, મેં કોઇ અપરાધ કર્યો નથી છતાં મને સંતાન પ્રાપ્તિ કેમ થતી નથી. તે રાજા લોમશઋષિ પાસે આવી પગે લાગી પૂછ્યું. મારે ત્યાં પુત્ર નથી તેનું કારણ શું ? લોમશઋષિ કહે : પૂર્વે જન્મે તું વણીક હતો. વેપાર કરી ધનવાન થયો. એકવાર જેઠ સુદ દશમીએ તળાવમાં તું સ્નાન કરતો હતો. ત્યાં ગાય- વાછરડીઓ સહિત પાણી પીવા આવી. તેને લાકડી મારીને કાઢી મૂકી. ગાયે શાપ આપ્યો તું પત્ની વિયોગ, પુત્ર વિનાનો થા. ગામના માણસોને ખબર પડી તેણે ખૂબ માર્યો. મરતાં પહેલાં સર્વે ધનનું દાનયજ્ઞ કર્યા તેથી તું રાજા થયો પણ ગાયના શાપથી તારે ત્યાં પુત્ર થયો નથી તેથી હવે શ્રાવણ સુદ પુત્રદા એકદશીનું વ્રત કરી ગાયોના દાન કરજે તેથી પુત્ર થશે. પુરુરવા રાજાએ, ઉર્વશી રાણીએ પુત્રદા એકાદશીનું વ્રત કરી ગાયોના દાન આપ્યા તેથી છ પુત્રો થયા. તેથી હે લક્ષ્મી, પુત્રદા એકાદશીનું વ્રત બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર, નરનારી, ભક્તોએ એકાદશીનું વ્રત કરીને શ્રીકૃષ્ણ વાસુદેવનું પૂજન કરી ઉપવીત ધારણ કરાવવી તથા પવિત્રા હાર પહેરાવવા તેથી ભુક્તિ-મુક્તિ બંનેની પ્રાપ્તિ થશે.