પુરુષોત્તમ માસની અમાસની તિથીની પૂજનવિધિ - ઉદ્યાપન - વાનરમોક્ષ - પતિવ્રતાધર્મ - પત્નીવ્રતધર્મ અને કથાશ્રવણ - દાનફળ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અધિક માસને અંતે અક્ષરધામમાં સર્વે મુક્તોએ પુરુષોત્તમના મંદિરમાં ઉદ્યાપન કર્યું. ગોલોકથી રાધા-કૃષ્ણ આવ્યા. વાસુદેવાદિ ચતુર્વ્યુહ સેવકો સહિત આવ્યા. મહા વૈકુંઠથી લક્ષ્મીનારાયણ પાર્ષદો સાથે આવ્યા. અવ્યાકૃત, અમૃતધામ, શ્રીપુરધામ વગેરેથી નારાયણો આવ્યા. મહાવિષ્ણુ, હિરણ્ય, ગર્ભવૈરાટ, નારાયણ, જલતેજના આવરણમાં રહેલા વૈકુંઠથી આવ્યા. મહામાયાના કૈલાશધામના સર્વે આવ્યા. એવી રીતે સર્વે ઇશ્વરો, અવતાર આવ્યા. સત્યલોકથી બ્રહ્મા, પિતૃઓ, માતૃગણો, સર્વેદેવો આવ્યા. તિર્થોના દેવો, દેવીઓ, નદીઓ સમુદ્રો, પર્વતો, વનો, નક્ષત્ર મંડળ, સર્વે લોકવાસી, સ્થાવર જંગમ, સર્વે અધિક માસના અંતે ઉદ્યાપનમાં અક્ષરધામમાં આવ્યા. સર્વેએ ઈષ્ટ સિદ્ધિ માટે, ભુક્તિ-મુક્તિ માટે ઉદ્યાપન કરાવ્યું. પુરુષોત્તમ માસમાં સુદ, વદ તિથિમાં અષ્ટમી, નવમી, ચૌદશ, પૂનમ, અમાસ અને એકાદશીમાં ઉદ્યાપન કરાવવું.
દુંદુભિને કહ્યું, સર્વત્ર બ્રહ્માંડમાં જાહેર કરો ઉદ્યાપન કરનારને પુરુષોત્તમ માસનું ફળ પૂર્ણ મળશે. ઉપવાસ કરી, ભજન કરી, બ્રહ્મચર્યનું પાલન કરી, પૃથ્વી પર શયન કરી, બ્રાહ્મમુહૂર્તમાં જાગી પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરી, સ્નાન કરી, જપ, હોમ, સ્વાધ્યાય, સંધ્યા કરી, મહામંડપ કરી, સાત ધાન્યોથી મંડપ પૂરી, ચારે બાજુ કળશ મૂકી, વચ્ચે તામ્ર ઘંટ મૂકીને, નાળિયેર, આસોપાલવ, આંબાના પાન, સોપારી મૂકીને પુષ્પો, અબિલ, ગુલાલ, કંકુ, ચોખા વગેરે પૂજાની સામગ્રીથી સર્વે અવતારો, ઇશ્વરો દેવોનું આવાહ્ન કરી, પૂજન કરવું, નૈવેદ્ય, મિષ્ટાન્ન, દૂધપાક, મુખવાસ, તાંબુલ, ધૂપ-દીપ કરી, એકસો આઠવાર તર્પણ કરવું તથા હોમ કરીને કહેવું કે, દેવો, પિત્રુઓ પુરુષોત્તમ તૃપ્તિ પામો. પછી વૈષ્ણવ ભક્તોએ આરતી કરી, નમસ્કાર કરી, પ્રદક્ષિણા કરી, સ્તુતિ કરી, ક્ષમા માગવી. હે પુરુષોત્તમ, મારી પૂજામાં કોઇ ભૂલ થઇ હોય તો ક્ષમા કરજો. એવી પૂજાથી પ્રસન્ન થયેલા પુરુષોત્તમ પ્રગટ થઇ આશિર્વાદ આપી અનંત ફળ આપશે. પછી આચાર્ય ગુરુની પૂજા કરી, સોનું-ચાંદી, રૂપિયા, ગાય, વસ્ત્રો, ઘી, તેલ વગેરે દક્ષિણા આપવી તથા પુરુષોત્તમ નારાયણની મૂર્તિ તથા લક્ષ્મીનારાયણ સંહિતાનું દાન કરવું.
ત્રીસ માલપુડા કાંસાના પાત્રમાં મૂકી બીજું કાંસાનું પાત્ર ઢાંકી સંપુટ કરીને એવા ત્રીશ સંપુટના દાન કરવા. તે માલપુડામાં જેટલા છીદ્રો હોય તેટલા હજાર વર્ષ જીવાત્મા વૈકુંઠમાં વાસ કરે છે. ત્યારપછી ગોલોકમાં જાય. પછી અક્ષરધામમાં જાય તથા સાધુ-સાધ્વી, વિપ્રો, બાળકોને દૂધપાક, મિષ્ટાન્ન જમાડવા, તથા દક્ષિણાઓ આપવી. પછી કુટુંબ સાથે બેસી ભોજન કરવું. પુરુષોત્તમ માસમાં જે ન ખાવાનું નિયમ લીધું હોય તેનું માસને અંતે દાન કરવું. બપોર પહેલા દેવ જમે છે. બપોરે મુનિઓ, બપોર પછી પિતૃઓ જમે છે. દિવસ આથમ્યા પછી નકત ભોજન કરનારો, નર થાય છે અને તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. માટે અનિત્ય શરીરથી મોક્ષપદ સાધી લેવો. પૂર્વે કરેલ દેશમાં કદર્ય નામનો બ્રાહ્મણ ધર્મ, કર્મ, જપ, હોમ, ધ્યાન, સ્વાધ્યાયથી રહિત હતો, માગી ખાતો. એક બગીચામાં માળી પાસે રહ્યો, માળી બગીચો સોંપી બહારગામ ગયો. કદર્યે ફળની ચોરી કરી, વેચી નાખ્યા. તેના પાપે યમપુરીનો દંડ ભોગવીને વાંદરાના જન્મને પામ્યો. પણ વિપ્ર જન્મમાં પુરુષોત્તમ માસના વખાણ કર્યા હતા. તેથી તીર્થમાં વાંદરાનો જન્મ થયો. તીર્થનું પાણી પી તીર્થમાં મર્યો. તેથી તેનો મોક્ષ થયો. પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી પણ ઉપવાસ અને પૂજાનું ફળ મળે છે. કથા સાંભળવાથી ધર્મ થાય, પાપ નાશ થાય, મોહ નિવૃત્ત પામે અને જ્ઞાન થાય.
પુરુષોત્તમ માસમાં મોક્ષ આપનારી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળવી. પતિવ્રતા સતિના પતિરૂપ પુરુષોત્તમ પોતે થાય છે. તેથી પોતાના પતિનો દુષ્ટ સ્વભાવ હોય, કુરૂપ હોય, રોગી, ક્રોધી, વૃદ્ધ, મૂંગો-બહેરો, અંધ, વિષયી, લંપટ ગમે તેવો હોય તો પણ દેવની જેમ પૂજવો. મન, વચન, શરીરથી સેવા કરવી. કામથી, લોભથી, બળથી, ધનથી, ભાવનાથી, આશ્રયથી, રૂપથી, તૃષ્ણા/વાદન, વસ્ત્રથી, આભૂષણોથી, સર્વેથી પતિને રાજી કરવો. આવી પતિવ્રતા સતિને જોઇને યમદૂતો દૂર ભાગી જાય છે. તે રીતે પુરુષે ત્રીશ માલપૂડા ભરી કાંસાનો સંપુટ કરીને દોરાથી વીંટીને કંકુથી પૂજીને દાન આપવું. તેને બ્રહ્માંડ દાન કહેલું છે. તે દાન દેવાથી સ્ત્રી પતિવ્રતા થાય છે. પરુષ પત્ની વ્રતવાળો થાય છે. પુરુષે પોતાના પ્રાણ સમાન સુખનું સ્થાન પત્નીને મધુર વચનથી બોલાવવી. ક્યારેય પણ તિરસ્કાર તાડન કરવું નહીં. વસ્ત્ર અલંકારોથી સુખના સાધનોથી સંતોષ પમાડવો. ભૂખ, તરસ, કર્મથી ઉદ્વેગ ન કરાવવો. દાસી સમાન પ્રિય પત્નીનું ક્યારેય અપમાન ન કરવું. વંશ આપનારી રતિ સુખ આપનારી, સુખ-દુ:ખમાં સાથે રહેનારી, પત્નીને ધનાદિક પદાર્થોથી રાજી રાખવા. લક્ષ્મીસમાન પત્નીને તજીને બીજી સ્ત્રીને પ્રિય ન થવું. સ્વર્ગસમાન સુખ ઈચ્છનારે પરસ્ત્રીને વશ ન થવું. આવા દંપતી મોક્ષના ભાગીદાર થાય છે.
પૂર્વે ઇન્દ્ર, દ્યુમ્ન, શતદ્યુમ્ન, ભગીરથ વગેરે હજારો રાજાઓ પુરુષોત્તમ માસના વ્રત, પૂજન કરીને પુરુષોત્તમની આરાધના કરીને પુરુષોત્તમ પાસે પહોંચ્યા છે. પુરુષોત્તમ માસનું નગારું જેને સાંભળ્યું. તેણે વ્રત ઉધાપન ઉત્સવ કર્યો. પ્રભુએ પાર્ષદ મુક્ત સ્વરૂપે સંદેશાવાહક એવા નગારાની પૂજા કરીને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બ્રહ્માંડોમાં ફરીને ઘોષણા કરવી. એવી આજ્ઞા કરી. પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ નારાયણ રાધા-લક્ષ્મી, શ્રી, જયા, રમા, માણિકી, પાર્વતી, પ્રભા સાથે પુરુષોત્તમ નારાયણનું પૂજન કરવું, ભોજન કરાવવું, સેવવા, ધ્યાન કરવું, પુરુષોત્તમ માસની કથાશ્રવણ કરવી. તેથી સર્વે તિર્થોનું ફળ, પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ, બ્રહ્માંડ ઉદ્ધારનું ફળ થાય છે. પુરુષોત્તમ મહાત્મ્ય લખીને બંધણામાં બાંધીને દાન કરનારાની ત્રણ પેઢી ગોલોકમાં વસે છે. પુરુષોત્તમ માસની કથાના વક્તા, શ્રોતા, કથા કરાવનારો, વખાણ કરનારો, રક્ષણ કરનારો, વ્રત કરનારો, દાન આપનારો, સર્વે પુરુષોત્તમરૂપે થશે.
પુરૂષોત્તમ માસમાં આદેશ આપનારા અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરવી. લક્ષ્મીનારાયણનું આ કૃપાવાક્ય સાંભળીને, અતિ તૃપ્તિ પામીને પુરુષોત્તમ નારાયણની પૂજા કરીને વ્યાસ સ્વરૂપ પતિને નમસ્કાર કર્યા.