શંકર-પાર્વતી સર્વે પ્રભુની જન્મજયંતિએ કુંકુમવાપી પધાર્યા
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, એકવાર પાર્વતીએ શંકરને કહ્યું કે, સર્વના નિયંતા એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા કુંકુમવાપી ક્ષેત્ર તીર્થનાં દર્શન કરવા જવું છે. જે પરબ્રહ્મ પ્રભુની મૂર્તિમાંથી મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, હરિ, વામન, પૃથુ, વાસુદેવ, દત્તાત્રેય, હંસ, ઋષભ, યજ્ઞનારાયણ, સનકાદિક, રામ, હયગ્રીવ, નારદ, વ્યાસ, બુદ્ધ, કલ્કી, મોહિની વગેરે સર્વે અવતારો જેમાંથી પ્રગટ થાય છે. તથા રાધા, રમા, લક્ષ્મી, પદ્મા, પદ્માવતી, પ્રભુા, પાર્વતી, જયા, લલિતા, કૃષ્ણા, માણિકી, તુલસી, વૃંદા, કમલા, સીતા, રૂકમણિ, દ્રૌપદી, શીવા, ગંગા, સરસ્વતી, હંસા, શારદા, મંજુલા, રતી, મૂર્તિ, માનસા, સંધ્યા, ગાયત્રી, મૂળપ્રકૃતિ, સાવિત્રી, દેવીકા, મુક્તિ, શાંતિ, ભક્તિ વગેરે અનંત લક્ષ્મીઓ પણ જેમાંથી પ્રગટ થાય છે. જે અનંતધામના અનંત ઈશ્વરોના સ્વામી છે. તે પરબ્રહ્મના ધ્યાનમાં દર્શન થયા પછી તે બાલપ્રભુના દર્શન કરવાની મને તીવ્ર ઈચ્છા છે.
પાર્વતીનું વચન સાંભળી શંકર હનુમાન, ગણેશ, કાર્તિક, દુર્ગા, યોગી મંડળ, સર્વેગણ મંડળ, ઋષિ દુર્વાષા વગેરેને તૈયાર કરીને પ્રગટ પ્રભુના દર્શન કરવા અશ્વપટ સરોવર લોમશ આશ્રમ કુંકુમવાપી ક્ષેત્ર આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણના સાત શિખરવાળા મંદિરમાં આવ્યા. લોમશઋષિએ સર્વનું સ્વાગત કર્યું અને શિવ-પાર્વતીનું પૂજન કર્યું. પછી નીજમંદિરમાં વિરાજતા મુક્તોથી સેવાયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું શંકર પાર્વતીએ ષોડ્શોપચારથી પૂજન કરી, આરતી ઉતારીને અનેક પ્રકારની ભેટો મુકી. દંડવત્ કર્યા. પછી બાલકૃષ્ણ પ્રભુએ શંકર-પાર્વતીને પગે લાગી, પગ ધોઇ પાણી પીધું. પછી લોમશ આશ્રમમાં સર્વને ઉતારો કરાવી ભોજન કરાવ્યા. બીજે દિવસે આસો વદ આઠમ અનાદિશ્રીકૃષ્ણનારાયણની જન્મજયંતી હોવાથી સર્વ મુક્તો, સાધુ-સાધ્વી, પતિવ્રતાઓ પ્રગટ પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવી, પવિત્ર જલથી સ્નાન કરાવી, વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી, સુવર્ણના સિંહાસનમાં બેસાડ્યા. પૂજન કરીને નૈવેધ કરી સર્વને પ્રસાદ ભોજન આપ્યા. પછી ધુન કિર્તન, નૃત્ય, ઉત્સવ કરીને સર્વએ રાત્રિએ વિશ્રામ કર્યો. આ ઉત્સવનું જે સ્મરણ કરશે તેને કુંકુમવાપીની તીર્થ યાત્રાનું ફળ મળશે.