ભાગ · અધ્યાય ૫૧૬–૫૧૭

અંધકાસુર સાથે યુદ્ધમાં શંકરનો વિજય

આ અધ્યાય 516–517 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નૃસિંહ પ્રભુએ હિરણ્યકશિપુને માર્યા પછી પ્રહલાદ ભક્તિ વૈરાગ્યવાળો હોવાથી રાજ્યગાદીએ ન બેઠો. એટલે પ્રહલાદનો નાનો ભાઇ અંધક ગાદીએ બેઠો અને બ્રહ્માને પ્રસન્ન કરી ઇન્દ્રાદી દેવોને વશ કરીને યજ્ઞમાંથી દેવોનો ભાગ કાઢી નાખ્યો. દેવો શંકર પાસે ગયા અને બધી વાત કરી. શંકરે દૂતને અંધકની પાસે મોકલ્યા અને કહ્યું, દેવોનો અધિકાર આપી દે. અંધક કહે, તમે સ્મશાનવાસી જોગી તમે મારી શું ગણત્રીમાં. તમારે રહેવું હોય તો કાશીમાં ચાલ્યા જજો. નહીં તો યુદ્ધ કરી કૈલાશનું રાજ્ય લઇશ. તે રાત્રે અંધકને અપશુકનના દુષ્ટ સ્વપ્નો થવા લાગ્યા. તેની પત્નીને પણ દુષ્ટ સ્વપ્નો દેખાવા લાગ્યા. તે સમયે ઇન્દ્રને શુકન થવા લાગ્યા અને સારા સ્વપ્ન આવવા લાગ્યા. ઈન્દ્રે શુકન તથા સારા સ્વપ્નની વાત શંકરને કરી. શંકર કહે, મને પણ સારા ચિહ્નો દેખાય છે. પછી શંકર અને ઇન્દ્રાદી દેવો અંધકાસુર સાથે યુદ્ધ કરવા રણમાં આવ્યા.

શ્રીનારાયણ કહે : અંધકનો સેનાપતિ કાર્તિક અને ગણેશ સામે લડતો હતો. શંકુકર્ણ સામે વીરભદ્ર, મહીષાક્ષ સામે ભૈરવ, વ્રકાશન સામે વૃષશૃંગ યુદ્ધ કરતા હતા. કરોડો અસુરો દેવોની મહા ભયંકર લડાઇ થતી હતી. અંધક પોતે શંકર સામે યુદ્ધ કરવા આવ્યો. તે અનેક આયુધોથી દિવ્ય મંત્રવાળા અશસ્ત્રો-શસ્ત્રોથી યુદ્ધ કરતા થાક્યો. ત્યારે અંધક શંકરની સ્તુતિ કરવા લાગ્યો કે, હે પ્રભુ હું પાપી છું, અધર્મી છું, મારો ઉધ્ધાર કરો. હે શિવ તમારું નામ લેવાથી પાપ પણ પવિત્ર થાય છે. પ્રસન્ન થયેલા શંકરે અંધકને પોતાના ત્રિશૂલ પર સ્થાપિત કરી ભૃંગીગણ નામ આપ્યું અને તેના પુત્ર વ્રકનો પણ નાશ કરી દેવોના અધિકારો દેવોને આપી સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને પાછું આપ્યું.