ભાગ · અધ્યાય ૫૨૧

ઇન્દ્રદ્યુમ્ન રાજાએ લોમશ ઋષિ પાસેથી મંત્રદીક્ષા લીધી

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ત્યારપછી લોમશઋષિએ ઇન્દ્રદ્યુમ્ન રાજાને બ્રહ્મ અને પરાવિદ્યાનો ઉપદેશ આપ્યો. બ્રહ્મતેજવાળા અક્ષરબ્રહ્મમાં વાસ કરનારા એવા દિવ્ય મૂર્તિ પરબ્રહ્મને નમસ્કાર સુવર્ણ જેવા ચળકતા કેશવાળા અતિ તેજસ્વી સર્વના નિયંતા જીવ ઇશ્વર મુક્ત અને અક્ષરબ્રહ્મમાં પણ મૂળરૂપે આધારરૂપે રહેલા. જેની પાસેથી ઐશ્વર્ય મેળવી ઇશ્વરો સામર્થ્યવાળા થયેલા છે. જેની પાસેથી સર્વ વિદ્યા સંપત્તિ સત્તા, તૃપ્તિ વગેરે મેળવે છે. એવા સર્વ વિદ્યાના ખજાનારૂપે રહેલા અંતર્યામી પુરૂષોત્તમનારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણને નમસ્કાર. મન સમાન વેગવાળા દેખાય છતાં ન ઓળખાય તેવા, સાંભળવા છતાં ન જાણી શકાય તેવા, અધ્યાત્મ યોગથી જાણી શકાય તેવા, જીણામાં જીણા, મોટામાં મોટા, હળવામાં હળવા, ભારેમાં ભારે તે પરમાત્મા બુદ્ધિથી વાણીથી પ્રાપ્ત થતા નથી. તે પ્રભુ જેની પર પ્રસન્ન થાય તેને વરે છે. એક હોવા છતા અનેક રૂપે દેખાય છે. તે પ્રભુને સૂર્ય, ચંદ્ર, અગ્નિ વીજળી પ્રકાશ કરી શકતા નથી. નીચે ઉપર ચારે કોર બ્રહ્મ અને પરબ્રહ્મથી સર્વવ્યાપ્ત છે. તે પ્રભુને નેત્રથી કર્મથી, તપથી, પુણ્યથી જોઇ શકાતા નથી પણ તે પ્રભુને શુદ્ધ ચિત્તવાળા, જ્ઞાનવાળા આત્માઓ અતિ દૂર રહેલા અતિ પાસે રહેલા પ્રભુને જોઇ શકે છે.

આત્મામાં પરમાત્મા રહેલા છે, તેને જે જ્ઞાનથી જાણે છે, તે સંસારમાં બંધન પામતો નથી. એવા પુરૂષોત્તમનારાયણ એક રસ ચૈતન્ય મૂર્તિ જેનો ભાગ ત્યાગ થાય તેમ નથી. એવા પ્રભુ પૃથ્વી પર પ્રગટ થયા છે. તેનું હે રાજા તું ધ્યાન ભજન ભક્તિ ઉપાસના સેવા કર. જેથી આ દેહે જ તને મુક્તિ પ્રાપ્ત થશે. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ લોમશઋષિ ગુરુ પાસેથી આવુ આત્મા પરમાત્માનું જ્ઞાન-વિજ્ઞાન તથા પરાભક્તિનો ઉપદેશ સાંભળી ગુરુ પાસે “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણે પતયે સ્વામીને નમ:” એ મંત્ર લઇ રાજા પોતાના આત્મામાંના પ્રગટ પુરૂષોત્તમ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ધ્યાન કરવા લાગ્યો. નખશિખ સુધી ચિહ્નોથી ભરેલી દિવ્ય અલૌકિક મૂર્તિનું ધ્યાન કરતા જ સત્યલોકમાંથી દેવદૂત વિમાન લઇ આવ્યો અને કહ્યું, રાજા વિમાનમાં બેસી જાવ. સત્યલોકમાં બ્રહ્મા પાસે ચાલો. રાજા કહે, લોમશઋષિના ઉપદેશથી હવે મને પ્રગટ પ્રભુ વિના કાંઇ પણ ઈચ્છા નથી. એમ કહીને રાજા ધ્યાનમાં ગુરુકૃપાથી યોગ નિંદ્રામાં ગયો.