પરશુરામની ક્ષત્રિયનાશની પ્રતિજ્ઞા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દત્તાત્રેય ભગવાનનો શિષ્ય સહસ્ત્રાર્જુન રાજા એકવાર મૃગયા કરવા વનમાં ગયો. ત્યાં જમદગ્નિ ઋષિના આશ્રમમાં સર્વે સમૃદ્ધિવાળી ગાય જોઇ. તેથી જમદગ્નિ ઋષિને મારીને કામધેનું ગાય રાજ્યમાં લાવ્યો. જમદગ્નિ ઋષિપત્ની રેણુકા અગ્નિમાં પડી પતિ પાછળ સતિ થઈ. જમદગ્નિના પુત્ર પરશુરામ આવ્યા. પ્રતિજ્ઞા કરી કે, ક્ષત્રિયોનો નાશ કરીશ અને પૃથ્વી અને ધન બ્રાહ્મણોને આપીશ. પછી બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કહે, શંકર પાસે જઈ શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર ગ્રહણ કરો. પરશુરામ કૈલાશ ગયા. શંકર પાસે મંત્ર ગ્રહણ કર્યો -“શ્રીકૃષ્ણાય સ્વાહા” પ્રભુ મારું સર્વકાળે, સર્વસ્થાને, સર્વ અવયવોનું નખશિખા પર્યંત રક્ષણ કરો.
મંત્ર લઈ નર્મદા કાંઠે સૂતા ત્યાં સ્વપ્નમાં શુકનો જોયા. હાથી, ઘોડા, પર બેઠેલા પોતાને જોયા. પુષ્પમાળા, પીળા વસ્ત્ર ગૌમુત્રથી છંટાતા વીણા વગાડતા. દહીં, ઘી, મધ, દૂધપાક જમતા. બ્રાહ્મણો આશિર્વાદ આપતા. ફળ, પુષ્પ, દીપ દેખાતા આવા શુભ શુકન જોઇ જાગ્રત થઈ સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરવા પુષ્કર જતા રસ્તામાં શુકનો થવા લાગ્યા. આકાશમાં દેવ દુદુંભી વગાડવા લાગ્યા. હાથી, સિંહની ગર્જના થવા લાગી. નોળિયો, રાજહંસ, મોરલો, કોયલ વગેરે બોલવા લાગ્યા. સ્વસ્થા, ગાય, કન્યા, વિપ્ર, બાલ વગેરે અનેક શુકનો થવા લાગ્યા. સહસ્ત્રાર્જુન રાજાને સ્વપ્નમાં અપશુકનો દેખાવા લાગ્યા. ગધેડા પર બેસી લાલવસ્ત્ર, લોઢા, અલંકારો પહેરી દક્ષિણ દિશામાં જતો હતો. લાલવસ્ત્રવાળી, છુટા કેશવાળી, વિધવા કપાયેલા નાકવાળી જોઇ, પૃથ્વી હાડકા અને ખોપરીથી ભરેલી જોઇ. હાથમાંથી કળશ પડતા. આકાશમાં સૂર્યને પડતા જોયા. નગ્ન પુરુષો જોયા. પોતાની પત્ની મનોરમાંને વનમાં ભીખ માંગતી જોઇ. આવા અનેક અનિષ્ટો જોઇ બીજે દિવસે યુદ્ધ કરવા જતા. પોતાના પતિ સહસ્ત્રાર્જુનના રથ પર મનોરમાં દિવ્ય શરીર ધારણ કરી બેસી ગઇ. રણસંગ્રામમાં પણ સહસ્ત્રાર્જુન રાજાને અપશુકનો થવા લાગ્યા. કુંભાર, ઘાચી, શિકારી, સર્પ, ગરોડી, ઝેર, ખાલી ઘડો કુતરો, શિયાળના અવાજો વગેરે અનેક અનિષ્ટો જોયા.