વૃંદાવનમાં વિષ્ણુ સાથે તુલસીના વિવાહ
શ્રીલક્ષ્મી કહે : પ્રભુ, તુલસી વિવાહ ક્યાં કેવી રીતે થયા ? કન્યાના માતા-પિતા, વરના માતાપિતા, તથા તેના પુરોહિત કોણ હતા. તે કથા સંભળાવો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી સાંભળો, વૃંદાવનમાં યમુના કાંઠે ગોવર્ધન પર્વત, કૌશલ દેશ, કુરુક્ષેત્ર અને ખાંડવ વન, સુધી તુલસી-વિષ્ણુ વિવાહનું સ્થળ હતું. વિષ્ણુની આજ્ઞાથી દેવોએ તે ભૂમિ સાફ કરી. પછી વિશ્વકર્માને બોલાવીને મહામંડપની રચના કરાવી. મુખ્ય મંડપ વૃંદાવનમાં આઠ યોજનનો હતો. બીજા મંડપો સો યોજનના વિસ્તારવાળા હતા. તુલસીના પિતા શિવભક્ત હોવાથી શિવ-પાર્વતીને તુલસીના કન્યાદાન માટે વિષ્ણુએ માતા-પિતા થવાની આજ્ઞા આપી. વિષ્ણુએ પોતાનાં માતા-પિતા, રાધા-કૃષ્ણનું સ્મરણ કર્યું. તરત મંડળ સાથે આવ્યા. કન્યા કુટુંબના પુરોહિત બૃહસ્પતિને બોલાવ્યા. વર કુટુંબના પુરોહિત ધૌમ્ય ઋષિ, ગર્ગાચાર્ય સાથે આવ્યા. લોકાચાર પ્રમાણે મંગલ લગ્નપત્રિકા લખી મોકલી.
ચાર યોજનમાં વિવાહ મંડપ હતો. યજ્ઞકુંડ, વેદી, કળશ સ્થાપન, ગણેશપૂજન, માતૃકા પૂજન, ગૃહ પૂજન, માણેક, સ્તંભ વિધિ પ્રમાણે કરાવી કન્યાને પીઠી ચોળતા હતા. વર પક્ષના ઉતારા ખાંડવવનમાં હતા. કન્યા પક્ષના તુલસી વનમાં હતા. રાધા-કૃષ્ણે પતિવ્રત દ્વિજને બોલાવી કુંકુમ પત્રિકા લખાવીને જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિ મોકલી તેમાં કાર્તિક સુદ બારસે મંડપારોપણ, તેરસના મંગલકાર્યો ગીતો વગેરે, ચૌદશે મહેમાનો આવ્યા. પૂર્ણિમાએ વિવાહ થયો. રાધાકૃષ્ણને ઘેર પરબ્રહ્મ બ્રહ્મા, પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રીકૃષ્ણના મુકતો મુક્તાની સાથે આવ્યા. ગોલોકથી કૃષ્ણપત્નીઓ, ગોપગોપીઓ, પાર્ષદો આવ્યા. વૈકુંઠથી નારાયણપત્નીઓ, પાર્ષદ, પાર્ષદાણીઓ સાથે આવ્યા. વાસુદેવાદિક ચતુર્વ્યુહ પત્નીઓ, પાર્ષદો સાથે આવ્યા. અવ્યાકૃતધામથી ભૂમાપુરુષ મંડળ સાથે આવ્યા. વૈરાટ મહાવિષ્ણુ પ્રધાનપુરુષ પ્રકૃતિ પુરુષોત્તમ વગેરે અવતારો તુલસી વિષ્ણુના વિવાહમાં આવ્યા તથા તેની પત્નીઓ જયા, લલિતા, માણિકી, પાર્વતી, પ્રભા, શ્રીરામ, સીતા, સાવિત્રી, ગાયત્રી આવ્યા. સર્વે ઇશ્વરો દેવો, ઋષિ-મુનિઓ આવ્યા તથા શંકરના ગણો, ભૂત-પ્રેત, પિશાચ, ભૈરવ, યક્ષ, યોગિની મંડળ વગેરે તામસી સૃષ્ટિના સર્વે આવ્યા, સર્વે સ્થાવર જંગમ તિર્થો આવ્યા. આવેલા મહેમાનોને જમવા માટે મિષ્ટાન્નોના, સાકરના, ચોખાના, ફળના, માખણના પર્વતો કર્યા હતા. દહીં-દૂધ-ઘી, અમૃત, રસના સરોવરો ભર્યા હતા.
શંકરની આજ્ઞાથી પૂર્ણિમાએ દેવોએ યજ્ઞ શરૂ કર્યા. વાજિંત્રોના નાદ થયા. નારીઓ મંગલ ગીતો ગાવા લાગી. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. વિપ્રો વેદ-મંત્રોનો ઘોષ કરવા મંડ્યા. ત્યાં સર્વે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે દિવ્ય અલૌકિક દેખાતું હતું. સવારે ખાંડવવનથી જાન આવી. તેમાં વસ્ત્રો, અલંકારોથી શોભતા શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરતા પંદર વર્ષના વર વિષ્ણુ દિવ્ય શોભતા હતા. અનેક સૌભાગ્યવતી દેવીઓ કન્યાઓ સાથે સદાશિવે જાનનું સામૈયું કર્યું. સોનાની થાળીમાં અબિલ, ગુલાલ, કંકુ, ચોખા, શ્રીફળ, પુષ્પોથી વધાવ્યા. સર્વેને ભોજનપાન કરાવી, પૂજન, સત્કાર કરી, વિશ્રામ કરાવ્યા. વરપક્ષે મોકલેલા કન્યાના શણગારો તુલસીને ધારણ કરાવ્યા. તે સમયે શિવ-પાર્વતી સર્વે વિવાહ સામગ્રી લગ્ન મંડપમાં લાવીને વરવિષ્ણુને લગ્નમંડપમાં વધાવતા હતા. વેદ-મંત્રો શરૂ થયા. મંગલ ગીતો ગાતા હતા. વાજિંત્રો વાગ્યા. પુષ્પવૃષ્ટિ થઇ, ત્યારે વિષ્ણુ શ્રીફળ ફોડીને સિંહાસને બેઠા. વિષ્ણુએ કાંડે કામફળ (મીંઢોળ) બાંધ્યો હતો.
ગુરુએ સ્વસ્તિક વાંચન કર્યા પછી શંકર-પાર્વતીએ વિષ્ણુને તિલક ચાંદલો, ચોખાથી વધાવ્યા. તુલસીને લાવીને વિષ્ણુની ડાબી બાજુ બેસાડ્યા. પુરોહિતે પુષ્પ, કંકુ, ચોખાથી બંનેને વધાવ્યા. હવનમાં વિધિથી દ્રવ્ય હોમ્યા પછી ગોરના કહેવાથી તુલસીકન્યાએ વિષ્ણુને વરમાળા પહેરાવી. પછી અંગદેવતાનું પૂજન કરીને બંનેના મુખમાં ગ્રોસ આપ્યો. પછી વિષ્ણુના જમણા હાથમાં તુલસીનો ડાબો હાથ મૂકીને સાથે ધર્મ પાળનારા થાવ. એ મંત્ર સંભળાવ્યો. ત્યાં વાજિંત્રો વાગવા લાગ્યા. વિપ્રો વેદ બોલવા લાગ્યા. જય શબ્દો થવા લાગ્યા. પછી બંને અગ્નિ પ્રદક્ષિણા કરીને બેઠાં, ફરી હવન કર્યો. પછી હીરામાણેક, વસ્ત્રો, અલંકારોના, સોના, રત્નોના ગાય, ભૂમિના દાન બ્રાહ્મણોને આપતા હતા. વર-વહુને પારિતોષિક દાન આપતા હતા તથા વિધિપૂર્વક કરિયાવર રત્ન, હીરા, સોનુ, ખજાનો, કરોડો હાથી, અશ્વો, વાહનો, ગાયો વગેરે આપતા હતા. ભોજનપાન, જલપાન, કરાવી શંકરે કન્યાને વાહને બેસાડીને આશિર્વાદ આપ્યા. જાન ઉતારે આવી. બીજે દિવસે પડવાને દિવસે જાનૈયાઓને ભોજન કરાવી, સત્કાર કરીને, ક્ષમાયાચના કરીને, શિવ પાર્વતી જાનને વિદાય આપતા હતા. શિવ પાર્વતીને ત્યાં આવેલા મહેમાનોને પણ વિદાય આપીને પોતાના ગણો પાસે મહામંડપનો સંકેલો કરાવી. શિવપાર્વતી વિમાનમાં બેસી કૈલાશ ગયા. વૃંદાવનમાં લગ્ન સ્થળે તુલસી વૃક્ષરૂપે રહ્યા. પત્નીરૂપે ખાંડવ વનમાં રહ્યા. તો પણ વિષ્ણુએ ખાંડવવનનો સંહાર કરીને પત્નીને લઇને ગરૂડ પર બેસી વૈકુંઠમાં ગયા. એ રીતે પોતાની પત્નીને શાપથી મૂકાવી. તુલસી પણ ભગવાનને પતિભાવે પ્રાપ્ત કરીને પરમ આનંદવાળી થઇ.
જે નર-નારીઓ તુલસીથી મને પૂજશે તેને હું મારા ચરણમાં વાસ આપીશ. પૃથ્વીમાં શાલિગ્રામરૂપે તથા તુલસીરૂપે હું એક જ બે સ્વરૂપે થયેલો છું. હું આ તુલસી વિવાહની કથા સાંભળીને આચાર્યનું, વાંચનારનું, ધન, વસ્ત્ર, આભૂષણોથી, વસ્તુથી પૂજન કરવું, સોનું, ચાંદી, હીરા, રત્નો, અનાજ, ઘી, ગોળ, સાકર, ફળ, ફૂલ, પુષ્પથી પૂજન કરવું. ગાય, ભેંસ, વાડી, ખેતર, વાહન, ઢોલીયા, ગાદલું, ઓછાડ, ઓસીકું, મંચ વગેરે દાન આપવા. સાધુ, સાધ્વી બ્રાહ્મણોને, દીન-ગરીબ, અનાથોને બાળકોને જમાડવા. દાન આપવા. પિતૃપૂજા, દેવપૂજા, મહાપૂજા, શિવપૂજા, કરાવવી. તુલસીથી વિષ્ણુ, કૃષ્ણનારાયણનું પૂજન કરવું. સર્વે શ્રોતાઓને પ્રસાદ આપી પછી આરતી કરવી. સ્તુતિ કરી, ક્ષમા પ્રાર્થના કરી, દંપતીને દક્ષિણા આપવી, તો પૂજા કરનારો આ લોકની સર્વે સંપત્તિ પામે છે. તુલસી કૃષ્ણને ષોડ્શોપચારથી પૂજવાથી પુત્રની ઈચ્છાવાળો પુત્ર પામે છે. ધનની ઈચ્છાવાળો ધન પામે છે. રોગી રોગથી મુક્ત થાય છે. કરજવાળા કરજ મુક્ત થાય છે. કન્યા કૃષ્ણ સમાન પતિને મેળવે છે. આ તુલસી વિષ્ણુવિવાહની કથા કહેશે સાંભળશે સંભળાવશે તે સર્વે પાપથી રહિત થશે.