ભાગ · અધ્યાય ૪૨૬

શ્રીકૃષ્ણે ગોપીઓને પત્નીભાવે ગ્રહણ કરી

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગોકુલ વૃંદાવનમાં રહેલી કન્યાઓએ શ્રીકૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા વ્રત કરવા ઈચ્છા કરી ત્યાં સ્વપ્નમાં શ્રીકૃષ્ણે દર્શન આપી કહ્યું. માગસર માસમાં મને પ્રસન્ન કરવા વ્રત કરી મારું પૂજન કરજો. તમારા સર્વે મનોરથ હું પૂર્ણ કરીશ. હે લક્ષ્મી પૃથ્વી પર રહેલા ભગવાનના મુક્તો પુરુષો હોય કે સ્ત્રીરૂપે હોય તે સર્વે પ્રભુના યોગે દિવ્ય છે. તે સર્વે ગોપકન્યાઓ ગોપીઓ બ્રહ્મમૂહુર્તમાં કૃષ્ણના કિર્તન કરતી. ધ્યાન કરતી, યમુનામાં સ્નાન કરીને પત્રપુષ્પ, ફળ, જળ, અન્ન ભોજન દાન આપતી હતી. તથા એકસો આઠ ઉપચાર અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ચંદન વગેરેથી પૂજન કરી, નૈવેદ્ય ધરી, શ્રી પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિના સર્વે અંગનું ધ્યાન કરતી. અમારા શરીર ઈન્દ્રિયો અંત:કરણમાં સર્વેમાં ભગવાન આવો એવી રીતે સર્વે ગોપીઓએ જ્યાં શ્રીકૃષ્ણનું આહવાન કર્યું. ત્યાં શ્રીકૃષ્ણ પ્રગટ થઈ અલૌકિક દિવ્ય દર્શન આપ્યા. તે સર્વે ગોપીઓને પત્નીભાવે ગ્રહણ કરી તેના મનોરથ પૂર્ણ કર્યા. પછી પ્રભુના દિવ્ય દર્શનથી શરીર અને સંસારનું ભાન ભુલેલી ગોપીઓને સર્વે કાર્યમાં શ્રીકૃષ્ણના જ દર્શન થતા અને સર્વે કામમાં મારું જ સ્મરણ કરતી.

એકવાર તે ગોપીઓ અને ગોપ કન્યાઓ સાથે મેં કુમારી કન્યાનું રૂપ ધારણ કરી યમુનામાં સ્નાન કરી બાહર કન્યા અને અંદર પુરુષ એ રીતે સર્વેના સંકલ્પ પૂર્ણ કર્યાં અને બીજે સ્વરૂપે આવી સર્વેના વસ્ત્ર હરણ કર્યા. વસ્ત્ર વિના સ્નાન કરવાથી વરૂણ, સૂર્ય, ચંદ્ર વગેરે દેવોનું અપમાન થાય છે. એમ ઉપદેશ આપીને દર્શન આપીને પાછાં વસ્ત્રો આપી દીધા.