ગોપીતળાવ, બ્રહ્મકુંડ, દેવસરોવર, કુશેશ્વર આદિ તીર્થોનું મહાત્મ્ય
આ અધ્યાય 224–227 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એક વખત પ્રભુને માતા-પિતા અને ગોપીઓનો સ્નેહ યાદ આવતા ઉદ્ધવને દ્વારિકાથી ગોકુલ મોકલ્યા. નંદ-જશોદાએ ઉદ્ધવનું સ્વાગત કરી કૃષ્ણના કુશળ પૂછ્યા. ઉદ્ધવે કહ્યું, કૃષ્ણ તમને બહુ યાદ કરે છે. ત્યાં ગોપીઓ આવી કહે : ઉદ્ધવ તમે આવ્યા કૃષ્ણને કેમ ન લાવ્યા ? એમ કહી ગોપીઓ અતિ રૂદન કરવા લાગી. ઉદ્ધવે આશ્વાસન આપી કહ્યું : કૃષ્ણ તમારો સ્નેહ ભૂલ્યા નથી. ગોપીઓ કહે : દેશ-વિદેશની રાણીઓ સાથે રહેતા અમારી ઉપર નિર્દય થયા. પરંતુ ઉદ્ધવ અમે તો તમારી સાથે તે પ્રભુના દર્શન કરવા આવશું. એમ કહી સર્વે ગોપીઓ ઉદ્ધવ કૃષ્ણના ગુણ-કિર્તન ગાતા દ્વારિકા આવ્યા. ઉદ્ધવે કૃષ્ણને કહ્યું : ગોપીઓ આવી છે. પાદરમાં તળાવ પર બેઠી છે. તરત જ સ્નેહ ભૂખ્યા કૃષ્ણ પ્રભુ તળાવે ગયા, ગોપીઓ ભેટી પડી. તે ગોપીતળાવ તીર્થ થયું છે. તેમાં જે સ્નાનદાન કરશે તેનો મોક્ષ થશે.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દ્વારિકામાં ગોપીઓએ શ્રીકૃષ્ણ દર્શન કરી પેંડા જમાડીને પ્રાર્થના કરી. પ્રભુ તમારા ચરણમાં સદા રાખો. શ્રીકૃષ્ણ કહે : જે મને નિત્ય સ્નેહપૂર્વક સંભાળે છે તે સદાને માટે મારા ચરણમાં જ વાસ કરે છે. પછી પ્રભુની આજ્ઞાથી ગોપીઓ ઉદ્ધવ સાથે ગોકુલ ગઇ. તે ગોપીતળાવ તીર્થ, ગોપાલકૃષ્ણ, ગોમતી, ગોપી તળાવની માટી અને ગાયનું દાન આ પાંચ પ્રકાર તે મોક્ષ આપનારા છે. ગોપી તળાવની માટીનું તિલક- ચાંદલો નરનારી, કન્યાકુમારી સાધ્વી-વિધવા કરશે તેને યમના દૂતનો ભય નહીં રહે. એ રીતે પ્રગટના સંબંધથી સર્વે નિર્ગુણ થાય છે.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દ્વારિકામાં રહેલા બ્રહ્મકુંડ, સૂર્ય, વરૂણ, કુબેર, દેવસરોવર, ઋષિતીર્થ વગેરેમાં સ્નાનદાન કરવાથી અનેક જન્મોના પાપો નાશ પામે છે.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દુર્વાસા સમુદ્રમાં ન્હાવા ગયા. કુશ દૈત્ય આવ્યો. સ્નાન ન કરવા દીધું. દુર્વાસાએ પ્રભુને સંભાર્યા. પ્રભુએ આવીને ચક્રથી કુશ દૈત્યનું મસ્તક કાપી નાખ્યું. તે શંકરનો ભક્ત હતો તેથી કુશેશ્વર તીર્થ થયેલું છે. તથા રૂક્મણિનું અપહરણ કરી આવ્યા ત્યારે રૂક્મિ લડવા આવ્યો શ્રીકૃષ્ણએ તેના અડધા દાઢી-મૂછ કાપી નાખ્યા. તે પટરાણી તીર્થ થયેલું છે.