ભાગ · અધ્યાય ૩૩૨

લક્ષ્મી તુલસીરૂપે, સરસ્વતી વાણીરૂપે અને ગંગા નદીરૂપે થયા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વૃંદા મારી પત્ની તુલસીરૂપે થઇ તેની કથા કહું. ગોલોકમાં લક્ષ્મી, સરસ્વતિ, ગંગા, પ્રેમથી શ્રીહરિની સેવા કરતી. એકવાર શ્રીગંગા શ્રીહરિ સાથે બહુ વાર રમી. સરસ્વતિને ઉદ્વેગ કરાવવા ગંગા તેની સામું જોતી. શ્રીહરિ પણ ગંગા સાથે રમ્યા. પણ સરસ્વતિ સાથે ન રમ્યા. લક્ષ્મીજી ક્ષમાવાળા ઇર્ષ્યા ન કરી. સરસ્વતિએ સહન ન કર્યું. ગંગાને અને શ્રીહરિને કહ્યું સર્વે પત્ની પ્રત્યે સમભાવ રાખવો. તમે ગંગા અને લક્ષ્મી પ્રત્યે વધારે ભાવ રાખો છો તો મારું જીવન નિષ્ફળ થાય છે. આ સાંભળીને ભગવાન મૌન રાખી ઘર બહાર નીકળી ગયા. સરસ્વતી ગંગાને કહે : નિર્લજ તું નારાયણને રોકી રાખે છે. રૂપાળી હમણાં તને મારું છું. એમ કહીને હાથ ઉગામ્યો. ત્યાં વચ્ચે પદ્મા પડીને સરસ્વતીને પાછી વાળી. ક્રોધ પામેલી સરસ્વતીએ પદ્માને શાપ આપ્યો. તું વૃક્ષરૂપે થા. ગંગાને શાપ આપ્યો તું નદીરૂપે થાય. ગંગા પદ્મા શાપ સાંભળીને નારાયણની મરજી જાણી ગંગાએ સરસ્વતીને કહ્યું તું પણ નદી રૂપે થા. વાણીરૂપે થા, અને ઋતુ વિનાની થઇને વંધ્યા રહે.

ત્યાં નારાયણ આવ્યા સર્વેને શાંત કર્યાં. સર્વેને કહે : મારી ઈચ્છાથી થયું છે. શોક ના કરો. કમલા તું ધર્મધ્વજ રાજાને ત્યાં પ્રગટ થઇને પછી તુલસી થઇશ. પછી શંખચૂડની પત્ની થઇશ. પછી વિધિપૂર્વક વિવાહ કરીને મારી પત્ની થઇશ. ગંગા તું માનવોના અને સમુદ્રના મોક્ષ માટે નદીરૂપે થઇને સમુદ્ર પત્ની થઇશ. સરસ્વતિ તું વાણીરૂપે રહીને રજોગુણના દોષ વિનાની, બ્રહ્મ, વિદ્યારૂપે મોક્ષ કરનારી થઇશ. સર્વેનો યોગક્ષેમ હું વહન કરીશ. ત્રણ પત્ની, ત્રણ સાળા, ત્રણ નોકરો, ત્રણ ભાઇઓ, તે આલોકમાં સુખ પામતા નથી. જેને સારા સ્વભાવવાળી પત્ની છે. તેને આલોકમાં જ સ્વર્ગ અને મોક્ષ છે. તેથી ગંગા તું પવિત્ર તીર્થરૂપ નદી થા, અનેકના પાપ ધોનારી થા અને મારા સંતભક્તના સ્પર્શથી તીર્થ પણ પવિત્ર થાય છે. જે પોતાના મા-બાપ, પત્ની, સંતાન, કુટુંબ, બહેન, સાસુ-સસરો, વૃદ્ધ, અને ગુરુ તેનું પોષણ નથી કરતો તે પાતકી થાય છે. તેને મારા સંતભક્તો દર્શન સ્પર્શથી પવિત્ર કરે છે. મારા ભક્તના ચરણરજથી પૃથ્વી પાવન થાય છે. એવા ભક્તનું જેને દર્શન થયું. તેને મોટામાં મોટો લાભ થયો. તે તિર્થોને પણ પવિત્ર કરે છે. વેદશાસ્ત્રને જાણનારા ભક્ત સર્વથી ઉત્તમ છે. જે ભક્તને મારામાં જ હેત, મારી જ પૂજા, મારા જ ગુણગાન ગાનારો, કહેનારો, મારામય, ગદ્ગદ્ કંઠ થઇ આંસુ સાથે પોતાને પણ ભૂલી જાય એવો ભક્ત, આ લોકના સુખને તો નથી ઈચ્છતો પણ ચતુર્ધા મુક્તિને પણ નથી ઈચ્છતો તે સદા મારા ચરણની જ સેવાની ઈચ્છા રાખે છે.

નારાયણ કહે : હે પ્રિયાઓ, તમે પણ નદીરૂપે, તુલસી વૃક્ષરૂપે, તીર્થરૂપે રહી મારી સેવા કરી અનેકનો મોક્ષ કરીને કળીયુગના અંતે ફરી મને જ પામશો. પછી ગંગા બ્રહ્માંડમાં આવી બ્રહ્માના કમંડળમાં આવી વામન ભગવાનના ચરણ સ્પર્શ કરીને ભગીરથ સાથે શંકરની જટામાં આવ્યાં. ત્યાંથી બદ્રીનારાયણ આવી કાશીમાં આવ્યાં. કમલા લક્ષ્મી ધર્મધ્વજ રાજાને ત્યાં તુલસી કન્યા થયાં. તે તુલસી ગણેશના શાપથી શંખચૂડની પત્ની થયાં.