ભાગ · અધ્યાય ૩૫૯

યમદૂતો દ્વારા પાપીઓને અનેક પ્રકારના દંડો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, યમદૂતો નચીકેતાને પાપીઓને દંડ અપાતો હતો ત્યાં લઇ ગયા. ત્યાં યમદૂતો પાપીઓને બાંધતા, બાળતા, પછાડતા વારંવાર તાડન કરતા હતા. લાકડીથી ગાત્રો ભાંગી નાખતા, કાપી નાખતા. ભાંગેલી પીઠવાળા, માથાવાળા, ભયંકર રાડો પાડતા હતા. ત્યાં કોઇ રક્ષણ કરનારો ન હતો. કેટલાકને નરકમાં નાખતા, કેટલાકને અગ્નિમાં નાખતા, કેટલાકને ઉકળતા તેલમાં નાખતા. કેટલાકને યંત્રમાં નાખીને પીલતા તેથી લોહીની ધારો થતી. વૈતરણી નદીમાં નાખતા. ત્યાં મોટી દાઢોવાળા ઝેરી પ્રાણી દંશ દેતા. ભમરીમાં પડી અતિ દુ:ખ પામતા દેખાતા હતા. હજારો પવનમાં સુકાતા, વમન કરતા, મૂર્છા પામતા હતા. ત્યાં કોઇ રક્ષણ કરનારો ન હતો. કેટલાક યમદૂતો શાલ્મલી વનમાં તલવારથી, લોઢાના કાંટાથી, પાપીઓને તાડન કરતા હતા. કેટલાક યમદૂતો પાપીના માંસ ખાતા, લોહી ચૂસી ફેંકી દેતા હતા. પાપીઓ ફરિયાદી હોય તેવા થઇ જતા, કેટલાક પથ્થરના વરસાદથી, ધૂળ-વંટોળથી દુ:ખી થતા, અગ્નિમાં શેકાતા, પાણી આપો એમ રાડો પાડતા, ગરમ પાણી આપતા પીવાથી હૃદય બળી જતા, આવા અનેક પ્રકારે પાપીઓ દુ:ખી થતા. અનેક પ્રકારના દુ:ખો ભોગવતા જોયા.

ત્યારપછી સુખી મનુષ્યોને જોયા. તેને માટે અન્ન, મિષ્ટાન્નોના ઢગલાં, દહીં-દૂધ રસો, દૂધપાક તથા ફળોના ઢગલાં, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય, ચાર પ્રકારના ભોજનો, રસના ધરા ભરેલા, મુખવાસ વગેરે. પુણ્યશાળી તપસ્વીઓ માટે સુવર્ણના આસનો, દિવ્ય સ્ત્રીઓ પિરસનારી હતી, સેવા કરનારા હતા, ત્યાં ઉપદેશ કરનારા હતા. તથા કેટલાક દૂતો કહેતા : અરે પાપીઓ કોઇને દાન આપ્યું નથી. લોભિયાઓ કોઇને આપ્યું નથી, તો તમને કોણ આપે ? તમારા કર્મ ભોગવીને છૂટા થાવ પછી પાપ ન કરતા, પુણ્ય કરજો. જેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. પછી સારા દયાવાળા, ધર્મવાળા, ભક્તિવાળા કુટુંબમાં જન્મ ધારણ કરીને ભગવાનની ભક્તિ કરીને પરમગતિને પામશો. અથવા સક્ષમ ભાવનાથી ભક્તિ કરશો તો સ્વર્ગની પ્રાપ્તિ થશે. પછી યમદૂતો આગળ લઇ ગયા. ત્યાં પાપીઓને એટલો ત્રાસ અપાતો હતો કે જોઇ ન શકાય તો વર્ણન કેમ થાય. ત્યાંની પૃથ્વી લોઢાની અગ્નિથી તપાવેલી, લોઢાના ખીલાવાળી તેની ઉપર ચલાવતા. અગ્નિ શીલા પર પછાડતા હતા. ભયંકર કૂતરાઓથી કરડતા ભુખ્યા-તરસ્યા, પીડાતા હતા. ત્યાં અન્ન, પાણી મળતા નહીં. લોખંડની સ્ત્રીને અગ્નિથી તપાવીને નરને આલિંગન કરાવતા. અને કહેતા તે કોઇની સ્ત્રીઓ સાથે ગમન કર્યું છે. તેનું ફળ ભોગવ તથા અનેક હિંસક પ્રાણીઓથી ભક્ષણ કરતાં. અસીતાલ વનમાં, સળગતા વનમાં બળતાં ખેંચતા હતા તથા યમદૂતો મુદગરથી મારતા તથા લોહીની નદી, તળાવ, કૂવા, વાવોમાં નાખતા. કીડા-જીવજંતુથી અપવિત્ર કુંડમાં વારંવાર ડૂબકા ખવરાવતા જોયા. અતિશય દુ:ખથી દુ:ખી થતાં ચારેકોર દોડતા, અરે મરી ગયા. એમ બોલતા પાપીના દુ:ખનો અંત આવતો નહોતો.

દૂતોએ આઠ નરકો ભયંકર બતાવ્યા. મહાતપ્ત, શૈરવ, મહાશૈરવ, તામીસ્ર, અંધતામીસ્ર, કાલસૂત્ર, સપ્તતાલ અને તપ્ત આ આઠમા એક કરતા બીજામાં બે ગણુ, દુ:ખ ત્રીજામાં ત્રણ ગણું એ રીતે આઠમાં આઠગણું દુ:ખ, આગળ જતા વડલા નીચે ચૂલામાં ઊધે માથે લટકાવી શરીરને શેકીને યમદૂતો ખાય છે. પછી ઠંડા પાણીની વાવ જોઇ, ત્યાં પાણી પીને વિશ્રાંતિ લ્યે છે. ત્યાં યમરાજાની બહેન યમુના ખાવાનું આપે છે. પછી આગળ પર્વતમાં ચલાવે છે.