ભાગ · અધ્યાય ૪૦૯–૪૧૦

વીરા - પ્રભાવતી - અરૂધંતી અને અદ્રશંતિના પતિવ્રતાનો પ્રભાવ

આ અધ્યાય 409–410 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અવિક્ષીત પત્ની વીરા તથા મરૂત પત્ની પતિવ્રતા પ્રભાવતીના પ્રભાવથી રાક્ષસોનો નાશ થયો.

બ્રહ્માના પુત્ર વશિષ્ટ તેની પત્ની અરુંધતિને સો પુત્રો થયા. મોટો શક્તિ નામે હતો. તે એકવાર જંગલમાં લાકડાં લેવા ગયો. તેને રાક્ષસ પકડીને ખાઇ ગયો. તેને નવાણું ભાઇઓ શોધવા ગયા. તેને પણ રાક્ષસ ખાઇ ગયો. વસિષ્ટ ઋષિ અતિ દુ:ખી થયા. દુ:ખના શોકથી મરવા તૈયાર થયા ત્યારે તેની પત્ની અરુંધતિ તથા પુત્રવધૂ અદ્રશંતીએ વશિષ્ટ ઋષિને મરવા ન દીધા અને પોતાના પતિવ્રતાનો પ્રભાવ બતાવ્યો. અદ્રશંતીએ કહ્યું, જો હું પતિવ્રતા હોઉં તો કાળ રુદ્ર, યમ, વિશ્વામિત્ર અને રાક્ષસો પથ્થર થઈ જાવ. તે સમયે કાળ કાળા પથ્થરરૂપે થયો. રુદ્ર સમુદ્રમાં લોઢાની પુત્રીરૂપે થયા. તેની પાસે જાય તે ચોંટી જાય. વિશ્વામિત્ર મરુભૂમિમાં પથ્થર થયા. તેના પરસેવાથી વિશ્વામિત્રી નદી થઇ. રાક્ષસ તે સમુદ્રમાં પર્વત થયો. બ્રહ્માદિદેવોએ સતી, પતિવ્રતા અદ્રશંતીની પ્રાર્થના કરી કે, સર્વદેવોને સજીવન કરો. સતી કહે, મારા પતિને જીવતા કરો તો દેવો સજીવન થાય.

બ્રહ્મા કહે : તારા પતિનું શરીર, હાડકાં, ચામડી, ભસ્મ કાંઈ પણ રહ્યું નથી. તો હું કઈ રીતે જીવતા કરું. તો પણ સૂક્ષ્મરૂપે તેને જીવતા કરી આપું છું. અદ્રશંતિ કહે, હું પણ પતિવ્રતાના પ્રભાવે સર્વે દેવોને સૂક્ષ્મરૂપે સજીવન કરીશ. એમ કહીને સર્વેદેવોને અણુરૂપે ચૈતન્ય ભાવે વશિષ્ટના સો પુત્રોને સજીવન કર્યાં. એ રીતે સતીથી સર્વે દેવો ભય પામે છે પછી બ્રહ્માએ શક્તિ વગેરે વશિષ્ટના સો પુત્ર સજીવન કર્યા. તે શક્તિના પુત્ર પરાશર થયા તેના પુત્ર વેદવ્યાસ થયા તેના પુત્ર બ્રહ્મનિષ્ટ શુકદેવ થયા.