ભાગ · અધ્યાય ૫૦૫

જમદગ્નિ ઋષિના જન્મની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર ભૃગુપુત્ર ઋચિક ઋષિ તીર્થ કરતા ગાધી રાજાના રાજ્યમાં આવ્યા. ત્યાં કૌશિકી નદીમાં સ્નાન કરી જપ કરવા બેઠા ત્યાં રાજકન્યા ગૌરીપૂજન કરવા આવી. ઋષિ મોહ પામીને રાજા પાસે આવ્યા. રાજાએ પગે લાગી આવવાનું કારણ પૂછ્યું. ઋષિ કહે, તારી કન્યા મને પરણાવ. રાજા કહે, કન્યા ન આપવી પડે તે માટે રાજા વૃદ્ધ ઋષિને કહે, તેની કિંમત આપવી પડે. ઋષિ કહે, શું કિંમત ? રાજા કહે, એક બાજુ કાળા કાનવાળા સાતસો સફેદ અશ્વો. ઋષિ કહે, બહું સારું. એમ કહી ગંગા કાંઠે જઇ વરૂણ દેવને જપ કરી બોલાવી. તેની પાસે અશ્વો માંગ્યા. વરૂણે અશ્વો આપ્યા. ઋષિએ આવી રાજાને આપ્યા. રાજાએ અશ્વો જોઇને ઋષિને રેણુકા કન્યા અગ્નિની સાક્ષીએ આપી. ઋષિ વનમાં તપ કરવા જવા તૈયાર થયા. ત્યાં કન્યાએ પોતાની માતાને વાત કરી.

માતા કહે, ઋષિ પાસે પુત્રની માંગણી કર. તારા માટે બ્રહ્મ તેજવાળો પુત્ર અને મારા માટે ક્ષત્રિય તેજવાળો પુત્ર માંગી લે. કન્યાએ ઋષિને સર્વ વાત કરી. ઋષિએ વિધિ પ્રમાણે પુત્રેષ્ટિ યજ્ઞ કરી દૂધપાકના બે ચરૂ યજ્ઞદેવ માટે તૈયાર કરી કહ્યું. બ્રહ્મતેજવાળો ચરૂ પત્નીને આપી કહ્યું, પી જા. અને પીપળાને આલિંગન કર. બીજો ચરૂ તારી માતાને પાઇને વડલાને આલિંગન કર, એટલે પુત્ર થશે. માતા કહે, પુત્રી મારા કરતા તારો ચરૂ શ્રેષ્ટ છે. તે મને આપ. પુત્રી કહે લ્યો, તે ગ્રહણ કરો. પરિણામે ક્ષત્રિય તેજવાળો પુત્ર ઋષિને થયો અને ઋષિએ કહ્યું કે, તારો પુત્ર બ્રાહ્મણના આચારથી રહિત થશે અને તારી માતાનો પુત્ર ધર્મ, કર્મવાળો ભક્તિવાળો થશે. એવી રીતે ઋચિાકને જમદગ્નિ ઋષિ થયા. રેણુકા કહે, મને બ્રાહ્મણ પુત્ર આપો. ઋષિ કહે, તારા પૌત્રો સર્વ બ્રાહ્મણ થશે. તે પરશુરામ વગેરે સર્વ બ્રાહ્મણ થયા અને ગાધીરાજાની પત્નીને પુત્ર થયો તે વિશ્વામિત્ર યુવાન થતા ગાધીરાજા વિશ્વામિત્રને ગાદી સોંપી વનમાં ગયા.

વિશ્વામિત્ર વૈરાગ્યવાળા હોવાથી વનમાં ગયા ત્યાં વશિષ્ટ સામા આવ્યા. વશિષ્ઠ ઋષિએ સ્વાગત કર્યું. વિશ્વામિત્ર આશ્ચર્ય પામી ગયા. ક્ષત્રિય તેજ કરતા બ્રહ્મતેજ વિશેષ છે. વિશ્વામિત્રે વશિષ્ટ પાસે નંદીની માગણી કરી. વશિષ્ટ કહે, હવન કરવા દૂધ, દહી, ઘી, માખણની જરૂર પડે તેથી ગાય વેચાય નહીં. વિશ્વામિત્ર કહે, રાજ્યમાં જે હોય તે રાજાનું કહેવાય એમ કહીને નોકર પાસે ગાયને બાંધીને લઇ જતા. વશિષ્ટ સામે જોઇને કહ્યું, તમે મને રજા આપો છો. વશિષ્ટ કહે, હું તને રજા આપતો નથી. તારું રક્ષણ તું કર. નંદીની ગાયે ગર્જના કરી. સૈન્ય ઉત્પન્ન કરી વિશ્વામિત્રના સૈન્યનો નાશ કર્યો. હિમાલયમાં હજારો વર્ષ અનશન તપ કર્યું. ઇન્દ્ર પ્રસન્ન થઇ કહે, વર માગો. વિશ્વામિત્ર કહે બ્રહ્મપણુ આપો. ઇન્દ્ર કહે, આ દેહે પ્રાપ્ત ન થાય. બીજો જન્મ લેવો પડે. ફરી વિશ્વામિત્રે હજાર વર્ષ તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થયા. વિશ્વામિત્ર કહે, બ્રાહ્મણપણું આપો. બ્રહ્મા કહે, ક્ષત્રિય શરીરને વિપ્રપણુ ન મળે. વિશ્વામિત્ર કહે, વિપ્રપણુ પ્રાપ્ત કરીશ અથવા દેહનો ત્યાગ કરીશ. મારા પિતામહ ઋચિકે મને બ્રહ્મર્ષિપણું આપેલુ છે. એટલે બ્રહ્માએ સર્વ ઋષિઓને કહ્યું, આજથી વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહેજો. પણ એક વશિષ્ટ ઋષિને બ્રહ્મર્ષિ ન કહેતા. વિશ્વામિત્ર વિશિષ્ટના આશ્રમમાં આવી રાગદ્વેષથી આશ્રમ ઉપર મંત્ર વિદ્યાથી અગ્નિ વર્ષા કરવા માંડી. વશિષ્ટ ઋષિએ તપોબળથી સ્તંભીત કરી.