ભાગ · અધ્યાય ૨૭૮

તેરસની તિથીએ કોનું પૂજન કરવું ?

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્ર વૈશાખ તેરસે કામતૃપ્તિ માટે રતિ સાથે કામદેવનું પૂજન કરવું. જેઠ તેરસે ભાગ્ય વધારવા નદીમાં સ્નાન કરી ધૂપ-દીપ કરી. સૂર્યની પ્રાર્થના સ્તુતિ કરવી. અષાઢ તેરસે જયાપાર્વતી વ્રત કરવું. શિવ-પાર્વતી સિંહ પર બેઠેલા એવી મૂર્તિ બનાવી ત્રણ દિવસ પૂજા કરવી. ગુરુને દાનમાં આપી દેવી તથા ભોજન કરાવી દાન- દક્ષિણા આપવી. આ વ્રત કન્યા અને વિવાહીતા દામ્પત્ય સુખ માટે કરવા. શ્રાવણમાં તેરસે રતિ કામદેવનું પૂજન કરવું. ભાદરવા તેરસે લક્ષ્મીનારાયણને પંચામૃતથી સ્નાન કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરીને નૈવેદ્ય ધરી, આરતિ કરવી. પાંચ ગાયોનું એક દિવસનું ઘી દાનમાં આપવું. આશ્વિન તેરસે બાળકોનું શસ્ત્રોથી મરેલાનું શ્રાદ્ધ કરવું તથા અશોકવ્રત કરવું. ત્રીજે દિવસે હરમાના વૃક્ષ નીચે બાળકોને જમાડવા. કાર્તિક તેરસે મંદિરે દીપ દાન કરવું. કાર્તિક વદ તેરસે ધનલક્ષ્મી પૂજન લક્ષ્મીનારાયણની પૂજા કરવી. જલેબી, સાટા વગેરે મીષ્ટાન્ન ધરાવવા. ચાર દિવસ લક્ષ્મીનારાયણની પૂજા કરવી તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રસન્નતા માટે લક્ષ્મી, માણિકી, પાર્વતી, પ્રભાશંકર સૂર્ય વગેરે પૂજા કરવી. માગશર તેરસે વિપ્ર દંપતીને ભોજન કરાવી, પૂજા કરી, દક્ષિણા આપવી. પોષ તેરસે કમલાલક્ષ્મી શ્રીહરિનું પૂજન કરવું. માઘ તેરસે શ્રીહરિ તથા વિશ્વકર્માની પૂજા કરવી. ફાગણ તેરસે શિવરાત્રિ વ્રત નિરાહાર કરી, શિવ-પાર્વતીનું પૂજન કરવું. શત રૂદ્રીનો પાઠ કરી રાત્રે મહાઅભિષેક કરવો. ભક્ષ્ય, ભોજન, લેહ્ય, ચોસ્ય વગેરે નૈવેદ્ય ધરી, રાત્રે ઉત્સવ કરવો. ઉત્સવ કરનારા કૈલાસ, વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામને પામે છે. ફાગણ તેરસે ધન પ્રાપ્તિ માટે કુબેરનું પૂજન કરવું.